3 જ્યારે આ મારા સાંભળવામાં આવ્યું ત્યારે મેં મારાં વસ્ત્ર ફાડ્યાં, મારા માથાના તથા દાઢીના વાળ ખેંચી કાઢ્યાં. પછી હું અતિશય સ્તબ્ધ થઈ બેસી પડ્યો. 4 આ સમયે બંદીવાસવાળાઓના પાપને લીધે ઇઝરાયલના ઈશ્વરના વચનોથી જેઓ ધ્રૂજતા હતા, તે સર્વ મારી પાસે આવ્યા. સાંજના સમયના અર્પણ સુધી હું સ્તબ્ધ થઈને બેસી રહ્યો.
5 સાંજના અર્પણનો સમય થતાં હું શોકમગ્ન થઈને જ્યાં બેઠો હતો ત્યાંથી ઊઠ્યો અને મારાં ફાટેલાં અન્ય વસ્ત્રો અને ઝભ્ભા સાથે જ મેં ઘૂંટણિયે પડીને મારા ઈશ્વર, યહોવાહ તરફ હાથ લંબાવ્યા. 6 મેં કહ્યું, “હે મારા ઈશ્વર, મારું મુખ તમારા તરફ ઊંચું કરતાં મને શરમ આવે છે. કારણ કે અમારા પાપોનો ઢગલો અમારા માથાથી પણ ઊંચો થઈ ગયો છે અને અમારા અપરાધ છેક ઉપર આકાશ સુધી પહોંચ્યા છે.
7 અમારા પિતૃઓના સમયથી અમે ઘણા અપરાધ કર્યા છે. અમે અમારા રાજાઓએ તથા અમારા યાજકોએ અમારા અપરાધોને કારણે અમારી જાતને આ જગતના સત્તાધીશોને હવાલે કરી દીધી છે અને અમે તલવાર, બંદીવાસ, લૂંટફાટનો ભોગ બનીને આબરુહીન થયા છીએ અમને અપમાનિત કરવામાં આવ્યા છે. આજે પણ અમારી એ જ દશા છે.
8 અમારે માટે બચેલો શેષ રાખવાને પોતાના પવિત્રસ્થાનમાં શાંતિ આપવાને, અમારા પ્રભુ ઈશ્વર તરફથી કૃપા બતાવવામાં આવી છે. તે માટે કે ઈશ્વર અમારી આંખોને પ્રકાશિત કરે અને અમારા બંદીવાસમાંથી અમને નવજીવન બક્ષે. 9 કારણ કે, અમે તો ગુલામો હોવા છતાં અમારા ઈશ્વરે અમને અમારી ગુલામીમાં પણ અમને તજી દીધા નથી. તેમણે ઇરાનના રાજાની મારફતે અમારા પર કૃપાદ્રષ્ટિ કરી છે. કે જેથી અમે નવજીવન પામીને ઈશ્વરનું ભક્તિસ્થાન બનાવીએ. યહૂદિયામાં અને યરુશાલેમમાં ઈશ્વરે અમને સંરક્ષણ આપ્યું છે.
10 પણ હવે, હે અમારા ઈશ્વર, અમે તમને શું મોં બતાવીએ? અમે તો ફરીથી તમારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું છે અને તમારાથી દૂર ભટકી ગયા છીએ. 11 જયારે તમે કહ્યું કે,’ જે ભૂમિ અમને વારસામા મળવાની છે તે દેશ ત્યાંના રહેવાસીઓની અશુદ્ધતાને લીધે તથા તેઓના ધિક્કારપાત્ર કૃત્યોને લીધે એક છેડાથી બીજા છેડા સુધી અશુધ્ધિથી ભરેલો છે. ત્યારે ઈશ્વરે, તેમના સેવકો, પ્રબોધકો દ્વારા અમને આજ્ઞાઓ આપી છે, 12 કે તમારી દીકરીઓનાં લગ્ન તેઓના દીકરાઓ સાથે કરાવશો નહિ. અને તમારા દીકરાઓના લગ્ન તેઓની દીકરીઓ સાથે કરાવશો નહિ; એ લોકોની સુખ સમૃદ્ધિ માટે કશું કરશો નહિ. તો જ તમે બળવાન બનશો, અને તે ભૂમિની ઉત્તમ ઉપજને ખાઈ શકશો અને તમારા વંશજોને સદાકાળ માટે વારસામાં આપતા જશો.
13 અમારા દુષ્ટ કામોને લીધે તથા અમારા મોટા અપરાધોને લીધે અમારા પર જે કંઈ વીત્યું છે, તે સર્વને માટે, હે ઈશ્વર અમારા પ્રભુ, અમે જે શિક્ષાને યોગ્ય હતા તે કરતાં તમે અમને ઓછી શિક્ષા કરી છે; વળી અમારામાંથી તમે આટલાને બચાવી પણ લીધા છે. 14 છતાં અમે તમારી આજ્ઞાઓનો અનાદર કરીને ફરી ધિક્કારપાત્ર કૃત્યો કરનાર લોકોની સાથે આંતરવિવાહ કરીએ શું? તો પછી શું તમે ફરી અમારા પર કોપાયમાન થઈને અમારો એવો વિનાશ નહિ કરો કે કોઈ પણ રહે નહિ અને બચે નહિ?
15 હે ઇઝરાયલના ઈશ્વર, યહોવાહ, તમે ન્યાયી છો તેથી જ અમે આજે છીએ અને જીવતા રહ્યા છીએ. જુઓ, અમે અપરાધીઓ છીએ, અમારા અપરાધને કારણે તમારી સમક્ષ કોઈ ઊભો રહી શકતો નથી.”
<- એઝરા 8એઝરા 10 ->- a પવિત્ર બીજ