Link to home pageLanguagesLink to all Bible versions on this site
8
એઝરા સાથે પાછા ફરેલાંની નામાવલી
1 આર્તાહશાસ્તા રાજાના શાસનકાળ દરમિયાન બાબિલથી મારી સાથે જેઓ યરુશાલેમ આવ્યા હતા તેઓના પૂર્વજોના વડીલોની વંશાવળી આ પ્રમાણે છે; 2 ફીનહાસનો વંશજ ગેર્શોમ; ઈથામારનો વંશજ દાનિયેલ; દાઉદના વંશજ શખાન્યાનો પુત્ર હાટ્ટુશ. 3 શખાન્યાનો વંશજ માં નો, પારોશનો વંશજ માં નો ઝખાર્યા; તેની સાથે વંશના એક્સો પચાસ પુરુષો હતા.

4 પાહાથ-મોઆબના વંશજ ઝરાહયાનો પુત્ર એલીહોએનાય; તેની સાથે બસો પુરુષો હતા. 5 શખાન્યાનો વંશજ યાહઝીએલ; તેની સાથે ત્રણસો પુરુષો હતા. 6 આદીનના વંશજ યોનાથાનનો પુત્ર એબેદ; તેની સાથે પચાસ પુરુષો હતા. 7 એલામના વંશજ અથાલ્યાનો પુત્ર યશાયા; તેની સાથે સિત્તેર પુરુષો હતા.

8 શફાટયાના વંશજ મિખાયેલનો પુત્ર ઝબાદ્યા; તેની સાથે એંસી પુરુષો હતા. 9 યોઆબના વંશજ યહીએલનો પુત્ર ઓબાદ્યા; તેની સાથે બસો અઢાર પુરુષો હતા. 10 શલોમીથના વંશજ યોસિફિયાનો પુત્ર તેની સાથે એક્સો સાઠ પુરુષો હતા. 11 બેબાયનો વંશજ ઝખાર્યા; તેની સાથે અઠ્ઠાવીસ પુરુષો હતા.

12 આઝગાદના વંશજ હાકાટાનનો પુત્ર યોહાનાન; તેની સાથે એક્સો દસ પુરુષો હતા. 13 છેલ્લાં અદોનિકામના વંશજો હતા; તેઓનાં નામ આ પ્રમાણે છે; અલિફેલેટ, યેઈએલ, શમાયા અને તેઓની સાથે સાઠ પુરુષો હતા. 14 બિગ્વાયના વંશજ ઉથાય તથા ઝાબ્બૂદ; તેઓની સાથે સિત્તેર પુરુષો હતા.

મંદિરની સેવા માટે મળેલા લેવીઓ
15 આહવા નદીને કિનારે મેં તેઓને એકત્ર કર્યા અને ત્યાં અમે ત્રણ દિવસ માટે છાવણી નાખી. તે દરમિયાન મેં બંદીવાસમાંથી આવેલા લોકોની યાદી તપાસી તો મને ખબર પડી કે તેમાં યાજકો હતા પણ લેવીના વંશજોમાંના કોઈ જોવામાં આવ્યા નહિ. 16 તેથી મેં એલિએઝેર, અરીએલ, શમાયા, એલ્નાથાન, યારીબ, નાથાન ઝખાર્યા અને મશુલ્લામ જેઓ આગેવાનો હતા તેઓને તથા યોયારીબ અને એલ્નાથાન કે જેઓ શિક્ષકો હતા તેઓને પણ બોલાવ્યા.

17 અને તેમને આશ્શૂરના યહૂદી સમાજના આગેવાન ઇદ્દો પાસે મોકલ્યા અને તેમની મારફતે ઇદ્દોને અને આશ્શૂરમાં રહેતા ભક્તિસ્થાનના તેના સાથી સેવક ભાઈઓને કહ્યું કે તેઓ અમારા ઈશ્વરના ભક્તિસ્થાન માટે સેવકો મોકલી આપે.

18 અમારા પર ઈશ્વરની કૃપા હતી. એટલે તેઓએ અમારી પાસે જે સેવકો મોકલ્યા તેઓ આ પ્રમાણે છે; ઇઝરાયલના પુત્ર લેવીના પુત્ર માહલીનો વંશજ શેરેબ્યા, તેના ભાઈઓ અને તેના પુત્રો, કુલ અઢાર પુરુષો હતા. શેરેબ્યા ખૂબ હોશિયાર માણસ હતો. 19 મરારીના વંશજો હશાબ્યા અને યશાયા. તેના ભાઈઓ તથા તેઓના પુત્રો, કુલ વીસ પુરુષો હતા. 20 દાઉદે તથા તેના સરદારોએ સભાસ્થાનની સેવાને માટે જે લેવીઓને નીમ્યા હતા, તેઓમાંના બસો વીસ; તેઓના નામ દર્શાવવામાં આવેલા હતાં.

સામૂહિક પ્રાર્થના અને ઉપવાસ
21 અમે આહવા નદીને કિનારે હતા ત્યારે મેં ઉપવાસ કરવાનું જાહેર કર્યું, કે અમે અમારા ઈશ્વરની સમક્ષ પોતાને નમ્ર બનાવીએ; અને પ્રાર્થના કરીને અમારે માટે, અમારા બાળકો માટે તથા અમારી મિલકતને માટે તેમની પાસેથી સીધો રસ્તો શોધી લઈએ. 22 શત્રુઓની વિરુદ્ધ અમને માર્ગમાં રક્ષણ કરવા માટે રાજા પાસે સૈનિકો અને ઘોડેસવારોની માગણી કરતાં મને ક્ષોભ થયો. કારણ અમે રાજાને કહ્યું હતું કે, “જે કોઈ ઈશ્વરને શોધે છે તેઓ પર ઈશ્વરનો હાથ હિતકારક છે પણ જે કોઈ તેના પ્રત્યે વિમુખ હોય છે તેના પર તેમનો ભયંકર કોપ અને પરાક્રમ આવે છે.” 23 તેથી અમે ઉપવાસ કર્યો અને સુરક્ષિત મુસાફરી માટે ઈશ્વરને પ્રાર્થના કરી અને તેમણે અમારી પ્રાર્થના સાંભળી.
મંદિર માટેની ભેટો
24 પછી મેં યાજકોમાંથી બાર આગેવાનોને પસંદ કર્યા, શેરેબ્યા, હશાબ્યા તથા તેના ભાઈઓમાંથી દસને પસંદ કર્યા. 25 મેં તેઓને સોનું ચાંદી, પાત્રો અને અર્પણો ઈશ્વરના સભાસ્થાનને માટે રાજાએ, તેના સલાહકારોએ, અધિકારીઓએ અને ત્યાં હાજર રહેલા બધા ઇઝરાયલીઓએ આપ્યાં હતા તે સર્વ તોળીને આપ્યાં.

26 મેં તેમને બાવીસ હજાર એક્સો કિલો ચાંદી, ત્રણ હજાર ચારસો કિલો વજનના ચાંદીનાં વાસણો, ત્રણ હજાર ચારસો કિલો સોનું, 27 સોનાના વીસ ઘડાઓ, જેનું વજન સાડા આઠ કિલો હતું, પિત્તળના બે વાસણો, જે સોના જેટલાં જ કિંમતી હતાં તે આપ્યાં.

28 પછી મેં તેઓને કહ્યું, “તમે યહોવાહને માટે પવિત્ર છો, તેમ આ વાસણો પણ યહોવાહને માટે પવિત્ર છે. આ સોનું અને ચાંદી તમારા પિતૃઓના ઈશ્વર યહોવાહને માટે ઐચ્છિકાર્પણ છે.” 29 મેં તેઓને કહ્યું, “આ ખજાનાને કાળજીપૂર્વક સંભાળજો; ભક્તિસ્થાને પહોંચો ત્યાં સુધી તેનું રક્ષણ કરજો. ત્યાં ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારના ઓરડાઓમાં યાજકો, લેવીઓના આગેવાનો તથા યરુશાલેમમાં ઇઝરાયલીઓના કુટુંબનાં પૂર્વજોની સમક્ષ વજન કરીને સોંપી દેજો.” 30 એમ યાજકોને અને લેવીઓને યરુશાલેમમાં ઈશ્વરના ભક્તિસ્થાને લઈ જવા માટે ચાંદી, સોનું અને અન્ય પાત્રો વજન કરી આપ્યાં.

આખરે યરુશાલેમ આવ્યા
31 અમે પહેલા માસના બારમે દિવસે આહવા નદીથી યરુશાલેમ આવવા પ્રયાણ કર્યું. અમારા પર ઈશ્વરની કૃપાદ્રષ્ટિ હતી અને તેમણે માર્ગમાં દુશ્મનોના હુમલાઓથી અને ચોર લૂંટારાઓથી અમારું રક્ષણ કર્યુ. 32 આ પ્રમાણે અમે યરુશાલેમ આવી પહોંચ્યા પછી અમે ત્યાં ત્રણ દિવસ આરામ કર્યો.

33 ચોથે દિવસે, યાજક ઉરિયાના પુત્ર મરેમોથને અમારા ઈશ્વરના ભક્તિસ્થાનમાં ચાંદી, સોનું, અને અન્ય પાત્રો વજન કરી આપ્યાં. તેની સાથે ફીનહાસનો પુત્ર એલાઝાર, યેશૂઆનો પુત્ર યોઝાબાદ અને બિન્નઇનો પુત્ર નોઆદ્યા લેવીઓ પણ હતા. 34 દરેક વસ્તુનું ગણીને વજન કરવામાં આવ્યું હતું અને તે સમયે સોના અને ચાંદીના કુલ વજનની નોંધ કરવામાં આવી હતી.

35 ત્યાર પછી બંદીવાસમાંથી જે લોકો પાછા આવ્યા હતા, તેઓએ ઇઝરાયલના ઈશ્વરને બાર બળદો અર્પણ કર્યા. છન્નું ઘેટાં, સિત્તોતેર હલવાનો અને બાર બકરાઓનું પાપાર્થાર્પણ તરીકે દહનીયાર્પણ કર્યું. તેઓએ આ સર્વનું ઈશ્વરને દહનીયાર્પણ કર્યું. 36 પછી તેઓએ નદી પાર પશ્ચિમ તરફના સર્વ રાજ્યોમાં તેના સરદારોને તેમ જ હાકેમોને રાજાનું ફરમાન કહી સંભળાવ્યું. તેઓએ લોકોને ઈશ્વરના ભક્તિસ્થાનના બાંધકામમાં મદદ કરી.

<- એઝરા 7એઝરા 9 ->