6 એઝરા બાબિલથી ત્યાં આવ્યો. ઇઝરાયલના ઈશ્વર, યહોવાહે આપેલા મૂસાના નિયમશાસ્ત્રમાં તે પ્રવીણ શાસ્ત્રી હતો. તેના પર યહોવાહની કૃપાદ્રષ્ટિ હતી તેથી રાજાએ તેની સર્વ અરજ મંજૂર રાખી. 7 ઇઝરાયલી વંશજોમાંના કેટલાક યાજકો, લેવીઓ, ગાયકો, દ્વારપાળો તથા ભક્તિસ્થાનના, સેવકોની સાથે, આર્તાહશાસ્તા રાજાના શાસનના સાતમા વર્ષના પાંચમા માસમાં એઝરા યરૂશાલેમ ગયો.
8 તે પોતાના ઈશ્વરની કૃપાથી પાંચમાં માસના પ્રથમ દિવસે યરુશાલેમ આવી પહોંચ્યો. 9 એઝરાએ પ્રથમ માસના પ્રથમ દિવસે બાબિલથી ઊપડવાનું નક્કી કર્યુ હતું, અને પાંચમાં માસના પ્રથમ દિવસે યરુશાલેમ આવી પહોંચ્યો. ઈશ્વરનો પ્રેમાળ હાથ તેના પર હતો. 10 એઝરાએ પોતાનું મન યહોવાહના નિયમોનો અભ્યાસ કરવામાં, તેને પાળવામાં તથા વિધિઓ અને હુકમો શીખવવામાં લગાડ્યું.
14 હું રાજા તથા મારા સાત સલાહકારો તને એ માટે મોકલીએ છીએ કે તારા હાથમાં ઈશ્વરનું જે નિયમશાસ્ત્ર તારી પાસે છે તે પ્રમાણે યહૂદિયામાં અને યરુશાલેમમાં તેના સંબંધી તું તપાસ કર. 15 અને યરુશાલેમમાં ઇઝરાયલના ઈશ્વરનું જે નિવાસસ્થાન છે તેને માટે ચાંદી અને સોનું અર્પણને માટે લઈ જવું. 16 તે ઉપરાંત બાબિલના સર્વ રાજ્યોમાંથી યરુશાલેમના ઈશ્વરના ભક્તિસ્થાન માટે ચાંદી તથા સોનું ઐચ્છિકાર્પણો તરીકે યહૂદીઓએ અને તેઓના યાજકોએ લઈ જવાં.
17 અને એ નાણાથી બળદો, ઘેટાં, હલવાન, ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ખરીદીને યરુશાલેમમાં તમારા ઈશ્વરના સભાસ્થાનની વેદી પર તેઓનું અર્પણ કરવામાં આવે. 18 તેમાંથી જે સોનું, ચાંદી વધે તેનો ઉપયોગ તમારા ઈશ્વરની ઇચ્છા પ્રમાણે અને તને તથા તારા ભાઈઓને યોગ્ય લાગે તે રીતે કરવો.
19 જે પાત્રો તારા ઈશ્વરના સભાસ્થાનની સેવા માટે તને આપવામાં આવ્યાં છે, તે તારે યરુશાલેમમાં ઈશ્વરની સમક્ષ રજૂ કરવા. 20 અને જો તારા ઈશ્વરના સભાસ્થાનને માટે અન્ય કોઈ જરૂરિયાત હોય તો તું રાજાના ભંડારમાંથી નાણાં મેળવીને ખરીદી કરી શકે છે.
21 હું રાજા આર્તાહશાસ્તા ફ્રાત નદી પારના પ્રાંતના સર્વ ખજાનચીઓને હુકમ કરું છું કે, એઝરા યાજક જે આકાશના ઈશ્વરના નિયમશાસ્ત્રનો શાસ્ત્રી છે તે જે કંઈ માગે તે તમારે તાકીદે પૂરું પાડવું. 22 ત્રણ હજાર ચારસો કિલો ચાંદી, દસ હજાર કિલો ઘઉં, બે હજાર લિટર દ્રાક્ષારસ અને બે હજાર લિટર તેલ અને જોઈએ તેટલું મીઠું પણ આપવું. 23 આકાશના ઈશ્વર પોતાના સભાસ્થાનને માટે જે કંઈ આજ્ઞા કરે તે બધું તમારે પૂરા હૃદયથી કરવું. મારા રાજ્ય પર અને મારા વંશજો શા માટે ઈશ્વરનો કોપ આવવા દેવો?
24 અને તને એ પણ જણાવવામાં આવે છે કે, કોઈ પણ વધારાની જકાત કે ખંડણી યાજકો, લેવીઓ, ગાયકો, દ્વારપાળો કે ઈશ્વરના ભક્તિસ્થાનના સેવકો કે અન્ય સેવકો પાસેથી લેવી નહિ. 25 વળી તને એઝરા, ઈશ્વરે જે જ્ઞાન આપ્યું છે તે વડે ન્યાયાધીશો અને અન્ય અધિકારીઓની પસંદગી કરજે અને ફ્રાત નદીની પશ્ચિમ તરફ વસતા જે લોકો તારા ઈશ્વરના નિયમો જાણે છે તેઓ પર વહીવટ ચલાવવા તેઓની નિમણૂક કરજે. જો તેઓ ઈશ્વરના નિયમશાસ્ત્રના જ્ઞાનથી અજાણ હોય તો તારે તેઓને શીખવવું. 26 વળી જે કોઈ ઈશ્વરના નિયમશાસ્ત્રનું તથા રાજાના કાયદાનું પાલન કરવાનો ઇનકાર કરે તેઓને તારે મૃત્યુદંડ, દેશનિકાલ, મિલકતની જપ્તી અથવા કેદની સજા કરવી.”
- a સજાવટ કરવો