Link to home pageLanguagesLink to all Bible versions on this site
4
મંદિર બાંધવા સામે વિરોધ
1 હવે યહૂદિયાના તથા બિન્યામીનના દુશ્મનોએ સાંભળ્યું કે બંદીવાસમાંથી મુક્ત થયેલા લોકો, ઇઝરાયલના ઈશ્વર, યહોવાહનું ભક્તિસ્થાન બાંધે છે. 2 તેથી તેઓએ ઝરુબ્બાબેલ તથા તેઓના પૂર્વજોના કુટુંબનાં મુખ્ય વડીલો પાસે આવીને તેઓને કહ્યું, “અમને પણ તમારી સાથે બાંધકામમાં સામેલ થવા દો, કારણ કે આશ્શૂરનો રાજા એસાર-હાદ્દોન જે અમને અહીં લઈ આવ્યો તે દિવસોથી, અમે પણ, તમારી જેમ તમારા ઈશ્વરના ઉપાસક છીએ અને અમે તેમની આગળ અર્પણ કરતા આવ્યા છીએ.”

3 પણ ઝરુબ્બાબેલ, યેશૂઆ અને ઇઝરાયલના પૂર્વજોના કુટુંબનાં મુખ્ય વડીલોએ તેઓને કહ્યું, “તમારે નહિ, પણ અમારે અમારા ઈશ્વરનું ભક્તિસ્થાન બાંધવું જોઈએ. જેમ ઇરાનના રાજા કોરેશે આજ્ઞા આપી છે તેમ, અમે પોતે જ એકત્ર થઈને ઇઝરાયલના ઈશ્વર, યહોવાહના માટે એ બાંધકામ કરીશું.”

4 તેથી તે સ્થળના લોકોએ યહૂદિયાના લોકોને ડરાવી, તેઓને બાંધકામ કરતાં અટકાવાનો પ્રયત્ન કર્યો. 5 વધુમાં તે સ્થળના લોકોએ, તેઓના ઇરાદાઓને નાસીપાસ કરવા માટે, ઇરાનના રાજા કોરેશના સઘળાં દિવસો દરમિયાન તથા ઇરાનના રાજા દાર્યાવેશના રાજ્યકાળ સુધી, સલાહકારોને લાંચ આપી. 6 પછી અહાશ્વેરોશ રાજાના રાજ્યકાળની શરૂઆતમાં તેઓએ યહૂદિયા તથા યરુશાલેમના રહેવાસીઓ વિરુદ્ધ તહોમત મૂકીને કાગળ લખ્યો.

યરુશાલેમ ફરી બાંધવા સામે વિરોધ
7 આર્તાહશાસ્તાના દિવસોમાં, બિશ્લામે, મિથ્રદાથે, તાબેલે તથા તેના બીજા સાથીઓએ, ઇરાનના રાજા આર્તાહશાસ્તા ઉપર એક પત્ર અરામી લિપિમાં લખ્યો. તેનો અર્થ અરામી ભાષામાં દર્શાવેલો હતો. 8 *એઝ: 4:8 થી 6:16 અરામિક ભાષામાં લખેલું છેન્યાય ખાતાના વડા રહૂમે તથા પ્રધાન શિમ્શાયે, યરુશાલેમ વિરુદ્ધ આર્તાહશાસ્તા રાજાને પત્ર લખ્યો.

9 રહૂમ, પ્રધાન શિમ્શાય તથા તેના સાથીદારો; દિનાયેઓ, અફર્સાતકયેઓ, ટાર્પેલાયેઓ, અફાર્સાયેઓ, આર્કવાયેઓ, બાબિલ વાસીઓ, સુસા, દેહાયેઓ તથા એલામીઓ 10 અને બાકીની બધી પ્રજાઓ, જેઓને મોટા તથા ખાનદાન ઓસ્નાપ્પારે લાવીને સમરુન નગરમાં તથા નદી પારના બાકીના દેશમાં વસાવ્યા હતા, તે સર્વ પત્ર લખવામાં સામેલ હતા.

11 તેઓએ આર્તાહશાસ્તાને જે પત્ર લખ્યો તેની નકલ આ પ્રમાણે છે: “નદી પારના આપના સેવકો આપને લખી જણાવે છે: 12 રાજા, આપને માલુમ થાય કે જે યહૂદીઓ તમારા ત્યાંથી આવ્યા છે તેઓ, બળવાખોર નગર યરુશાલેમના પુન: બાંધકામ કરવા દ્વારા અમારી સામે થયા છે. તેઓ દીવાલોનું બાંધકામ પૂર્ણ કર્યું છે અને પાયાનું સમારકામ કર્યું છે.

13 હવે આપને જાણ થાય કે જો આ નગરની દીવાલનું કાર્ય પૂર્ણ થશે અને નગર બંધાશે તો તેઓ ખંડણી કે કરવેરા આપશે નહિ પણ તેઓ રાજાઓને નુકસાન કરશે.

14 નિશ્ચે અમે આપના મહેલનું અન્ન ખાધું છે તેથી આપનું અપમાન થાય તે જોવું, અમને શોભતું નથી. તેથી અમે સંદેશો મોકલીને આપને જાણ કરીએ છીએ 15 કે, આપના પિતાના હેવાલને તપાસી ખાતરી કરવામાં આવે કે આ નગર બંડખોર છે, જે રાજાઓને તથા પ્રાંતોને નુકસાન કરશે. આ નગરે રાજાઓ અને પ્રાંતોને ખૂબ તકલીફો પહોંચાડી છે. ઘણાં સમયથી આ નગર બળવાનું સ્થાન રહ્યું હતું અને તે જ કારણસર આ નગરનો નાશ કરવામાં આવ્યો હતો. 16 હે રાજા અમે આપને જણાવીએ છીએ કે જો ફરીથી આ કોટ તથા નગર બંધાશે, તો પછી મહા નદીની પાર આપની કંઈ પણ હકૂમત રહેશે નહિ.”

17 એ વાંચીને રાજાએ રહૂમને, શિમ્શાયને તથા સમરુનમાં તથા નદી પરના બાકીના દેશમાં તેઓના જે બીજા સાથીઓ રહેતા હતા તેઓને જવાબ મોકલ્યો કે, “તમે ક્ષેમકુશળ હો! 18 જે પત્ર તમે મને મોકલ્યો હતો, તેને અનુવાદિત કરાવીને મારી સમક્ષ સ્પષ્ટતા સાથે વાંચી સંભળાવવામાં આવ્યો છે. 19 પછી મેં આદેશ આપી તપાસ કરાવી અને મને જણાયું છે કે ભૂતકાળમાં ઘણાં રાજાઓ સામે તેઓએ બળવો તથા તોફાન કર્યા હતાં.

20 યરુશાલેમમાં જે પ્રતાપી રાજાઓએ નદી પારના આખા દેશ પર હકૂમત ચલાવી છે, તેમને લોકો કર તથા જકાત આપતા હતા. 21 માટે હવે તમારે એવો હુકમ ફરમાવવો જોઈએ કે, એ લોકોનાં કામ બંધ કરવામાં આવે અને બીજી આજ્ઞા થતાં સુધી એ નગર બંધાય નહિ. 22 સાવધાન રહેજો, આ બાબતની જરાપણ અવગણના કરશો નહિ. રાજ્યને નુકસાન થાય એવું શા માટે થવા દેવું જોઈએ?”

મંદિરનું બાંધકામ બંધ પડ્યું
23 જ્યારે આર્તાહશાસ્તા રાજાનો આ પત્ર રહૂમ, શિમ્શાય તથા તેમના બીજા સાથીઓને વાંચી સંભળાવવામાં આવ્યો ત્યારે તેઓએ ઝડપથી યરુશાલેમ આવીને જોરજુલમથી યહૂદીઓને બાંધકામ કરતા અટકાવ્યા. 24 તેથી યરુશાલેમમાંના ઈશ્વરના ઘરનું બાંધકામ અટકી ગયું. અને ઇરાનના રાજા દાર્યાવેશના શાસનકાળના બીજા વર્ષ સુધી સ્થગિત રહ્યું.

<- એઝરા 3એઝરા 5 ->