Link to home pageLanguagesLink to all Bible versions on this site

એઝરા
લેખક
યહૂદી પરંપરા આ પુસ્તકના લેખક તરીકેનો શ્રેય એઝરાને આપે છે. એક રીતે અજ્ઞાત એવો એઝરા હારુન મુખ્ય યાજકનો પ્રત્યક્ષ વંશજ હતો (7:1-5), અને આમ તે એક યાજક અને પોતાના હક દ્વારા શાસ્ત્રી હતો. ઈશ્વર અને તેમના નિયમ માટેના એઝરાના ઉત્સાહે આર્તાહશાસ્તા રાજાના ઇરાનના સામ્રાજ્ય પરના રાજ્યકાળ દરમ્યાન તેને યહૂદીઓના એક જૂથને પાછા ઇઝરાયલ દોરવા પ્રેર્યો હતો.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 457 થી 440 વચ્ચેનો છે.
આ લખાણ બાબિલથી પાછા ફર્યા બાદ યહૂદામાં, કદાચને યરુશાલેમમાં લખાયું હતું.
વાંચકવર્ગ
બંદીવાસમાંથી પાછા ફર્યા બાદ યરુશાલેમમાંના ઇઝરાયલીઓ તથા શાસ્ત્રના ભવિષ્યના બધા જ વાંચકો.
હેતુ
ઈશ્વરે એઝરાનો ઉપયોગ લોકોને શારીરિક અર્થમાં તેઓના વતનમાં પાછા ફરવા દ્વારા અને આત્મિક અર્થમાં પાપના પશ્ચાતાપ કરવા દ્વારા પાછા ઈશ્વર સાથે સ્થાપિત કરવાના ઉદાહરણ તરીકે કર્યો. જ્યારે આપણે પ્રભુનું કામ કરીએ છીએ ત્યારે અવિશ્વાસીઓ તથા આત્મિક પરિબળો તરફથી વિરોધ તો થશે જ, અને જો આપણે અગાઉથી તૈયારી કરીએ તો આપણે તે વિરોધનો સામનો કરવા વધુ સજ્જ હોઈશું. માર્ગમાં અવરોધો હોવાં છતાં વિશ્વાસ દ્વારા આપણે આપણી પ્રગતિ ચાલું રાખીશું. એઝરાનું પુસ્તક આપણને જબરજસ્ત યાદ અપાવે છે કે ઈશ્વરની આપણાં જીવનો માટેની યોજનાને પરિપૂર્ણ કરવામાં નિરાશા અને ડર સૌથી મોટા અવરોધો છે.
મુદ્રાલેખ
પુનઃસ્થાપના
રૂપરેખા
1. ઝરુબ્બાબેલની આગેવાનીમાં પ્રથમ જૂથનું પાછા આવવું — 1:1-6:22
2. એઝરાની આગેવાનીમાં બીજા જૂથનું પાછા આવવું — 7:1-10:44

1
વતન જવા યહૂદિયોને કોરેશનો આદેશ
1 ઇરાનના રાજા કોરેશની કારકિર્દીના પહેલા વર્ષે, ઈશ્વરે, યર્મિયાના મુખેથી આપેલાં પોતાના વચનને પૂર્ણ કરતાં, કોરેશ રાજાના મનમાં પ્રેરણા કરી. તેથી કોરેશે પોતાના આખા રાજ્યમાં લેખિત અને શાબ્દિક ફરમાન જારી કર્યું: 2 “ઇરાનના રાજા કોરેશ જાહેર કરે છે કે: યહોવાહ, આકાશવાસી પ્રભુએ મને પૃથ્વી પરનાં સર્વ રાજ્યો આપ્યાં છે અને તેમણે મને યહૂદિયાના યરુશાલેમમાં ભક્તિસ્થાન બાંધવાને નીમ્યો છે.

3 તેના સર્વ લોકોમાંના જે કોઈ તમારામાં હોય, તેઓની સાથે, તેમના ઈશ્વર હો અને તે યહૂદિયામાંના યરુશાલેમમાં જઈને ઇઝરાયલના ઈશ્વર પ્રભુનું ભક્તિસ્થાન બાંધે. 4 તેઓ સિવાયના, રાજ્યમાં તેઓમાંના બાકી રહેતા લોકો યરુશાલેમમાં ઈશ્વરના ઘરના બાંધકામને સારુ, ઐચ્છિકાર્પણો તરીકે ભક્તિસ્થાનનાં બાંધકામને માટે સોનું અને ચાંદી, જરૂરી સાધનો અને પશુઓ અર્પણ કરીને, તેઓને મદદ કરે.”

5 તેથી યહૂદિયા અને બિન્યામીનના કુળના વડીલ આગેવાનો, યાજકો, લેવીઓ અને ઈશ્વરથી પ્રેરણા પામેલાઓ યરુશાલેમમાં ઈશ્વરના ભક્તિસ્થાનનાં બાંધકામ માટે જવા તૈયાર થયા. 6 તેઓની આજુબાજુના લોકોએ તેમને ઐચ્છિકાર્પણો ઉપરાંત સોનાચાંદીનાં પાત્રો, જરૂરી સાધનો, જાનવરો તથા મૂલ્યવાન દ્રવ્યો આપ્યાં.

7 વળી નબૂખાદનેસ્સાર[a] રાજાએ, યરુશાલેમના, યહોવાહના ઘરમાંથી લાવીને પોતાના દેવોના મંદિરોમાં જે વસ્તુઓ મૂકી હતી, તે વસ્તુ સામગ્રી કોરેશ રાજાએ મંગાવી લીધી. 8 કોરેશ રાજાએ તેના ખજાનચી મિથ્રદાથ પાસે તે વસ્તુઓ મંગાવી અને યહૂદિયાના આગેવાન શેશ્બાસારને ગણી આપી.

9 તેઓની સંખ્યા આ પ્રમાણે છે: સોનાની ત્રીસ થાળીઓ, ચાંદીની એક હજાર થાળીઓ અને ઓગણત્રીસ અન્ય પાત્રો, 10 સોનાના ત્રીસ વાટકા, ચાંદીનાં અન્ય પ્રકારના એક હજાર વાટકાઓ તથા એક હજાર અન્ય પાત્રો. 11 સોનાચાંદીનાં સર્વ પાત્રો મળીને પાંચ હજાર ચારસો હતાં. જ્યારે બંદીવાનો બાબિલથી યરુશાલેમ આવ્યા ત્યારે આ બધાં પાત્રો શેશ્બાસાર પોતાની સાથે લાવ્યો.

એઝરા 2 ->