Link to home pageLanguagesLink to all Bible versions on this site
9
યરુશાલેમને શિક્ષા
1 પછી તેણે મોટા અવાજે મારા કાનમાં કહ્યું, “નગરના ચોકીદારો પોતપોતાનું વિનાશક શસ્ત્ર પોતાના હાથમાં લઈને પાસે આવો. 2 પછી જુઓ, છ માણસો પોતાના હાથમાં પોતપોતાનું સંહારક શસ્ત્ર લઈને ઉત્તર તરફ આવેલા ઉપરના દરવાજાથી આવ્યા. તેઓની મધ્યે શણનાં વસ્ત્ર પહેરેલો એક માણસ હતો. તેની કમર પર લહિયાનો શાહીનો ખડિયો લટકાવેલો હતો. તે બધા અંદર જઈને પિત્તળની વેદી આગળ આવીને ઊભા રહ્યા.

3 ત્યારે ઇઝરાયલના ઈશ્વરનો મહિમા કરુબો ઉપરથી ઊઠીને મંદિરના પ્રવેશદ્વાર પાસે ગયો. અને તેમણે કમરે લહિયાના ખડિયો લટકાવેલા તથા શણના વસ્ત્રો પહેરેલા માણસને બોલાવ્યો. 4 યહોવાહે તેને કહ્યું, “યરુશાલેમમાં એટલે નગર મધ્યે સર્વત્ર ફર અને જે માણસો તેઓની આસપાસ નગરમાં ચાલતાં ધિક્કારપાત્ર કૃત્યોને લીધે રડતા અને શોક કરતા હોય તેઓના કપાળ પર ચિહ્ન કર.”

5 પછી તેમણે બીજા માણસોને મારા સાંભળતાં કહ્યું, “નગરમાં તેઓની પાછળ જઈને સર્વત્ર ફરીને હત્યા કરો, તમારી આંખો દયા કરે નહિ તથા તેઓને છોડશો નહિ. 6 વૃદ્ધ પુરુષોને, યુવાનોને, યુવતીઓને, નાનાં બાળકોને તથા સ્ત્રીઓનો નાશ કરો. પણ જેઓના કપાળ પર ચિહ્ન હોય તેવા કોઈની પાસે જશો નહિ. મારા પવિત્રસ્થાનથી જ શરૂઆત કરો.” તેથી તેઓએ સભાસ્થાન આગળ ઊભેલા વડીલોથી જ શરૂઆત કરી.

7 તેમણે તેઓને કહ્યું, “સભાસ્થાનને ભ્રષ્ટ કરો, મૃત્યુ પામેલાંથી આંગણાને ભરી દો. આગળ વધો, તેથી તેઓએ જઈને નગર પર હુમલો કર્યો. 8 જ્યારે તે લોકો હુમલો કરતા હતા ત્યારે હું એકલો હતો. મેં ઊંધા પડીને પોકારીને કહ્યું, “હે પ્રભુ યહોવાહ! શું યરુશાલેમ પર તમારો રોષ વરસાવતાં તમે ઇઝરાયલમાં બાકી રહેલાઓનો નાશ કરશો?”

9 તેમણે મને કહ્યું: “ઇઝરાયલના તથા યહૂદિયાના લોકોના અપરાધ અતિશય મોટા છે. સમગ્ર દેશ રક્તપાત તથા અધમતાથી ભરપૂર છે. તેઓ કહે છે કે ‘યહોવાહે દેશને છોડી દીધો છે,’ ‘યહોવાહ જોતા નથી.’ ”

10 તેથી મારી આંખ તેઓના પર દયા રાખશે નહિ કે હું તેઓને છોડીશ નહિ. પણ તેને બદલે હું સઘળું તેઓના માથા પર લાવીશ.” 11 અને જુઓ, શણનાં વસ્રો પહેરેલો તથા કમરે શાહીનો ખડિયો લટકાવેલો માણસ પાછો આવ્યો. તેણે અહેવાલ આપીને કહ્યું, “તમારા હુકમ પ્રમાણે મેં બધું જ કર્યું છે.”

<- હઝકિયેલ 8હઝકિયેલ 10 ->