4 તમારી વેદીઓ ઉજ્જડ થશે અને તમારા સ્તંભોનો નાશ થશે, હું તમારા મૃતદેહોને તમારી મૂર્તિઓ આગળ નીચે ફેંકી દઈશ. 5 હું ઇઝરાયલી લોકોના મૃતદેહો તેઓની મૂર્તિઓ આગળ મૂકીશ, તમારાં હાડકાં તમારી વેદીઓની આસપાસ વિખેરી નાખીશ.
6 તમારા નિવાસસ્થાનોનાં નગરો ઉજ્જડ કરી દેવામાં આવશે અને ઉચ્ચસ્થાનોનો નાશ કરવામાં આવશે, જેથી તમારી વેદીઓનો દુર્વ્યય કરીને ઉજ્જડ કરવામાં આવે. પછી તેઓને ભાંગી નાખવામાં આવે અને તેઓનો અંત આવે, તમારાં સ્તંભો કાપી નાખવામાં આવે અને તમારા કાર્યોનો નાશ થાય. 7 મૃત્યુ પામેલાઓ તમારી મધ્યે પડશે, ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું!
8 પરંતુ હું તમારામાંના કેટલાકને જીવતા રહેવા દઈશ, એટલે તમે જુદાજુદા દેશોમાં વિખેરાઈ જશો ત્યારે તમારામાંના કેટલાક ત્યાંની પ્રજાઓ મધ્યે તલવારથી બચી જશે. 9 પછી તમારામાંના જેઓ બચી જશે તેઓ જે પ્રજાઓમાં તેઓને બંદીવાન તરીકે લઈ જવામાં આવશે તેઓમાં, મને યાદ કરશે અને મારાથી ફરી ગયેલાં તેમનાં હૃદયથી તથા તેઓની મૂર્તિઓની પાછળ મોહિત થતી આંખોથી મારું હૃદય દુઃખી થશે. પોતે સર્વ તિરસ્કારપાત્ર કૃત્યો કરીને જે દુષ્ટતા તેઓએ કરી છે તેને લીધે તેઓ પોતાની નજરમાં તિરસ્કારપાત્ર થશે. 10 તેથી તેઓ જાણશે કે હું યહોવાહ છું. હું તમારા પર વિપત્તિ લાવીશ એવું મેં તેઓને માત્ર કહેવા ખાતર કહ્યું નહતું.
11 પ્રભુ યહોવાહ કહે છે કે: તાળી પાડીને તથા પગ પછાડીને કહે કે, “ઇઝરાયલ લોકોનાં સર્વ ધિક્કારપાત્ર દુષ્ટ કૃત્યોને લીધે અફસોસ!” કારણ કે તેઓ તલવાર, દુકાળ અને મરકીથી નાશ પામશે. 12 દૂર રહેનારા મરકીથી માર્યા જશે, નજીક રહેનારા તલવારથી માર્યા જશે. બાકીના જેઓને ઘેરી લેવામાં આવ્યા છે તેઓ દુકાળમાં માર્યા જશે; આ રીતે હું તેઓના પરનો મારો ક્રોધ પૂરો કરીશ.
13 જ્યારે તેઓના કતલ થયેલા માણસો તમારી મધ્યે, દરેક ઊંચી ટેકરી પર, પર્વતનાં શિખરો પર, દરેક લીલા વૃક્ષ નીચે તથા ઘટાદાર એલોન વૃક્ષ નીચે, એટલે જે જગાએ તેઓ પોતાની મૂર્તિઓ આગળ સૂગંધીદાર ધૂપ બાળતા હતા ત્યાં તેઓની વેદીઓની આજુબાજુ તેઓની મૂર્તિઓ સાથે ભેળસેળ થશે, ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું. 14 હું મારું સામર્થ્ય બતાવીને તેઓ જ્યાં જ્યાં રહે છે તે બધી જગ્યાઓને દીબ્લાહ તરફના અરણ્ય કરતાં વધારે ઉજ્જડ કરી નાખીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!”
<- હઝકિયેલ 5હઝકિયેલ 7 ->