1 અમારા બંદીવાસના પચીસમા વર્ષે તે વર્ષની શરૂઆતના મહિનાના દસમા દિવસે એટલે નગરનો પરાજય થયા પછી ચૌદમા દિવસે યહોવાહનો હાથ મારા પર આવ્યો અને તે મને ત્યાં લાવ્યો. 2 સંદર્શનમાં ઈશ્વરે મને ઇઝરાયલ દેશમાં લાવ્યા. ઊંચા પર્વત પર દક્ષિણે એક નગર જેવું મકાન હતું તેના પર મને બેસાડ્યો.
3 તે મને ત્યાં લાવ્યા. જુઓ, ત્યાં પિત્તળની જેમ એક ચળકતો માણસ હતો. તેના હાથમાં માપવા માટે શણની દોરી તથા માપદંડ હતાં, તે નગરના દરવાજા આગળ ઊભો હતો. 4 તે માણસે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારી આંખોથી જો, કાનથી સાંભળ, હું તને જે કંઈ બતાવું તેના પર તારું મન લગાડ, કેમ કે, હું તને તે બતાવું એ માટે હું તને અહીં લાવ્યો છું. તું જે જુએ છે તે બધું ઇઝરાયલી લોકોને જણાવ.”
પૂર્વનો દરવાજો
5 સભાસ્થાનની ચારે તરફ દીવાલ હતી. એનો માપદંડ માણસના હાથમાં હતો, એક હાથ અને ચાર આંગળાનો એક, એવા છ હાથનો લાંબો માપવાનો માપદંડ તે માણસના હાથમાં હતો; તેણે તે દીવાલની પહોળાઈ માપી, તે એક લાકડી જેટલી હતી, ઊંચાઈ પણ એક લાકડી જેટલી હતી. 6 ત્યાર બાદ તે પૂર્વ તરફના દરવાજે ગયો અને તેના પગથિયાં ચઢીને તેણે ઉંબરાનું માપ લીધું તો તે એક માપ પહોળો હતો. 7 રક્ષકોની ખંડ એક માપ દંડ જેટલી લાંબી અને એક માપ દંડ જેટલી પહોળી હતી. રક્ષક ખંડોની વચ્ચે પાંચ હાથનું અંતર હતું, સભાસ્થાન તરફ જતી અંદરની પરસાળ એક માપ દંડ લાંબી હતી.
8 તેણે દરવાજાની પરસાળ માપી. અને તે એક માપ દંડ લાંબી હતી. 9 પછી તેણે દરવાજાની મોટી પરસાળ માપી; તે આઠ હાથ થઈ. અને તેના થાંભલા બે હાથ લંબાઈ જેટલા જાડા હતા. આ પરસાળ સભાસ્થાન તરફ જતી હતી. 10 રક્ષકોની ખંડો આ બાજુએ ત્રણ અને બીજી બાજુએ ત્રણ હતી, તે એક જ માપની હતી, તેમની દીવાલોનું માપ પણ બધી બાજુએ સરખું હતું.
11 તે પછી તેણે દરવાજાના પ્રવેશ ભાગની પહોળાઈ માપી, તે દસ હાથ તથા તેની લંબાઈ તેર હાથ હતી. 12 દરેક ખંડ આગળ એક હાથ ઊંચી અને એક હાથ પહોળી પાળી હતી. ખંડો આ બાજુ છ હાથ લાંબા અને છ હાથ પહોળા હતા. 13 પછી તેણે દરવાજો એક ખંડના છાપરાથી તે બીજી ખંડના છાપરા સુધી માપ્યો, એક દરવાજાથી સામેના દરવાજા સુધીનું માપ પચીસ હાથ હતું.
14 તેણે દીવાલ બનાવી હતી, તે સાઠ હાથની હતી; તેનું આંગણું દીવાલ સુધી પહોંચેલું હતું, તે દરવાજાની આસપાસ હતું. 15 દરવાજાના આગળના ભાગથી પરસાળના છેડા સુધીનું માપ, પચાસ હાથ હતું. 16 પરસાળની બન્ને તરફ તથા ખંડની ચારે તરફ જાળીઓ હતી. તે પરસાળને પણ હતી, અંદરની બાજુએ બારીઓ હતી. ત્યાં દીવાલો પર ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં.
બહારનું આંગણું
17 ત્યાર બાદ તે માણસ મને સભાસ્થાનના બહારના આંગણાંમાં લાવ્યો. તો જુઓ, આંગણાંની ચારેબાજુ ઓરડીઓ તથા ફરસબંધી બનાવેલી હતી ફરસબંધી પર ત્રીસ ઓરડીઓ હતી. 18 ફરસબંધી દરવાજાની બાજુ હતી, તેની પહોળાઈ દરવાજાની લંબાઈ જેટલી હતી. આ નીચલી ફરસબંધી હતી, 19 નીચલા દરવાજાની આગળના ભાગથી તે અંદરના દરવાજાની આગળ ભાગ સુધીનું તેણે અંતર માપ્યું; તે પૂર્વ તરફ સો હાથ હતું, ઉત્તર તરફ પણ સરખું હતું.
ઉત્તરનો દરવાજો
20 ત્યારે તેણે બહારના આંગણાનો દરવાજો જેનું મુખ ઉત્તર તરફ છે તે માપ્યો, તેની લંબાઈ તથા તેની પહોળાઈ તેણે માપી. 21 તેની ખંડો આ બાજુએ ત્રણ અને બીજી બાજુએ ત્રણ હતા, દરવાજા અને પરસાળનાં માપ પૂર્વ તરફના દરવાજાના માપ પ્રમાણે જ હતાં, લંબાઈ પચાસ હાથ અને પહોળાઈ પચીસ હાથ હતી.
22 તેની બારીઓ, પરસાળ, ખંડ તથા તેના ખજૂરીવૃક્ષની કોતરણી, પૂર્વના દરવાજાના જેવી હતી. ત્યાં સાત પગથિયાં ચઢીને જવાતું હતું, તેની પરસાળ તેમની આગળ હતી. 23 અંદરના આંગણાને દરવાજો હતો, તે ઉત્તરના તથા પૂર્વના દરવાજાની સામે હતો; તેણે એક દરવાજાથી બીજા દરવાજા વચ્ચેનું અંતર માપ્યું તે સો હાથ હતું.
દક્ષિણનો દરવાજો
24 પછી તે માણસ મને દક્ષિણના દરવાજે લાવ્યો, તેની દીવાલો તથા પરસાળનું માપ બીજા દરવાજાઓના માપ જેટલું હતું. 25 તેમાં અને તેની પરસાળમાં પણ બીજા દરવાજાઓની જેમ બારીઓ હતી. દક્ષિણનો દરવાજો તથા તેની પરસાળની લંબાઈ પચાસ હાથ અને પહોળાઈ પચીસ હાથ હતી.
26 ત્યાં સાત પગથિયાં ચઢીને જવાતું હતું, તેની આગળ પરસાળ હતી. દીવાલો પર ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં. 27 દક્ષિણ તરફ અંદરના આંગણાંમાં દરવાજો હતો. પેલા માણસે આ બીજા દરવાજા સુધીનું અંતર માપ્યું તો તે સો હાથ હતું.
અંદરના ચોકનો દક્ષિણ દરવાજો
28 ત્યાર બાદ તે માણસ મને દક્ષિણના દરવાજામાં થઈને અંદરના આંગણાંમાં લાવ્યો. તેણે તે દરવાજો માપ્યો તો તેનું માપ બીજા દરવાજા જેટલું જ હતું. 29 આ દરવાજાની ખંડો, દીવાલો તથા પરસાળનું માપ બીજા દરવાજા પ્રમાણે હતું; પરસાળની આસપાસ બારીઓ હતી. અંદરનો દરવાજો તથા તેની પરસાળની લંબાઈ પચાસ હાથ અને પહોળાઈ પચીસ હાથ હતી. 30 ચોગરદમ પરસાળ હતી. દરેક પચીસ હાથ લાંબી અને પાંચ હાથ પહોળી. 31 તેની પરસાળનું મુખ બહારના આંગણાં તરફ હતું તેના પર પણ ખજૂરીવૃક્ષ કોતરેલાં હતાં. ત્યાં આઠ પગથિયાં ચઢીને જવાતું હતું.
અંદરના ચોકનો પૂર્વ દરવાજો
32 પછી તે મને અંદરના આંગણાંમાં પૂર્વ તરફ લાવ્યો; તેણે તે દરવાજો માપ્યો; તે ઉપરના માપ પ્રમાણે થયો. 33 તેની ખંડો, દીવાલો અને પરસાળનું માપ બીજા દરવાજાના માપ જેટલાં જ હતાં, તેની આસપાસ બારીઓ હતી. અંદર દરવાજાની અને પરસાળની લંબાઈ પચાસ હાથ અને પહોળાઈ પચીસ હાથ હતી. 34 તેની પરસાળનું મુખ બહારના આંગણાંની સામેનું હતું. તેની બન્ને બાજુ ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં. આઠ પગથિયાં ચઢીને ઉપર જવાતું હતું.
અંદરના ચોકનો ઉત્તર દરવાજો
35 પછી તે માણસ મને ઉત્તર તરફના દરવાજે લાવ્યો. તેણે તે માપ્યો; તેનું માપ બીજા દરવાજાઓના માપ પ્રમાણે હતું. 36 તેની ખંડો, દીવાલો, પરસાળ પણ બીજા દરવાજાના માપ પ્રમાણે હતા, તેની આસપાસ બારીઓ હતી. આ દરવાજાની લંબાઈ પણ પચાસ હાથ અને પહોળાઇ પચીસ હાથ હતી. 37 પરસાળનું મુખ બહારના આંગણાની સામે હતું; અને તેની બન્ને તરફ ખજૂરીવૃક્ષની કોતરણી હતી. ત્યાં આઠ પગથિયાં ચઢીને જવાતું હતું.
ઉત્તર દરવાજા પાસેની ઇમારતો
38 અંદરના દરવાજા પાસે પ્રવેશદ્વારવાળી એક ઓરડી હતી. જ્યાં દહનીયાર્પણ ધોવામાં આવતાં હતાં, 39 ત્યાં દરેક ઓસરીની આ બાજુએ બે અને પેલી બાજુએ બે મેજ એમ ચાર મેજ હતાં, તેની ઉપર દહનીયાર્પણ, પાપાર્થાર્પણ તથા દોષાર્થાર્પણ કાપવામાં આવતાં હતા.
40 આંગણાની દીવાલ પાસે, ઉત્તરના દરવાજે ચઢી જવાની સીડી આગળ બે મેજ હતી. બીજી બાજુએ દરવાજાની ઓસરીમાં બે મેજ હતી. 41 દરવાજાની આ બાજુએ ચાર મેજ અને પેલી બાજુએ ચાર મેજ; એમ દરવાજાની બાજુએ કુલ આઠ મેજ હતી. જેના ઉપર પશુઓને કાપવામાં આવતાં હતાં.
42 ત્યાં દહનીયાર્પણ માટે ઘડેલા પથ્થરની ચાર મેજ હતી. તે દોઢ હાથ લાંબી, દોઢ હાથ પહોળી અને એક હાથ ઊંચી હતી. તેના ઉપર દહનીયાપર્ણો તથા બલિદાન કાપવાનાં હથિયારો મૂકાતાં હતાં. 43 પરસાળની ભીંતે એક વેંત લાંબી કડીઓ લગાડેલી હતી અને મેજ ઉપર અર્પણ માટેનું માંસ હતું.
44 અંદરના દરવાજાની પાસે, અંદરના આંગણામાં ગાયકોને સારુ ઓરડીઓ હતી. એક ઓરડી ઉત્તર બાજુ અને બીજી ઓરડી દક્ષિણ બાજુ હતી. 45 પેલા માણસે મને કહ્યું, “દક્ષિણ તરફના મુખવાળી ઓરડી ઘરમાં સેવા કરનાર યાજકો માટે છે.
46 ઉત્તર તરફ મુખવાળી ઓરડી વેદીની સંભાળ રાખનાર યાજકો માટે છે, તેઓ સાદોકના વંશજો છે, જેઓ યહોવાહની સેવા કરવા પાસે જઈ શકે છે, તેઓ લેવીના વંશજો છે.”
અંદરનો ચોક અને મંદિરની ઇમારત
47 પછી તેણે આંગણું માપ્યું તે સો હાથ લાંબુ અને સો હાથ પહોળું હતું. સભાસ્થાનની આગળ વેદી હતી.
48 પછી તે માણસ મને સભાસ્થાનની ઓસરીમાં લાવ્યો અને તેની બારસાખો માપી તો તે પાંચ હાથ લાંબી તથા પાંચ હાથ પહોળી હતી. દરેક બાજુની દીવાલ ત્રણ હાથ પહોળી હતી. 49 ઓસરીની લંબાઈ વીસ હાથ તથા પહોળાઇ અગિયાર હાથ હતી. ત્યાં પગથિયાં પર ચઢીને જવાતું હતું. તેની બન્ને બાજુએ એક એક થાંભલો હતો.