Link to home pageLanguagesLink to all Bible versions on this site
36
ઇઝરાયલ ઉપર ઈશ્વરનો આશીર્વાદ
1 “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના પર્વતોને ભવિષ્યવાણી કરીને કહે; હે ઇઝરાયલના પર્વતો યહોવાહનું વચન સાંભળો, 2 પ્રભુ યહોવાહ આમ કહે છે; દુશ્મન તમારે વિષે “વાહ, વાહ” કહે છે અને “આ પ્રાચીન ઉચ્ચસ્થાનો અમારા કબ્જામાં છે.’ 3 માટે ભવિષ્યવાણી કરીને કહે કે, ‘પ્રભુ યહોવાહ આમ કહે છે, તમારો પ્રદેશ ઉજ્જડ થઈ ગયો તેને કારણે, ચારેબાજુથી તમારા પર થયેલા હુમલાને કારણે તથા બીજી પ્રજાઓએ તમારો કબજો લીધો, એટલે તમે લોકો વિષે નિંદા કરનાર હોઠ તથા જીભ બની ગયા છો.

4 માટે, હે ઇઝરાયલના પર્વતો, પ્રભુ યહોવાહનું વચન સાંભળો. પર્વતો તથા ઊંચી ટેકરીઓ, ઝરણાં તથા ખીણો, ઉજ્જડ મેદાનો તથા તજી દેવાયેલાં નગરો જે તેઓની આસપાસની પ્રજાઓને લૂંટ તથા હાંસીરૂપ થઈ પડ્યાં છે, તેઓને પ્રભુ યહોવાહ એમ કહે છે, 5 માટે પ્રભુ યહોવાહ કહે છે, બાકી રહેલી પ્રજાઓ તથા આખું અદોમ જેઓએ દ્રેષબુદ્ધિથી મારા દેશને લૂંટી લેવા માટે તેને પોતાના હૃદયના પૂરા હર્ષથી પોતાને માટે વતન તરીકે ઠરાવ્યો છે, તેઓની વિરુદ્ધ હું નક્કી ઈર્ષ્યાના આવેશથી બોલ્યો છું. 6 તેથી ઇઝરાયલ દેશ વિષે ભવિષ્યવાણી કર અને ઇઝરાયલના પર્વતોને તથા ઊંચી ટેકરીઓને, ખીણોને તથા ઝરણાંને કહે કે: પ્રભુ યહોવાહ આમ કહે છે: જુઓ! તમે પ્રજાઓનું અપમાન સહન કર્યું છે, માટે હું મારા ક્રોધમાં તથા રોષમાં બોલ્યો છું.

7 માટે પ્રભુ યહોવાહ આમ કહે છે, મેં સમ ખાઈને કહ્યું કે જે પ્રજાઓ તારી આસપાસની છે તેઓને નિશ્ચે મહેણાં મારવામાં આવશે.

8 પણ, હે ઇઝરાયલના પર્વતો, તમારાં વૃક્ષોને ડાળીઓ ફુટશે અને તમે મારા ઇઝરાયલી લોકો માટે ફળ આપશો, તેઓ ઉતાવળે તમારી પાસે પાછા આવશે. 9 કેમ કે જો, હું તમારા પક્ષમાં છું, હું તમારી તરફ ફરીશ, તમારામાં ખેડાણ તથા વાવેતર થશે.

10 હું તમારી સાથે ઘણાં માણસોને વસાવીશ, ઇઝરાયલના આખા કુળને, બધાંને હું વસાવીશ. શહેરોમાં ફરી વસ્તી થશે અને ઉજ્જડ જગાઓ ફરી બાંધવામાં આવશે. 11 હું તમારી સાથે મનુષ્યોની તથા પશુઓની વસ્તી વધારીશ, તેઓ ફળદ્રુપ થશે. હું તમને તમારી અગાઉની સ્થિતિ પ્રમાણે વસાવીશ, ભૂતકાળમાં તમે જે કર્યું તેના કરતાં હું તમને વધારે સમૃદ્ધ બનાવીશ, ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું. 12 હું માણસોને, મારા ઇઝરાયલી લોકોને તમારા પર ચઢાઈ કરાવીશ. તેઓ તમારો કબજો કરશે અને તમે તેઓનો વારસો થશો, હવે પછી કદી તમે તેઓનાં સંતાનોને મારશો નહિ.

13 પ્રભુ યહોવાહ આમ કહે છે: કેમ કે તેઓ તને કહે છે, “તમે લોકોનો નાશ કરશો, તારી પ્રજાનાં સંતાનો મરી જશે,” 14 માટે હવે તું મનુષ્યોનો નાશ કરીશ નહિ, તારી પ્રજાને તેઓનાં સંતાનોના મૃત્યુને કારણે શોકિત કરીશ નહિ. એમ પ્રભુ યહોવાહ કહે છે. 15 હવે પછી હું તને કદી પ્રજાઓનું અપમાન સાંભળવા દઈશ નહિ; તું ફરી કદી લોકોની નિંદાને સહન કરીશ નહિ કે તારી પ્રજાને ફરીથી કદી ઠોકર ખવડાવીશ નહિ.’ આમ પ્રભુ યહોવાહ બોલ્યા છે.

ઇઝરાયલનું નવનિર્માણ
16 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું, 17 “હે મનુષ્યપુત્ર, જ્યારે ઇઝરાયલી લોકો પોતાના દેશમાં રહેતા હતા, ત્યારે તેઓએ પોતાના આચરણથી તથા પોતાના કાર્યોથી તેને અશુદ્ધ કર્યો છે. મારી આગળ તેઓનાં આચરણ માસિક ધર્મવાળી સ્ત્રીના જેવાં અશુદ્ધ હતાં. 18 તેઓએ જે લોહી દેશ પર વહેવડાવ્યું હતું તેને લીધે તથા તેઓએ તેને પોતાની મૂર્તિઓ વડે અશુદ્ધ કર્યો હતો. તેથી મેં મારો રોષ તેઓ પર રેડ્યો.

19 મેં તેઓને પ્રજાઓમાં વેરવિખેર કરી નાખ્યા; તેઓ આખા દેશમાં વિખેરાઈ ગયા. હું તેઓનાં આચરણ તથા કૃત્યો પ્રમાણે ન્યાય કરીશ. 20 પછી તેઓ પ્રજાઓમાં ગયા. જ્યાં જ્યાં તેઓ ગયા, ત્યાં તેઓએ મારા પવિત્ર નામને અપવિત્ર કર્યું છે, લોકો તેઓ વિષે કહેતા હતા કે, ‘શું આ ખરેખર યહોવાહના લોકો છે? કેમ કે તેઓ પોતાના દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.’ 21 ઇઝરાયલી લોકો જે પ્રજાઓમાં ગયા ત્યાં તેઓએ મારા નામને અશુદ્ધ કર્યું છે, માટે હું મારા પવિત્ર નામની ચિંતા કરું છું.

22 માટે તું ઇઝરાયલી લોકોને કહે, પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘હે ઇઝરાયલી લોકો, હું તમારી ખાતર આ કરતો નથી, પણ મારા પવિત્ર નામની ખાતર કરું છું, જે જે પ્રજાઓમાં તમે ગયા હતા તેઓની વચ્ચે તમે મારા નામને અશુદ્ધ કર્યું છે. 23 કેમ કે તમે મારા મહાન પવિત્ર નામને, પ્રજાઓમાં અપવિત્ર કર્યું છે, હા પ્રજાઓમાં તેને અપવિત્ર કર્યું છે. યહોવાહ કહે છે, જ્યારે હું તે પ્રજાઓની નજર આગળ તમારામાં પવિત્ર મનાઈશ, ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ યહોવાહ છું.

24 હું તમને પ્રજાઓમાંથી લઈને તથા દરેક દેશમાંથી ભેગા કરીને, તમારા પોતાના દેશમાં પાછા લાવીશ. 25 હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ, તમે તમારી બધી અશુદ્ધિઓથી શુદ્ધ થશો. અને હું તમને તમારી સર્વ મૂર્તિઓથી શુદ્ધ કરીશ.

26 હું તમને નવું હૃદય આપીશ, તમારામાં હું નવો આત્મા મૂકીશ. હું તમારામાંથી પથ્થર સમાન હૃદય દૂર કરીશ કેમ કે હું તમને માંસનું હૃદય આપીશ. 27 હું તમારામાં મારો આત્મા મૂકીશ અને તમને મારા નિયમો પ્રમાણે ચલાવીશ, તમે મારી આજ્ઞાઓ પાળશો, તેમને અમલમાં મૂકશો. 28 તમારા પૂર્વજોને આપેલા ઇઝરાયલ દેશમાં વસશો. તમે મારા લોક થશો અને હું તમારો ઈશ્વર થઈશ.

29 કેમ કે હું તમને સર્વ અશુદ્ધિઓથી બચાવીશ. હું અનાજને આજ્ઞા કરીશ અને તેની વૃદ્ધિ કરીશ. હું તમારે ત્યાં દુકાળ કદી પડવા દઈશ નહિ. 30 હું વૃક્ષોનાં ફળ અને ખેતીની પેદાશમાં વૃદ્ધિ કરીશ તેથી લોકોમાં તમારે કદી દુકાળનું મહેણું સાંભળવું પડે નહિ. 31 ત્યારે તમને તમારાં આચરણો તથા તમારાં કાર્યો જે સારાં નથી તે યાદ આવશે, તમારાં પાપો તથા તમારા ધિક્કારપાત્ર કૃત્યોને લીધે તમે પોતાને ધિક્કારશો.

32 પ્રભુ યહોવાહ કહે છે, હું તમારી ખાતર એ નહિ કરું.’ ‘એ તમે જાણજો. હે ઇઝરાયલી લોકો, તમારાં આચરણોને કારણે તમે શરમજનક તથા કલંકરૂપ થાઓ.’ 33 પ્રભુ યહોવાહ કહે છે: ‘તે દિવસે હું તમને તમારા અન્યાયોથી શુદ્ધ કરીશ, હું તમને નગરોમાં વસાવીશ અને ઉજ્જડ જગાઓમાં બાંધીશ. 34 વળી જે ભૂમિ વેરાન પડી હતી અને તેની પાસેથી પસાર થનારા સર્વની નજરમાં વેરાન લાગતી હતી, તોપણ તેમાં ફરી ખેડાણ થશે.

35 ત્યારે તેઓ કહેશે, “આ ભૂમિ વેરાન હતી, પણ તે હમણાં એદનવાડી જેવી થઈ ગઈ છે; ઉજ્જડ તથા વેરાન નગરોની આસપાસ કોટ બાંધેલો છે તથા તેમાં લોકો વસે છે.” 36 ત્યારે તારી આસપાસની પ્રજાઓ જાણશે કે હું યહોવાહ છું, મેં ઉજ્જડ નગરોને ફરી બાંધ્યાં છે અને વેરાન જગ્યાઓમાં વાવેતર કર્યું છે. હું યહોવાહ છું. હું તે બોલ્યો છું અને હું તે કરીશ.’ ”

37 પ્રભુ યહોવાહ કહે છે: ‘ઇઝરાયલી લોકોની વિનંતી સાંભળીને હું તેઓના માટે આ પ્રમાણે કરીશ, હું તેઓનાં ઘેટાંના ટોળાંની જેમ લોકોની વૃદ્ધિ કરીશ. 38 યજ્ઞના ટોળાની જેમ, ઠરાવેલા પર્વોને સમયે યરુશાલેમમા ટોળાની જેમ, વેરાન નગરો લોકોનાં ટોળાંથી ભરાઈ જશે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.’ ”

<- હઝકિયેલ 35હઝકિયેલ 37 ->