1 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું, 2 “હે મનુષ્યપુત્ર, તું તારા લોકો સાથે વાત કરીને કહે, ‘જ્યારે હું કોઈ દેશ સામે તલવાર લાવું, ત્યારે તે દેશના લોકો પોતામાંના એક પુરુષને પસંદ કરીને તેને પોતાના ચોકીદાર તરીકે નીમે. 3 જો તે તલવારને દેશ પર આવતી જોઈને તે લોકોને ચેતવણી આપવા સારુ રણશિંગડું વગાડે. 4 ત્યારે જો કોઈ રણશિંગડાંનો અવાજ સાંભળીને ધ્યાન ન આપે અને તલવાર આવીને તેને મારી નાખે તો તેનું લોહી તેને પોતાને માથે.
5 જો કોઈ રણશિંગડાંનો અવાજ સાંભળીને ધ્યાન ન આપે, તો તેનું રક્ત તેને માથે; પણ જો કોઈ ધ્યાન આપશે, તો તે પોતાનો જીવ બચાવશે.
6 પણ જો તલવારને આવતી જોઈને ચોકીદાર રણશિંગડું વગાડે નહિ, લોકોને ચેતવણી મળે નહિ, જો તલવાર આવીને કોઈનો જીવ લે, તો તે વ્યક્તિ પોતાના પાપને લીધે મૃત્યુ પામશે, પણ હું તેના લોહીનો બદલો ચોકીદાર પાસેથી માંગીશ.’ ”
7 હે મનુષ્યપુત્ર, મેં તને ઇઝરાયલી લોકો માટે ચોકીદાર બનાવ્યો છે; મારા મુખથી વચન સાંભળીને મારી વતી તેને ચેતવણી આપ. 8 જો હું કોઈ દુષ્ટ વ્યક્તિને કહું, હે દુષ્ટ માણસ, તું નિશ્ચે મૃત્યુ પામશે.’ પણ જો તું દુષ્ટ માણસને પોતાના દુરાચરણથી ફરવા ચેતવણી ન આપે, તો તે દુષ્ટ માણસ પોતાના પાપમાં મરશે, પણ હું તેના લોહીનો બદલો તારી પાસેથી માગીશ. 9 પણ જો, તું દુષ્ટ માણસને પોતાના દુરાચરણથી ફરવાની ચેતવણી આપે, જેથી તે તેનાથી પાછો ફરે, જો તે તેના દુરાચરણથી પાછો ન ફરે, તો તે પોતાના પાપમાં મૃત્યુ પામશે, પણ તું પોતાનો જીવ બચાવશે.
12 હે મનુષ્યપુત્ર, તારા લોકોને કહે કે, ‘ન્યાયી માણસ પાપ કરશે તો તેનું ન્યાયીપણું તેને બચાવશે નહિ, જો દુષ્ટ માણસ પોતાના પાપથી પાછો ફરે તો તેની દુષ્ટતાને લીધે તેનો નાશ થશે નહિ. તેમ જ ન્યાયી માણસ પાપ કરશે તો તે પોતાના ન્યાયીપણાથી જીવશે નહિ. 13 જો હું ન્યાયી માણસને કહું કે, “તે નિશ્ચે જીવશે.” અને જો તે પોતાના ન્યાયીપણામાં ભરોસો રાખીને અન્યાય કરે, તો હું તેનું ન્યાયીપણું યાદ કરીશ નહિ; તેણે કરેલી દુષ્ટતાને લીધે તે માર્યો જશે.
14 અને જો હું દુષ્ટ માણસને કહું કે, “તું નિશ્ચે મૃત્યુ પામશે.” પણ જો તે પોતાના પાપોથી પાછો ફરે અને જે ન્યાયસંગત તથા સાચું છે તે કરે. 15 જો તે વ્યાજે મૂકેલી વસ્તુ પાછી આપે, તેણે જે કંઈ ચોરી લીધું છે તે પાછું આપે, જો તે જીવન આપનાર નિયમો પ્રમાણે ચાલે અને પાપ ન કરે, તો તે નિશ્ચે જીવશે, તે મરશે નહિ. 16 તેણે કરેલાં કોઈ પણ પાપ સ્મરણમાં આવશે નહિ. કેમ કે તે ન્યાયપણાથી તથા સચ્ચાઈથી વર્ત્યો છે; એટલે તે નિશ્ચે જીવશે.
17 પણ તારા લોકો કહે છે કે, “પ્રભુ યહોવાહનો માર્ગ અદલ નથી!” પણ તેઓના માર્ગો અદલ નથી. 18 જ્યારે ન્યાયી માણસ પોતાના ન્યાયીપણાથી પાછો ફરીને પાપ કરે, તો તે તેમાં મૃત્યુ પામશે. 19 અને જ્યારે પાપી માણસ પોતાની દુષ્ટતાથી પાછો ફરીને ન્યાય તથા નીતિ પ્રમાણે વર્તે, તો તેની તે બાબતોને કારણે તે જીવશે. 20 પણ તમે લોકો કહો છો, “પ્રભુનો માર્ગ અદલ નથી.” હે ઇઝરાયલી લોકો, હું તમારામાંના દરેકનો તમારા આચરણ પ્રમાણે ન્યાય કરીશ.’ ”
25 માટે તેઓને કહે, પ્રભુ યહોવાહ આમ કહે છે: “તમે લોહી પીઓ છો, તમે તમારી નજર મૂર્તિ તરફ ઉઠાવી છે, તમે લોકોનું લોહી વહેવડાવો છો. છતાં શું તમે દેશનું વતન પામશો? 26 તમે તલવાર પર આધાર રાખ્યો છે અને ધિક્કારપાત્ર કાર્યો કર્યાં છે, દરેક માણસે પોતાના પડોશીની પત્નીને ભ્રષ્ટ કરી છે, છતાં શું તમે દેશનો વારસો પામશો?”
27 તું તેઓને કહે; “પ્રભુ યહોવાહ આમ કહે છે કે, મારા જીવના સમ કે, જેઓ ઉજ્જડ નગરોમાં રહે છે, તેઓ તલવારથી માર્યા જશે. જેઓ ખેતરોમાં રહે છે તેઓને હું જીવતાં પશુઓ માટે ખોરાક તરીકે આપીશ, જેઓ ગઢમાં તથા ગુફાઓમાં રહે છે તેઓ મરકીથી મૃત્યુ પામશે. 28 હું આ દેશને ઉજ્જડ તથા ત્રાસરૂપ કરીશ અને તેના સામર્થ્યના અભિમાનનો અંત આવશે, ઇઝરાયલના પર્વતો વેરાન થશે, તેમાં થઈને કોઈ પસાર થશે નહિ.’ 29 તેઓએ કરેલાં ધિક્કારપાત્ર કૃત્યોને કારણે હું દેશને વેરાન તથા ઉજ્જડ બનાવી દઈશ ત્યારે લોકો જાણશે કે હું યહોવાહ છું.
32 કેમ કે તું તેઓને કોઈ સુંદર અવાજવાળો અને કુશળ રીતે વાજિંત્ર વગાડનારો હોય તેના જેવો લાગે છે. તારા સંદેશાઓ તેઓના માટે મનોરંજન જેવા હોય છે. કારણ કે તેઓ તારાં વચનો સાંભળે છે, પણ તેઓમાંના કોઈ તેનો અમલ કરતો નથી. 33 પણ જ્યારે આ બધું થશે જુઓ, તે થશે! ત્યારે તેઓ જાણશે કે તેઓની મધ્યે એક પ્રબોધક થઈ ગયો છે.
<- હઝકિયેલ 32હઝકિયેલ 34 ->