Link to home pageLanguagesLink to all Bible versions on this site
2
પ્રબોધક થવા હઝકિયેલને ઈશ્વરનું તેડું
1 તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારા પગ પર ઊભો રહે, એટલે હું તારી સાથે વાત કરીશ.” 2 તે મારી સાથે વાત કરતો હતો ત્યારે આત્માએ મારામાં પ્રવેશીને મને પગ પર ઊભો કર્યો; મારી સાથે વાત કરનારની વાણી મેં સાંભળી. 3 તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું તને જે બંડખોર પ્રજાએ મારી વિરુદ્ધ બંડ કર્યું તેની પાસે એટલે ઇઝરાયલ પ્રજા પાસે મોકલું છું, તેઓ તથા તેઓના પિતૃઓ આજ દિવસ સુધી મારી વિરુદ્ધ પાપ કરતા આવ્યા છે.

4 તેઓના વંશજો ઉદ્ધત તથા હઠીલા હૃદયના છે. તેઓની પાસે હું તને મોકલું છું. તું તેઓને કહેજે કે, પ્રભુ યહોવાહ એવું કહે છે કે, 5 ભલે પછી તેઓ સાંભળે કે ન સાંભળે. તેઓ બંડખોર પ્રજા છે, તોપણ તેઓ જાણશે કે તેઓની વચ્ચે એક પ્રબોધક થઈ ગયો છે.

6 હે મનુષ્યપુત્ર, તારે તેઓથી કે તેઓનાં વચનોથી બીવું નહિ. ભલે તારે ઝાંખરાં તથા કાંટાઓ વચ્ચે રહેવું પડે, તારે વીંછીઓ સાથે રહેવું પડે, તોપણ તું તેઓનાથી બીશ નહિ. જો કે તેઓ બંડખોર પ્રજા છે તોપણ તેઓના શબ્દોથી તારે ગભરાવું નહિ, કે તેઓના ચહેરાથી ભયભીત થવું નહિ.

7 જોકે તેઓ મારા શબ્દો સાંભળે કે ન સાંભળે, તોપણ તારે તેઓને મારા વચન કહી સંભળાવવા, કેમ કે તેઓ તો બંડખોર પ્રજા છે.

8 હે મનુષ્યપુત્ર, હું જે કહું છું તે સાંભળ. બંડખોર પ્રજાની જેમ તું બંડખોર થઈશ નહિ. તારુ મુખ ઉઘાડ અને હું તને આપું છું તે તું ખાઈ જા!”

9 ત્યારે મેં જોયું, તો જુઓ, એક હાથ મારા તરફ લાંબો કરવામાં આવ્યો; તેમાં એક પુસ્તકનું ઓળિયું હતું. 10 તેમણે તે મારી આગળ ખુલ્લું કર્યું; તેની આગળની બાજુ તથા પાછળની બાજુ લખેલું હતું, તેમાં વિલાપ, શોક તથા દુઃખ લખેલા હતાં.

<- હઝકિયેલ 1હઝકિયેલ 3 ->