Link to home pageLanguagesLink to all Bible versions on this site
14
મૂર્તિપૂજા સામે પ્રભુનો પ્રકોપ
1 ઇઝરાયલના કેટલાક વડીલો મારી પાસે આવીને મારી આગળ બેઠા હતા. 2 ત્યારે યહોવાહનું વચન મારી પાસે આવ્યું કે, 3 “હે મનુષ્યપુત્ર, આ માણસોએ પોતાના હૃદયમાં મૂર્તિઓની સ્થાપના કરી છે, પોતાના અન્યાયરૂપી ઠેસ પોતાના મુખ આગળ મૂકી છે. શું હું તેઓના પ્રશ્ર્નનો કંઈ પણ જવાબ આપું?

4 એ માટે તેઓને કહે કે, ‘પ્રભુ યહોવાહ કહે છે: ઇઝરાયલ લોકોનો દરેક માણસ જે પોતાના હૃદયમાં મૂર્તિ સંઘરી રાખે છે, પોતાના અન્યાયરૂપી ઠેસ પોતાના મુખ આગળ મૂકે છે અને જે પ્રબોધક પાસે આવે છે, તેને હું યહોવાહ તેની મૂર્તિઓની સંખ્યા પ્રમાણે જવાબ આપીશ. 5 હું તેઓના મનમાં એવું ઠસાવું છું કે, તેઓ તેઓની મૂર્તિઓને લીધે મારાથી દૂર થઈ ગયા હતા.’ ”

6 તેથી ઇઝરાયલી લોકોને કહે કે, ‘પ્રભુ યહોવાહ આમ કહે છે: પસ્તાવો કરો અને તમારી મૂર્તિઓથી પાછા ફરો. તમારા મુખ તમારાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યોથી ફેરવો.

7 ઇઝરાયલ લોકનો દરેક તથા ઇઝરાયલ લોકમાં રહેનાર પરદેશીઓમાનો દરેક, જે મારો ત્યાગ કરીને પોતાના હૃદયમાં મૂર્તિઓને સંઘરી રાખતો હશે અને પોતાના મુખ આગળ પોતાના અન્યાયરૂપી ઠેસ મૂકતો હશે, જે પ્રબોધક પાસે મને શોધવા આવે છે તેને હું, યહોવાહ, પોતે જવાબ આપીશ. 8 હું મારું મુખ તે માણસની વિરુદ્ધ રાખીશ: તેને ચિહ્ન તથા કહેવતરૂપ કરીશ, કેમ કે હું મારા લોકો વચ્ચેથી તેને કાપી નાખીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.

9 જો પ્રબોધક છેતરાઈને સંદેશો બોલે, તો મેં યહોવાહે તે પ્રબોધકને છેતર્યો છે; હું તેની વિરુદ્ધ મારો હાથ લંબાવીશ, મારા ઇઝરાયલી લોકો મધ્યેથી હું તેનો નાશ કરીશ. 10 અને તેઓને પોતાના અન્યાયની શિક્ષા વેઠવી પડશે, પ્રબોધકના અન્યાય પણ તેની પાસે જનારના જેટલા જ ગણાશે. 11 જેથી ઇઝરાયલી લોકો કદી મારાથી ભટકી ન જાય અને ફરી કદી પોતાનાં ઉલ્લંઘનો વડે પોતાને અપવિત્ર કરે નહિ. તેઓ મારી પ્રજા થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ.’ આમ પ્રભુ યહોવાહ કહે છે.

દરેકની જવાબદારી પોતપોતાને માથે નૂહ, દાનિયેલ, અને અયૂબ
12 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું કે, 13 હે મનુષ્યપુત્ર, જો કોઈ દેશ વિશ્વાસઘાત કરીને મારી વિરુદ્ધ પાપ કરે, તો હું મારો હાથ તેની વિરુદ્ધ લંબાવીને તેના આજીવિકાવૃક્ષને નષ્ટ કરીશ. તેઓના પર દુકાળ મોકલીશ, અને બન્નેનો એટલે માણસો તથા પશુઓનો નાશ કરીશ. 14 જો કે નૂહ, દાનિયેલ તથા અયૂબ આ માણસો દેશમાં હોય તોપણ તેઓ પોતાના ન્યાયથી પોતાનો જ જીવ બચાવશે.” આમ પ્રભુ યહોવાહ કહે છે.

15 “જો હું હિંસક પશુઓને તે દેશમાં સર્વત્ર મોકલું અને તેઓ આ દેશને એવો વેરાન કરી મૂકે કે, પશુઓને લીધે કોઈ માણસ ત્યાંથી પસાર થઈ શકે નહિ. 16 પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે છે કે,” જોકે આ ત્રણ માણસો તેમાં હોય, “તોપણ તેઓ પોતાના દીકરાઓને કે દીકરીઓને બચાવી શકશે નહિ. ફક્ત પોતાના જીવ બચાવી શક્યા હોત. પણ આખો દેશ વેરાન થઈ જશે.

17 અથવા, જો હું આ દેશ વિરુદ્ધ તલવાર લાવીને કહું કે, ‘હે તલવાર, જા દેશમાં સર્વત્ર ફરી વળ અને તેમાંથી બન્નેનો એટલે માણસો તથા પશુઓનો સંહાર કર. 18 પ્રભુ યહોવાહ પોતાના જીવના સોગન ખાઈને કહે છે કે,” જો આ ત્રણ માણસો દેશમાં રહેતા હોય, તોપણ તેઓ પોતાના દીકરા કે દીકરીઓને બચાવી નહિ શકે; તેઓ ફક્ત પોતાના જ પ્રાણ બચાવશે.

19 અથવા જો હું આ દેશ વિરુદ્ધ મરકી મોકલું અને મારો કોપ તે પર લોહીરૂપે રેડીને તેમાંના માણસો તથા પશુઓનો સંહાર કરું, 20 પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે છે કે” જોકે નૂહ, દાનિયેલ તથા અયૂબ આ ત્રણ માણસો તે દેશમાં રહેતા હોય, તોપણ તેઓ પોતાના દીકરા કે દીકરીઓને બચાવી શકશે નહિ; પોતાના ન્યાયીપણાને કારણે તેઓ ફક્ત પોતાના પ્રાણ બચાવશે.”

21 કેમ કે પ્રભુ યહોવાહ આમ કહે છે: “યરુશાલેમમાંથી હું બન્નેનો એટલે માણસો તથા પશુઓનો સંહાર કરવાને હું તેના પર મારી ચાર સખત શિક્ષાઓ એટલે દુકાળ, તલવાર, જંગલી પશુઓ તથા મરકી મોકલીશ.

22 તોપણ જુઓ, તેમાંના એક ભાગને જીવતો રાખવામાં આવશે, તેઓને, દીકરા અને દીકરીઓને બહાર લઈ જવામાં આવશે. જુઓ, તેઓ તમારી પાસે બહાર આવશે, તમે તેઓનાં આચરણ તથા કૃત્યો જોશો, જે શિક્ષા મેં યરુશાલેમ પર મોકલી છે તે વિષે, એટલે જે સર્વ મેં દેશ પર મોકલ્યું છે તે વિષે તમારા મનમાં સાંત્વના થશે. 23 જ્યારે તમે તેઓનાં આચરણ તથા કૃત્યો જોશો, ત્યારે તમારું મન સાંત્વના પામશે, ત્યારે તમે જાણશો કે જે સર્વ બાબતો મેં તેની વિરુદ્ધ કરી છે તે અમથી કરી નથી.” આમ પ્રભુ યહોવાહ કહે છે.

<- હઝકિયેલ 13હઝકિયેલ 15 ->