Link to home pageLanguagesLink to all Bible versions on this site

હઝકિયેલ
લેખક
આ પુસ્તકના લેખક તરીકે બૂઝીના પુત્ર, યાજક અને પ્રબોધક હઝકિયેલને કારણભૂત માનવમાં આવે છે. તેનો ઉછેર યરુશાલેમમાં એક યાજકીય કુટુંબમાં થયો હતો અને દેશનિકાલ દરમ્યાન તે બાબિલમાં યહૂદીઓ સાથે જીવ્યો હતો. હઝકિયેલની યાજકીય કુળપરંપરા તેની પ્રબોધની સમગ્ર સેવામાં પ્રકાશમાન છે. તે ઘણી વાર ભક્તિસ્થાન, યાજકપદ, પ્રભુનો મહિમા અને બલિદાનોની વ્યવસ્થા રચના જેવા વિષયો માટે કાળજી વ્યક્ત કરે છે.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 593 થી 570 વચ્ચેનો છે.
હઝકિયેલે આ પુસ્તક બાબિલમાંથી લખ્યું, પણ તેની પ્રબોધવાણીઓ ઇઝરાયલ, મિસર અને પાડોશી ઘણા દેશો સંબંધિત હતી.
વાંચકવર્ગ
દેશમાંના અને દેશનિકાલ થયેલા ઇઝરાયલીઓ અને ત્યાર બાદના બધા જ બાઇબલ વાંચકો.
હેતુ
હઝકિયેલે તેની પેઢીની સેવા કરી કે જે અતિ પાપરૂપ અને તદ્દન નકામી હતી. તેની પ્રબોધની સેવા દ્વારા તેણે તેઓ પાસે તાત્કાલિક પશ્ચાતાપ કરાવવા અને દૂરના ભવિષ્યની આશા આપવા પ્રયત્ન કર્યો. તેણે શીખવ્યું કે ઈશ્વર માનવીય સંદેશવાહકો દ્વારા કામ કરે છે. પરાજય અને નિરાશામાં પણ ઈશ્વરના લોકોએ ઈશ્વરના સાર્વભૌમત્વનું સમર્થન કરવું જરૂરી છે. ઈશ્વરનું વચન કદાપિ નિષ્ફળ જતું નથી. ઈશ્વર હાજરાહજૂર છે અને તેમની આરાધના ગમે ત્યાં થઈ શકે છે. હઝકિયેલનું પુસ્તક આપણને અંધકારભર્યા સમયોમાં કે જ્યારે આપણને લાગે કે આપણે ખોવાઈ ગયા છે ત્યારે પ્રભુને શોધવાનું, આપણા પોતાના જીવનોને તપાસવાનું અને એક માત્ર સાચા ઈશ્વર સાથે આપણી જાતોને સંરેખિત કરવાનું યાદ કરાવે છે.
મુદ્રાલેખ
પ્રભુનો મહિમા
રૂપરેખા
1. હઝકિયેલનું તેડું — 1:1-3:27
2. યરુશાલેમ, યહૂદા અને ભક્તિસ્થાન વિરુદ્ધ પ્રબોધવાણીઓ — 4:1-24:27
3. દેશો વિરુદ્ધ પ્રબોધવાણીઓ — 25:1-32:32
4. ઇઝરાયલીઓ વિષે પ્રબોધવાણીઓ — 33:1-39:29
5. પુનઃસ્થાપનાનું દર્શન — 40:1-48:35

1
ઈશ્વરનું રાજ્યાસન
1 ત્રીસમા વર્ષના ચોથા મહિનાની પાંચમીએ એવું બન્યું કે, જ્યારે હું બંદીવાનોની સાથે કબાર નદીની પાસે હતો. તે સમયે આકાશ ઊઘડી ગયું, મને ઈશ્વરનું સંદર્શન થયું. 2 યહોયાકીન રાજાના બંદીવાસના પાંચમા વર્ષમાં, મહિનાના પાચમાં દિવસે, 3 ખાલદીઓના દેશમાં કબાર નદીની પાસે બૂઝીના દીકરા હઝકિયેલ યાજક પાસે યહોવાહનું વચન આવ્યું; અને યહોવાહનો હાથ તેના પર હતો.

4 ત્યારે મેં જોયું, તો ઉત્તરમાંથી એક આંધીરૂપ મોટું વાદળું આવતું હતું, તેમાં અગ્નિ ચમકતો હતો, તેની આસપાસ પ્રકાશ હતો, અગ્નિમાંથી તૃણમણિના જેવું અજવાળું આવતું હતું. 5 તેની મધ્યમાંથી ચાર જીવંત પશુઓ જેવું દેખાયું. તેઓનો દેખાવ આવો હતો: તેઓનું સ્વરૂપ માણસના જેવું હતું. 6 તે પશુઓમાંના દરેકને ચાર મુખ તથા ચાર પાંખો હતી.

7 તેઓના પગ સીધા હતા, પણ તેઓના પગના પંજા વાછરડાના પગના પંજા જેવા હતા. અને તે કાંસાની માફક ચળકતા હતા. 8 તેઓની પાંખો નીચે ચારે બાજુએ માણસના જેવા હાથ હતા. તે ચારેયનાં મુખ તથા પાંખો આ પ્રમાણે હતાં: 9 તેઓની પાંખો એકબીજાની પાંખોને અડકતી હતી. તેઓ ચાલતાં ચાલતાં આમ કે તેમ ફરતાં નહોતાં; દરેક સીધાં આગળ ચાલતાં હતાં.

10 તેઓના ચહેરાનો દેખાવ માણસના ચહેરા જેવો હતો. ચારેયને જમણી બાજુએ સિંહનું મુખ અને ડાબી બાજુએ બળદનું મુખ હતું. તેઓને ગરુડનું મુખ પણ હતું, 11 તેઓના મુખ એ પ્રમાણે હતાં. તેઓની પાંખો ઉપરની તરફ પ્રસારેલી હતી, દરેકની બે પાંખો બીજા પશુને જોડાયેલી હતી, બાકીની બે પાંખો તેઓના શરીરને ઢાંકતી હતી. 12 દરેક પશુ સીધું ચાલતું હતું, આત્માને જ્યાં જવું હોય ત્યાં તેઓ જતાં હતાં, ચાલતાં તેઓ આડાઅવળાં વળતાં ન હતાં.

13 આ પશુઓનો દેખાવ અગ્નિના બળતા કોલસા જેવો તથા તેજસ્વી મશાલ જેવો હતો. પશુઓ વચ્ચે ચળકતો અગ્નિ ચઢઊતર કરતો હતો, તેમાંથી વીજળીના ચમકારા થતા હતા. 14 પશુઓ વીજળીના ચમકારાની જેમ આગળ દોડતા તથા પાછળ જતાં હતાં.

15 હું એ તેઓને જોતો હતો, ત્યારે મેં દરેક પશુની પાસે એક એમ ચાર પૈડાં જમીન પર જોયાં. 16 આ પૈડાંઓનો રંગ પીરોજના રંગ જેવો હતો. તથા તેઓનો આકાર એક સરખો હતો: ચારે એક સરખાં હતાં; એક પૈડાની અંદર બીજુ પૈડું હોય તેવું દેખાતું હતું.

17 તેઓ ચાલતાં હોય ત્યારે, તેઓ ચારે દિશામાં આડાંઅવળાં વળ્યા વગર ચાલતાં. 18 ચારેય પૈડાની ધારો ઊંચી તથા ભયંકર હતી. એ ચારેયની વાટો ચારેબાજુ આંખોથી ભરેલી હતી.

19 જ્યારે પશુઓ ચાલતાં ત્યારે પૈડાં તેઓની સાથે ચાલતાં. જ્યારે પશુઓ પૃથ્વી પરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ પૃથ્વી પરથી ઊંચે જતાં. 20 જ્યાં જ્યાં આત્મા જતો ત્યાં ત્યાં તેઓ પણ જતાં; પૈડાં તેઓની સાથે ઊંચે ચઢતાં, કેમ કે, પશુઓનો આત્મા પૈડા પર હતો. 21 જ્યારે પશુઓ ચાલતાં ત્યારે પૈડાં પણ ચાલતાં, તેઓ ઊભાં રહેતાં ત્યારે પૈડાં પણ ઊભાં રહેતાં; પશુઓ પૃથ્વી પરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ તેમની સાથે ઊંચે જતાં હતાં કેમ કે, પશુઓનો આત્મા પૈડામાં હતો.

22 તેઓનાં માથાં ઉપર ઊંચે, આકાશના ઘૂમટ જેવો અદ્દભુત સ્ફટિકના તેજ જેવો ચમકતો ઘૂમટ તાણેલો હતો. 23 તે ઘૂમટની નીચે પશુઓની પાંખો સીધી ફેલાયેલી હતી. અને બીજી બે પાંખોથી દરેકનું શરીર ઢંકાયેલું હતું. દરેકની બે પાંખો તેઓના શરીરની એક બાજુને ઢાંકતી અને બે પાંખો બીજી બાજુને ઢાંકતી.

24 તેઓ ઊડતાં ત્યારે તેઓની પાંખોનો અવાજ ધસમસતા પાણીના અવાજ જેવો તથા સર્વશક્તિમાનના અવાજ જેવો સંભળાતો હતો. જ્યારે તેઓ હલનચલન કરતાં ત્યારે તેઓનો અવાજ આંધીના અવાજ જેવો થતો હતો. તે સૈન્યના કોલાહલ જેવો હતો. જ્યારે તેઓ ઊભાં રહેતાં ત્યારે તેઓ પોતાની પાંખો નીચે નમાવી દેતાં. 25 જ્યારે તેઓ ઊભાં રહેતાં, ત્યારે તેઓના માથા પરના ઘૂમટમાંથી અવાજ નીકળતો અને તેઓ તેમની પાંખો નીચે તરફ નમાવી દેતાં.

26 તેઓના માથા પરના ઘુમટ પર નીલમ જેવા દેખાવની રાજ્યાસનની પ્રતિમા દેખાઈ. આ રાજ્યાસન પર એક મનુષ્ય જેવા દેખાવનો માણસ હતો.

27 તેની કમરની ઉપરનો ભાગ ચળકતી ધાતુ જેવો દેખાતો હતો, કમરની નીચેના ભાગનો દેખાવ અગ્નિના જેવો હતો. તેની આસપાસ ચળકાટ હતો. 28 તે ચળકાટ ચોમાસામાં થતા મેઘધનુષના અજવાળા જેવો હતો. આ યહોવાહના ગૌરવનું પ્રતિમાનો દેખાવ હતો. જ્યારે મેં તે જોયું, ત્યારે હું ઊંધો પડી ગયો.અને કોઈ બોલતું હોય એવો અવાજ મારા સાંભળવામાં આવ્યો.

હઝકિયેલ 2 ->