Link to home pageLanguagesLink to all Bible versions on this site
9
પાંચમો મરકી - જાનવરોનું મરણ
1 ત્યારે યહોવાહે મૂસાને કહ્યું, “ફારુનની પાસે જા અને તેને કહે કે, હિબ્રૂઓના ઈશ્વર યહોવાહ એમ કહે છે કે, ‘મારા લોકોને મારું ભજન કરવા જવા દે.’ 2 હજુ પણ જો તું ના પાડશે અને તેઓને રોકી રાખશે તો ધ્યાનથી સાંભળી લે, 3 હું યહોવાહ, ખેતરનાં તારાં જાનવરો એટલે ઘોડાઓમાં, ગધેડાંઓમાં, ઊંટોમાં, ગાયબળદોમાં અને ઘેટાંબકરાંઓમાં ભારે રોગચાળો ફેલાવીશ અને તને સજા કરીશ. 4 પરંતુ હું યહોવાહ ઇઝરાયલીઓના અને મિસરનાં જાનવરો વચ્ચે ભેદભાવ રાખીશ. જેથી ઇઝરાયલીઓનું એક પણ જાનવર મરશે નહિ.”

5 “હું યહોવાહ આવતી કાલે આ દેશમાં એનો અમલ કરીશ.” 6 અને બીજે દિવસે સવારે મિસરમાં ઈશ્વરે પોતાના કહ્યા પ્રમાણે કર્યું, મિસરીઓનાં બધાં જાનવર મરી ગયાં પરંતુ ઇઝરાયલીઓનું એક પણ જાનવર મર્યું નહિ. 7 ફારુને પોતાના માણસોને તપાસ કરવા મોકલ્યા કે ઇઝરાયલના લોકોનું એકે જાનવર મર્યું છે કે નહિ. તપાસ દ્વારા તેને જણાવવામાં આવ્યું કે ઇઝરાયલીઓનું એક પણ જાનવર મર્યું નથી. આટલું થયા છતાં ફારુને હઠાગ્રહ ચાલુ રાખ્યો. તેણે લોકોને જવા દીધા નહિ.

છઠ્ઠું મરકી-ગૂમડાં
8 યહોવાહે મૂસા અને હારુનને કહ્યું, “તમારા હાથમાં ભઠ્ઠીમાંથી મુઠ્ઠીઓ ભરીને રાખ લો અને મૂસા ફારુનના દેખતાં તેને હવામાં ઊંચે ઉડાડે. 9 એ રાખની ઝીણી રજકણો આખા મિસર દેશમાં ફેલાઈ જશે. તેની અસરથી સમગ્ર મિસરના માણસો અને જાનવરોને શરીરે ગૂમડાં ફૂટી નીકળશે.” 10 એટલે મૂસા અને હારુને ભઠ્ઠીમાંથી રાખ લીધી. પછી ફારુનની આગળ ઊભા રહીને મૂસાએ આકાશ તરફ રાખ ઉડાડી. તેના ફેલાવાથી માણસોને અને જાનવરોને ગૂમડાં થયાં.

11 મિસરના જાદુગરો મૂસાને આવું કરતાં રોકી શક્યા નહિ, કારણ કે જાદુગરોને તથા બધા જ મિસરના લોકોને ગૂમડાં ફૂટી નીકળ્યાં હતાં. 12 પરંતુ યહોવાહે ફારુનનું હૃદય હઠીલું બનાવ્યું. અને તેમણે કહ્યું હતું તે પ્રમાણે ફારુને મૂસાની અને હારુનની વાત સાંભળી નહિ.

સાતમો મરકી - કરા
13 પછી યહોવાહે મૂસાને કહ્યું, “સવારમાં વહેલો ઊઠીને ફારુન પાસે જજે. અને તેને કહેજે કે, હિબ્રૂઓના ઈશ્વર યહોવાહ એવું કહે છે કે, ‘મારા લોકોને મારું ભજન કરવા જવા દે.’ 14 જો તું નહિ જવા દે તો હું મારી બધી મરકીઓ તારા પર, તારા સરદારો પર અને તારા લોકો પર મોકલીશ. ત્યારે તને ખબર પડશે કે જગતમાં મારા જેવો અન્ય કોઈ ઈશ્વર નથી.”

15 જો અત્યાર સુધીમાં મેં, તારા પર અને તારી પ્રજા પર મરકી મોકલીને તને સજા કરી હોત તો તું ભૂમિ ઉપરથી નષ્ટ થઈ ગયો હોત. 16 પણ મેં તને એટલા માટે જીવતો રાખ્યો છે કે હું તને મારું પરાક્રમ બતાવું. અને સમગ્ર પૃથ્વી પર મારું નામ પ્રગટ થાય. 17 શું તું હજુ પણ મારા લોકોની વિરુદ્ધ છે? તું મારા લોકો સાથે પોતાને ઊંચો રાખીને તેઓને જવા દેતો નથી?

18 યાદ રાખજે, આવતી કાલે આ જ સમયે હું ભારે કરાનો એવો વરસાદ વરસાવીશ કે મિસરની સ્થાપનાથી આજ સુધી એવા કરા મિસરમાં કદીય વરસ્યા નથી. 19 એટલે અત્યારે જ માણસો મોકલીને તારાં જાનવરોને તથા ખેતરમાં જે કોઈ હોય તે બધાંને સુરક્ષિત જગ્યાએ મંગાવી લેજે. કારણ જે કોઈ માણસ કે જાનવર ખેતરમાં હશે અને તેઓને ઘરમાં લાવવામાં આવ્યાં નહિ હોય, તેઓના પર કરા વરસશે અને તેઓ મરણ પામશે. 20 ફારુનના કેટલાક અમલદારો યહોવાહની આ વાણી સાંભળીને ગભરાઈ ગયા. તેઓએ જલ્દીથી પોતાના ચાકરોને અને જાનવરોને ઘરમાં લાવી દીધાં. 21 પણ જેઓએ યહોવાહની વાણીને ધ્યાનમાં લીધી નહિ તેઓએ પોતાના ગુલામોને અને જાનવરોને ખેતરમાં જ રહેવા દીઘાં.

22 યહોવાહે મૂસાને કહ્યું, “તારા હાથ આકાશ તરફ લંબાવ, જેથી આખા મિસર દેશમાં માણસો, જાનવરો અને ખેતરની બધી વનસ્પતિ પર કરા પડે.” 23 પછી મૂસાએ પોતાની લાકડી આકાશ ભણી ઊંચી કરી એટલે યહોવાહે ભારે ગર્જના સાથે જમીન પર કરા વરસાવ્યા. તે સાથે પૃથ્વી પર અગ્નિ ધસી આવ્યો અને આખા મિસર દેશ પર કર તૂટી પડયા. 24 વરસતા કરાની સાથે વીજળી ઝબકારા મારતી હતી. મિસર દેશ સ્થપાયો ત્યારથી આજસુધી કદી ન પડયો હોય એવો ભારે કરાનો વરસાદ આખા દેશમાં પડયો.

25 તેને લીધે મિસરના ખેતરોમાંની તમામ વનસ્પતિ અને પાકનો નાશ થઈ ગયો. અને કરાના કારણે આખા મિસર દેશમાં જે માણસો, જાનવરો, તથા ખેતરોમાં જે કાંઈ હતું તે બધાનો નાશ થયો. કરાએ ખેતરોમાંના દરેક છોડને તેમ જ ઝાડને નષ્ટ કર્યા. 26 ફક્ત ગોશેન પ્રાંતમાં કે જ્યાં ઇઝરાયલીઓ રહેતા હતા ત્યાં કરા પડયા નહિ.

27 પછી ફારુને મૂસા અને હારુનને બોલાવીને તેઓને કહ્યું, “આ વખતે મેં પાપ કર્યુ છે, યહોવાહ ન્યાયી છે. હું તથા મારી પ્રજા અપરાધી છીએ. 28 તમે યહોવાહને અરજ કરો, કારણ કે આ કરા અને ભયંકર ગર્જનાથી અમે ત્રાસી ગયા છીએ. હું તમને જવા દઈશ, હવે તમારે અહીં રોકાવું નહિ પડે.”

29 મૂસાએ ફારુનને કહ્યું, “હું નગરમાંથી બહાર જઈશ. ત્યારે હું પ્રાર્થના માટે યહોવાહની આગળ મારા હાથ લંબાવીશ. એટલે તરત વીજળીના કડાકા બંધ થઈ જશે. અને કરા પડવાનું પણ અટકી જશે. આ પરથી તને ખબર પડશે કે આખી પૃથ્વી પ્રભુની છે. 30 પણ હું જાણું છું કે તું અને તારા અમલદારો તથા લોકો હજુ પણ યહોવાહથી ડરવાના નથી. અને તેમનું સન્માન પણ કરવાના નથી.”

31 શણ અને જવનો ઘાણ વળી ગયો. કારણ કે જવ ઊગી નીકળ્યા હતા અને શણને ફૂલ બેઠાં હતાં. 32 પરંતુ ઘઉં અને કઠોળ નષ્ટ થયા નહિ કારણ કે તેને પાકવાની વાર હતી. 33 મૂસા ફારુનને છોડીને નગર બહાર આવ્યો. અને તેણે યહોવાહ સમક્ષ પોતાના હાથ લંબાવીને પ્રાર્થના કરી. એટલે કડાકા અને કરા બંધ થઈ ગયા.

34 પછી જ્યારે ફારુને જોયું કે વર્ષા, કરા અને કડાકા બંધ થઈ ગયા એટલે ફરીથી તેણે અને તેના સરદારોએ પોતાના હૃદય હઠીલાં કર્યા. 35 ફારુને ઇઝરાયલ લોકોને મુક્ત રીતે જવા દેવાની ના પાડી દીધી. યહોવાહે મૂસાને કહ્યું હતું તે પ્રમાણે જ થયું. ફારુન પાછો હઠે ભરાયો.

<- નિર્ગમન 8નિર્ગમન 10 ->