Link to home pageLanguagesLink to all Bible versions on this site
31
બસાલેલ અને આહોલીઆબ
નિર્ગ. 35:30-36:1

1 વળી યહોવાહે મૂસાને કહ્યું, 2 “જુઓ, મેં યહૂદાના કુળના હૂરના દીકરા ઉરીના દીકરા બસાલેલને નામ લઈને બોલાવ્યો છે.

3 બુદ્ધિ, સમજણ, ડહાપણ તથા સર્વ પ્રકારના કળાકૌશલ્યની બાબતમાં મેં તેને ઈશ્વરના આત્માથી ભરપૂર કર્યો છે. 4 એ માટે કે તે હોશિયારીથી નમૂનો તૈયાર કરે અને સોનામાં, ચાંદીમાં, પિત્તળમાં, 5 જડવાને માટે પાષાણ કોતરવામાં તથા લાકડામાં નકશી કોતરવામાં અને સર્વ પ્રકારની કારીગરીમાં તે કામ કરે.

6 વળી તેની સાથે કામ કરવા માટે મેં દાનના કુળના અહીસામાખના દીકરા આહોલીઆબને પસંદ કર્યો છે. જે બુદ્ધિમાન છે તે સર્વનાં હૃદયોમાં મેં બુદ્ધિ મૂકી છે, એ માટે કે મેં તને જે આજ્ઞા આપી છે તે પ્રમાણે તે સર્વ તેઓ બનાવે. 7 આ સાથે મુલાકાતમંડપ, કરારકોશ, તે પરનું દયાસન, મંડપનો સરસામાન; 8 બાજઠ અને તેનાં પરની સામગ્રી, શુદ્ધ સોનાની દીવી અને તેનાં સાધનો, ધૂપ કરવાની વેદી, 9 દહનીયાર્પણની વેદી અને તેનાં બધાં સાધનો, હાથપગ ધોવાની કુંડી અને તેનું તળિયું.

10 યાજક હારુન અને તેના પુત્રો માટે સેવા સમયે પહેરવાનાં પવિત્ર પોષાક, 11 અભિષેક માટેનું તેલ અને પવિત્રસ્થાનને માટે સુગંધીદાર ધૂપ; તે સર્વ સંબંધી મેં તને જે આજ્ઞાઓ આપી છે તે પ્રમાણે તેઓ કરે.”

વિશ્રામ દિવસનો નિયમ
12 યહોવાહે મૂસાને કહ્યું, 13 “ઇઝરાયલી લોકોને કહે: ‘તમે જરૂર મારા વિશ્રામવારો પાળો, કેમ કે તમારી પેઢી દરપેઢી મારી અને તમારી વચ્ચે તે ચિહ્નરૂપ છે; એ માટે કે તમે જાણો કે તમને પવિત્ર કરનાર તે હું યહોવાહ છું. 14 આથી તમારે વિશ્રામવારનું પાલન કરવાનું છે, કારણ કે તમારા માટે એ પવિત્ર દિવસ છે. જે કોઈ તેની પવિત્રતાનો ભંગ કરે, તેને મોતની સજા કરવી. જે કોઈ વિશ્રામવારે કામ કરે તેનો સમાજમાંથી બહિષ્કાર કરજો. 15 તમને છ દિવસ કામ કરવાની છૂટ છે, પણ સાતમે દિવસે યહોવાહને માટે પવિત્ર એવો સંપૂર્ણ વિશ્રામનો સાબ્બાથ છે. જે કોઈ વિશ્રામવારે કોઈ પણ કામ કરે તેને મોતની સજા કરવી.

16 માટે ઇઝરાયલના લોકોએ મારી અને તેઓની વચ્ચેના કરાર તરીકે વિશ્રામવાર પેઢી દર પેઢી પાળવાનો છે. 17 સાબ્બાથ યહોવાહ અને ઇઝરાયલી લોકોની વચ્ચે હંમેશના ચિહ્નરૂપ છે, કેમ કે યહોવાહે છ દિવસ સુધી આકાશ અને પૃથ્વીની રચના કરી અને સાતમે દિવસે તેમણે કામ બંધ રાખીને વિસામો લીધો.’ ”

18 તેમણે સિનાઈ પર્વત ઉપર મૂસાની સાથે વાતચીત પૂરી કરીને તેને બે કરારપાટી, એટલે ઈશ્વરની આંગળીથી લખેલી બે શિલાપાટીઓ આપી.

<- નિર્ગમન 30નિર્ગમન 32 ->