Link to home pageLanguagesLink to all Bible versions on this site
3
મૂસા અને સળગતું ઝાડવું
1 હવે મૂસા પોતાના સસરાના એટલે મિદ્યાનના યાજક યિથ્રોનાં ઘેટાંબકરાં સાચવતો હતો; એક દિવસ તે ઘેટાંબકરાંને ચરાવવા અરણ્યની પશ્ચિમ દિશામાં ઈશ્વરના પર્વત*ઈશ્વરના પર્વત પવિત્ર પર્વત હોરેબ પર ગયો. 2 ત્યાં યહોવાહના દૂતે ઝાડવાં વચ્ચે આગના ભડકામાં તેને દર્શન દીધું. તેણે જોયું ઝાડવું સળગતું હતું. પણ બળીને ભસ્મ થતું ન હતું. 3 તેથી મૂસાએ વિચાર્યું કે, “હું નજીક જઈને આ મહાન દ્રશ્ય જોઉં. આ ઝાડવું બળે છે પણ ભસ્મ કેમ થતું નથી?”

4 યહોવાહે જોયું કે મૂસા અહીં ઝાડવું જોવા આવી રહ્યો છે, તેથી તેમણે ઝાડવામાંથી તેને બૂમ પાડી, “મૂસા, મૂસા!” અને મૂસાએ કહ્યું, “હા, હું અહીં જ છું.” 5 ત્યારે યહોવાહે કહ્યું, “નજીક આવીશ નહિ, તારાં પગરખાં ઉતાર. કારણ કે જ્યાં તું ઊભો છે તે ભૂમિ પવિત્ર છે.” 6 “હું તારા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબનો ઈશ્વર છું.” તે સાંભળીને મૂસાએ પોતાનું મુખ ઢાંકી દીઘું. કેમ કે ઈશ્વર તરફ જોતાં તેને બીક લાગી.

7 પછી યહોવાહે કહ્યું, “મેં મિસરમાં મારા લોકોને દુઃખી હાલતમાં જોયા છે. તેઓના મુકાદમો તેમને પીડા આપે છે તેથી તેઓનો વિલાપ મેં સાંભળ્યો છે. તેઓની મુશ્કેલીઓ મેં જાણી છે. 8 હું તેઓને મિસરીઓના સકંજામાંથી મુક્ત કરાવવા અને તેઓને એ દેશમાંથી બહાર લાવીને એક સારા, વિશાળ અને દૂધ તથા મધથી રેલછેલવાળો દેશમાં લઈ જવા માટે આવ્યો છું. ત્યાં હાલમાં કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ રહે છે.

9 મેં ઇઝરાયલીઓનું રુદન સાંભળ્યું છે અને મિસરીઓ તેઓના ઉપર જે અત્યાચાર ગુજારે છે તે મેં નિહાળ્યા છે. 10 માટે હવે, મારા ઇઝરાયલી લોકોને મિસરમાંથી બહાર લઈ આવવા હું તને ફારુન પાસે મોકલું છું.”

11 પરંતુ મૂસાએ ઈશ્વરને કહ્યું, “હું તે કોણ કે ફારુનની પાસે જઈને ઇઝરાયલીઓને મિસરમાંથી બહાર કાઢી લાવું?” 12 પણ ઈશ્વરે કહ્યું, “હું અવશ્ય તારી સાથે જ હોઈશ. અને મેં જ તને મોકલ્યો છે, એની નિશાની તારા માટે એ થશે કે જ્યારે તું એ લોકોને મિસરમાંથી બહાર લઈ આવશે પછી તમે સૌ આ પર્વત પર મારી ભક્તિ કરશો.”

ઈશ્વર પોતાના નામને પ્રગટ કરે છે
13 મૂસાએ ઈશ્વરને કહ્યું, “હું ઇઝરાયલ લોકો પાસે જાઉં અને તેઓને કહું કે, ‘તમારા પિતૃઓના પ્રભુએ મને તમારી પાસે મોકલ્યો છે.’ અને તેઓ મને પૂછે કે, ‘તેમનું નામ શું છે?’ તો હું તેઓને શો જવાબ આપું?” 14 ત્યારે ઈશ્વરે મૂસાને કહ્યું, “હું જે છું તે છું.” તું ઇઝરાયલીઓને કહેજે કે ‘હું છું એ મને તમારી પાસે મોકલ્યો છે.’ ”

15 વળી ઈશ્વરે મૂસાને એવું પણ કહ્યું, “તું ઇઝરાયલીઓને કહેજે કે, ‘તમારા પિતૃઓના ઈશ્વર યહોવાહે એટલે કે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે. મારું નામ સદાને માટે એ જ છે અને પેઢી દરપેઢી લોકો મને એ નામે જ યાદ રાખશે.’ ”

16 વળી ઈશ્વરે કહ્યું, “તું જા અને ઇઝરાયલના વડીલોને ભેગા કરીને તેઓને કહેજે કે, ‘તમારા પિતૃઓના ઈશ્વર, ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના પ્રભુએ, મને દર્શન આપીને કહ્યું છે મેં નિશ્ચે તમારી ખબર લીધી છે અને મિસરમાં તમે જે મુશ્કેલીઓ સહન કરી રહ્યા છો તે મેં જોઈ છે; 17 અને મેં નિર્ણય કર્યો છે કે હું તમને મિસરના આ દુર્દશામાંથી મુક્ત કરાવીને કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના દેશમાં લઈ જઈશ. એ દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ છે.’ 18 લોકો તારી વાણી સાંભળશે, પછી તું અને ઇઝરાયલના વડીલો મિસરના રાજા પાસે જઈને તેને કહેજો કે, ‘હિબ્રૂઓના ઈશ્વર યહોવાહ અમને મળ્યા છે. એ અમારા ઈશ્વર યહોવાહની આગળ યજ્ઞાર્પણ કરવા માટે અમે ત્રણ દિવસની મુસાફરી કરીને જઈ શકીએ એટલે દૂર અરણ્યમાં અમને જવા દે.”

19 જો કે મને ખબર તો છે જ કે મિસરનો રાજા તમને ત્યાં નહિ જવા દે. હા, કોઈ સામર્થ્યવાન હાથ જ તમને ત્યાં લઈ જશે. 20 આથી હું મારા સામર્થ્ય દ્વારા તેઓની વચ્ચે ચમત્કાર બતાવીશ અને મિસરના લોકોને મારીશ. ત્યાર પછી તે તમને જવા દેશે. 21 અને મિસરીઓની નજરમાં ઇઝરાયલી લોકો પર દયા દર્શાવાય તેવું હું કરીશ. તેને પરિણામે જ્યારે તમે મિસરમાંથી બહાર જવા રવાના થશો ત્યારે ખાલી હાથે બહાર નહિ આવો. 22 પણ દરેક સ્ત્રી પોતાની મિસરી પડોશણ પાસેથી અને પોતાના ઘરમાં રહેનારી મિસરી સ્ત્રી પાસેથી સોનાચાંદીનાં ઘરેણાં અને સુંદર કિંમતી વસ્ત્રો માગી લેશે અને તમે પોતાના દીકરાદીકરીઓને તે પહેરાવશો. આમ તમે મિસરીઓનું ધન લૂંટી લેશો.”

<- નિર્ગમન 2નિર્ગમન 4 ->