Link to home pageLanguagesLink to all Bible versions on this site
27
વેદી
નિર્ગ. 38:1-7

1 વેદી બાવળના લાકડાની બનાવજે, તે ચોરસ હોય અને પાંચ હાથ લાંબી, પાંચ હાથ પહોળી અને ત્રણ હાથ ઊંચી હોય. 2 ચારે ખૂણે ચાર શિંગ બનાવજે અને તે વેદીના લાકડામાંથી જ બનાવજે અને તેની ચારે બાજુથી ખૂણા જોડી દેજે, જેથી તે એક બની જાય ત્યારબાદ વેદીને પિત્તળથી ઢાંકી દેજે.

3 અને તેનાં ભસ્મપાત્રો, પાવડાઓ, તપેલાં ત્રિપાંખી સાધનો તથા સગડીઓ બનાવજે અને તેનાં સઘળાં પાત્રો પિત્તળનાં બનાવજે. 4 વળી વેદી માટે તું પિત્તળની જાળી બનાવજે; તથા જાળીના ચાર ખૂણામાં તું પિત્તળનાં ચાર કડાં બનાવજે.

5 પછી તું એ જાળી વેદીની છાજલી નીચે એવી રીતે મૂકજે કે જેથી તે વેદીની ઊંચાઈને અડધે સુધી પહોંચે. 6 અને વેદીને માટે તું બાવળના દાંડા બનાવજે અને તેને પિત્તળથી મઢી દેજે.

7 વળી વેદીને ઊંચકતી વખતે એ દાંડા વેદીની દરેક બાજુએ આવેલા કડામાં ભેરવજે. 8 વેદી પાટિયાના ખોખા જેવી પોલી બનાવજે. પર્વત પર મેં જેમ તને બતાવ્યું હતું તેમ તેઓ તેને બનાવે.

મુલાકાતમંડપનું આંગણું
9 મંડપની આજુબાજુ ચોક બનાવજે. તેની દક્ષિણ બાજુએ કાંતેલા ઝીણા શણનો સો હાથ લાંબો પડદો બનાવજે. 10 પડદાઓ લટકાવવા માટે પિત્તળના વીસ સ્તંભો બેસાડવા અને એ સ્તંભોના સળિયા અને આંકડા ચાંદીના બનાવજે.

11 ચોકની ઉત્તર બાજુએ પણ એ જ પ્રમાણે કરવાનું છે. પિત્તળની કૂંભીઓમાં બેસાડેલા વીસ સ્તંભો સાથે જોડેલા ચાંદીના સળિયાઓ ઉપર ચાંદીના આંકડાઓ વડે સો હાથ લાંબા પડદાઓ લટકાવવાના છે. 12 એ ચોકની પશ્ચિમ બાજુને ઢાંકવા માટે પચાસ હાથ લાંબા પડદા હોય અને તેને માટે દશ સ્તંભો અને દશ કૂંભીઓ હોય. 13 પૂર્વ દિશામાં પણ તે જ રીતે પચાસ હાથ લાંબા પડદાઓ લટકાવજે.

14 પ્રવેશદ્વારની એક બાજુએ પંદર હાથના પડદા હોય અને તેને માટે ત્રણ સ્તંભો અને ત્રણ કૂંભી હોય. 15 અને બીજી બાજુએ પણ પંદર હાથના પડદા અને ત્રણ સ્તંભો અને ત્રણ કૂંભી હોય. 16 પ્રવેશદ્વારને માટે વીસ હાથ લાંબો પડદો બનાવજે, તે પડદો ઝીણા કાંતેલા શણનો, ભૂરા, જાંબુડા અને કિરમજી રંગનો, સુંદર ભરતકામવાળો બનાવજે, ચાર કૂંભીઓમાં બેસાડેલા ચાર સ્તંભો પર તેને લટકાવવાનો છે.

17 ચોકની આજુબાજુના બધા સ્તંભો ચાંદીના સળિયાથી જોડાયેલા હોય, તેમના આંકડા ચાંદીના હોય અને તેમની કૂંભીઓ પિત્તળની હોય. 18 આ પ્રમાણે ચોક ઝીણા કાંતેલા શણના કાપડનો બનશે અને સો હાથ લાંબો અને પચાસ હાથ પહોળો થશે. ચોકને ફરતા પડદાની દીવાલો પાંચ હાથ ઊંચી થશે. પડદાઓ ઝીણા કાંતેલા શણના હોય. તેનાં તળિયાં પિત્તળનાં હોવાં જોઈએ. 19 પવિત્ર મંડપમાં વપરાતાં તમામ ઓજારો, તંબુના ખીલાઓ અને બીજી વસ્તુઓ પિત્તળની હોવી જોઈએ. ચોકને ફરતા પડદાઓની ખીલીઓ પિત્તળની બનેલી હોવી જોઈએ.

બત્તીનું તેલ અને બત્તીની વ્યવસ્થા
લેવી 24:1-4

20 દીવી ઉપર મૂકવાના અખંડ દીવા માટે ઘાણીએ પીલેલું જૈતૂનનું ઉત્તમ તેલ લાવી આપવા ઇઝરાયલીઓને આજ્ઞા કરજે. 21 મુલાકાતમંડપમાં સાક્ષ્યકોશ આગળના પડદાની બહારની બાજુએ હારુન તથા તેના પુત્રો સાંજથી તે સવાર સુધી યહોવાહ આગળ તેની વ્યવસ્થા કરે. આ વિધિનું ઇઝરાયલીઓએ અને તેઓના વંશજોએ પેઢી દર પેઢી પાલન કરવાનું છે.

<- નિર્ગમન 26નિર્ગમન 28 ->