Link to home pageLanguagesLink to all Bible versions on this site
10
આઠમો મરકી-તીડો
1 પછી યહોવાહે મૂસાને કહ્યું, “તું ફારુન પાસે જા. મેં તેને અને તેના સરદારોને એટલા માટે હઠાગ્રહી બનાવ્યા છે કે જેથી હું મારું ચમત્કારિક સામર્થ્ય તેઓની સમક્ષ પ્રગટ કરું. 2 અને તું તારા પુત્રને અને પૌત્રોને કહી શકે કે મેં આ મિસરના લોકોને કેવી સખત શિક્ષા કરી હતી, અને મેં તેઓને કેવા ચમત્કાર બતાવ્યા હતા. આથી તમને ખબર પડશે કે હું જ યહોવાહ છું.”

3 મૂસા અને હારુન ફારુન પાસે ગયા અને કહ્યું, “હિબ્રૂઓના યહોવાહ કહે છે; ‘તું કયાં સુધી મારી આજ્ઞા ઉથાપ્યા કરીશ? મારા લોકોને મારું ભજન કરવા જવા દે.’ 4 સાંભળી લે, જો તું મારા લોકોને મારું ભજન ઉપાસના કરવા જવા દેવાની ના પાડશે તો ખાતરી રાખજે આવતી કાલે હું તારા દેશમાં તીડોનો ઉપદ્રવ મોકલીશ.

5 એ તીડો જમીન પર એવાં છવાઈ જશે કે જમીન દેખાશે જ નહિ. અને કરાની વર્ષા પછી તારી પાસે જે કાંઈ બચેલું છે, તે તેઓ ખાઈ જશે; તેઓ તારા ખેતરમાંના તમામે છોડ ખાઈ જશે. 6 તેઓ તારા મહેલોને તથા તારા અમલદારોના અને તમામ મિસરવાસીઓનાં ઘરોને ભરી દેશે. તારા પિતૃઓએ મિસરમાં વસવાટ શરૂ કર્યો ત્યારથી આજસુધી જોયાં ના હોય એટલાં બધાં જથ્થાબંધ તીડો છવાઈ જશે.” પછી મૂસા ફારુન પાસેથી ચાલ્યો ગયો.

7 ફારુનના સરદારોએ તેને કહ્યું, “અમે ક્યાં સુધી આ લોકો તરફથી ત્રાસ ભોગવતા રહીશું? એ લોકોને તેઓના ઈશ્વર યહોવાહ નું ભજન કરવા જવા દે. શું તું નથી જાણતો કે હવે મિસરનો સર્વનાશ થવા બેઠો છે?” 8 એટલે મૂસાને અને હારુનને ફારુન પાસે બોલાવવામાં આવ્યા. ફારુને તેઓને કહ્યું, “ભલે, તમે જાઓ અને તમારા ઈશ્વર યહોવાહનું ભજન કરો. પણ મને જણાવો કે તમે કોણ કોણ જશો?”

9 મૂસાએ જવાબ આપ્યો, “અમે અમારા યુવાનોને, વયસ્કોને, દીકરાદીકરીઓને, ઘેટાંબકરાંઓને તથા અન્ય જાનવરોને લઈ જઈશું. અમે બધાં જ જઈશું. કારણ એ અમારા માટે અમારા યહોવાહનું પર્વ છે.” 10 ફારુને તેઓને કહ્યું, “જેમ હું તમને અને તમારાં સર્વ બાળકોને મિસરમાંથી જવા દઈશ. ઈશ્વર તમારી સાથે રહો. જો કે મને તો એવું લાગે છે કે તમે કપટ વિચારી રહ્યા છો. 11 ના, બધાં જ નહિ, પણ તમારામાંથી માત્ર પુખ્ત પુરુષો જ યહોવાહનું ભજન કરવા જાઓ. બાકીનાં જઈ શકશે નહિ.” પછી ફારુને મૂસા અને હારુનને ત્યાંથી કાઢી મૂક્યા.

12 પછી યહોવાહે મૂસાને કહ્યું, “મિસર દેશ પર તારો હાથ ઊંચો કર એટલે તમામ ભૂમિ પર તીડો છવાઈ જશે. એ તીડો કરાથી બચી ગયેલાં તમામ વૃક્ષો અને છોડવાઓને અને અન્ય વનસ્પતિને ખાઈ જશે.” 13 મૂસાએ પોતાની લાકડીને મિસર દેશ પર ઊંચી કરી. યહોવાહે તે આખો દિવસ અને આખી રાત દરમ્યાન પૂર્વ તરફથી પવનનો મારો ચલાવ્યો અને સવાર થતાં સુધીમાં તો પૂર્વથી આવતો તોફાની પવન તીડોનાં ટોળેટોળાં લઈ આવ્યો.

14 સમગ્ર મિસર પર તીડો પથરાઈ ગયાં અને આખા દેશની ભૂમિ પર બેસી ગયાં. આવાં તીડોનાં ટોળાં અગાઉ કદી આવ્યાં નહોતાં અને ભવિષ્યમાં કદાપિ આવશે પણ નહિ. 15 ઢગલાબંધ તીડો ભૂમિ પર છવાઈ ગયાં. તેઓથી ભૂમિ ઢંકાઈ ગઈ. કરાથી સમગ્ર મિસર દેશના જે વૃક્ષો અને વનસ્પતિ બચી ગયાં હતાં તેના પરનાં બધાં જ ફળ તીડો ખાઈ ગયાં. સમગ્ર મિસર દેશનાં લીલાં વૃક્ષો અને અન્ય વનસ્પતિ નામશેષ થઈ ગયાં. ખેતરમાંનાં વૃક્ષો કે વનસ્પતિ પર એકે પાંદડું રહ્યું નહિ.

16 પછી ફારુને ઉતાવળ કરીને મૂસા અને હારુનને બોલાવીને કહ્યું, “મેં તમારા ઈશ્વર પ્રભુ અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. 17 આટલી વખત આ મારો અપરાધ માફ કરો અને તમારા ઈશ્વર યહોવાહને વિનંતી કરો તે મને તીડોના ત્રાસમાંથી અને મોત જેવી હાલતમાંથી બચાવે. 18 મૂસા ફારુનની પાસેથી વિદાય થયો. અને તેણે યહોવાહને પ્રાર્થના કરી.

19 એટલે યહોવાહે પવનની દિશા બદલી નાખી; અને પશ્ચિમમાંથી ભારે તોફાની પવન ફુંકાવા લાગ્યો. એ પવને તીડોને ઉડાડીને રાતા સમુદ્રમાં નાખી દીધાં. સમગ્ર મિસરમાં એક પણ તીડ રહ્યું નહિ. 20 પરંતુ યહોવાહે ફારુનને વળી પાછો હઠાગ્રહી બનાવ્યો. અને તેણે ઇઝરાયલીઓને જવા ન દીધા.

નવમાં મરકી - અંધકાર
21 પછી યહોવાહે મૂસાને કહ્યું, “તારા હાથ આકાશ તરફ ઊંચા કર. મિસર દેશમાં ગાઢ અંધકાર વ્યાપી જશે. માણસોએ અંધારામાં અટવાવું પડશે.” 22 એટલે મૂસાએ આકાશ તરફ હાથ ઊંચો કર્યો. ત્યારે પ્રગાઢ અંધકારને લીધે મિસર દેશમાં ઘોર અંધારું છવાઈ ગયું. મિસરમાં ત્રણ દિવસ સુધી અંધકાર છવાયેલો રહ્યો. 23 કોઈ પણ વ્યક્તિ બીજા કોઈને જોઈ શકતી ન હતી. અને ત્રણ દિવસ સુધી કોઈ પોતાની જગ્યાએથી ઊઠી શક્યું નહિ. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે જ્યાં ઇઝરાયલીઓના વસવાટ હતો તે સર્વ ઘરોમાં તો પ્રકાશ ઝગમગી રહ્યો હતો.

24 ફારુને ફરીથી મૂસાને બોલાવ્યો અને કહ્યું, “તમે લોકો જાઓ, યહોવાહનું ભજન કરો. તમે તમારી સાથે તમારાં બાળકોને પણ લઈ જઈ શકો છો. ફક્ત તમારાં ઘેટાંબકરાં અને અન્ય જાનવરોને અહીં રહેવા દેજો.” 25 પણ મૂસાએ કહ્યું, “અમે અમારાં ઘેટાંબકરાં સહિત જાનવરોને અમારી સાથે લઈ જઈશું; એટલું જ નહિ પરંતુ જ્યારે અમે લોકો જઈશું ત્યારે તારે અમને દહનીયાર્પણો માટેનાં અર્પણો પણ આપવાં પડશે. અને અમે લોકો એ અર્પણો ઈશ્વર યહોવાહને ચઢાવીશું. 26 અમે લોકો અમારાં જાનવરો અમારી સાથે અમારા ઈશ્વર યહોવાહનું ભજન કરવા માટે લઈ જઈશું. ખરીવાળું એક પણ પશુ અહીં રહેશે નહિ. અમારાં પશુઓમાંથી અમે અમારા ઈશ્વર યહોવાહને યજ્ઞ ચઢાવવાના છીએ અને જ્યાં સુધી અમે નિયત જગ્યાએ પહોંચીએ નહિ ત્યાં સુધી અમને કેવી રીતે ખબર પડે કે અમારે યહોવાહને શું અર્પણ કરવાનું છે?” તેથી બધાં જ જાનવરોને અમે અમારી સાથે લઈ જઈશું.”

27 યહોવાહે વળી પાછાં ફારુનને હઠાગ્રહી બનાવ્યો, તેથી ફારુને તેઓને જવા દેવા માટે ના પાડી દીધી. 28 અને ફારુને મૂસાને કહ્યું, “મારી પાસેથી જતો રહે, મારું મુખ હવે પછી ફરીથી તું જોવા આવીશ નહિ. એમ છતાં જો તું મને મળવા આવીશ તો તે દિવસે તું માર્યો જશે.” 29 પછી મૂસાએ ફારુનને કહ્યું, “તું જે કહે છે તે સાચું છે. હું ફરીથી કદી તને રૂબરૂ મળવા આવવાનો નથી અને તારું મુખ જોવાનો નથી.”

<- નિર્ગમન 9નિર્ગમન 11 ->