Link to home pageLanguagesLink to all Bible versions on this site
9
યહૂદીઓએ શત્રુઓનો નાશ કર્યો
1 હવે બારમા મહિને એટલે કે અદાર મહિનાના, તેરમા દિવસે રાજાનો હુકમ અમલમાં આવવાનો હતો, તે દિવસે તો યહૂદીઓના શત્રુઓને તેઓ ઉપર સત્તા મેળવાની આશા હતી. પણ તેથી ઉલટું એવું બન્યું કે યહૂદીઓએ જ પોતાના વેરીઓ પર સત્તા મેળવી. 2 તે દિવસે અહાશ્વેરોશ રાજાના સર્વ પ્રાંતોમાં યહૂદીઓ પોતપોતાનાં નગરોમાં એકત્ર થયા, જેથી તેઓનું નુકસાન કરવાની જે લોકો કોશિશ કરતા હતા, તેઓના પર તેઓ હુમલો કરે. પણ તેઓની વિરુદ્ધ કોઈ ઊભું રહી શક્યું નહિ કારણ કે તે સર્વ લોકોને તેઓનો ભય લાગ્યો હતો.

3 અને પ્રાંતોના બધા અમલદારો, સૂબાઓ, રાજ્યપાલો, અને રાજાના વહીવટકર્તાઓએ યહૂદીઓને મદદ કરી; કારણ કે તેઓ બધા હવે મોર્દખાયથી બીતા હતા. 4 મોર્દખાય રાજાના મહેલમાં ઉચ્ચ પદ પર નિમાયેલો હતો. એની કીર્તિ સર્વ પ્રાંતોમાં પ્રસરી ગઈ હતી. તેની સત્તા દિવસે દિવસે વધતી ગઈ. 5 યહૂદીઓએ પોતાના સર્વ શત્રુઓનો તલવારથી સંહાર કરીને તેઓનો નાશ કર્યો અને પોતાના વિરોધીઓ સાથે તેઓએ પોતાની મરજીમાં આવે તેવું વર્તન કર્યુ.

6 સૂસાના મહેલમાં યહૂદીઓએ પાંચસો માણસોને મારીને તેઓનો નાશ કર્યો. 7 વળી તેઓએ પાર્શાન્દાથાને, દાલ્ફોનને, આસ્પાથાને, 8 પોરાથાને, અદાલ્યાને, અરિદાથાને, 9 પાર્માશતાને, અરિસાયને, અરિદાયને તથા વાઈઝાથાને, 10 એટલે યહૂદીઓના શત્રુ હામ્મદાથાના પુત્ર હામાનનો દસે પુત્રોને મારી નાખ્યા; પણ લૂંટ પર તેઓએ હાથ નાખ્યો નહિ.

11 સૂસામાં મારી નાખવામાં આવેલા માણસોની સંખ્યા તે જ દિવસે રાજાને જાહેર કરવામાં આવી. 12 રાજાએ એસ્તેર રાણીને કહ્યું, “સૂસાના મહેલમાં યહૂદીઓએ પાંચસો માણસો અને હામાનના દસ પુત્રોને મારી નાખ્યા છે, તો પછી તેઓએ રાજ્યના બીજા પ્રાંતોમાં કોણ જાણે શું કર્યું હશે? હવે તારી શી અરજ છે? તે પ્રમાણે તને બક્ષવામાં આવશે. તારી બીજી શી વિનંતી છે? તે પણ મંજૂર થશે.”

13 ત્યારે એસ્તેરે તેને કહ્યું કે, “જો રાજા આપની મરજી હોય તો સૂસામાં જે યહૂદીઓ છે તેઓને આજના હુકમ પ્રમાણે કાલે કરવા દેવું જોઈએ અને હામાનના દસે પુત્રોને ફાંસીએ લટકાવવા જોઈએ.” 14 રાજાએ તે પ્રમાણે કરવાની આજ્ઞા આપી અને સૂસામાં એવો હુકમ જાહેર કરવામાં આવ્યો. અને હામાનના દશે પુત્રોને તેઓએ ફાંસી પર લટકાવ્યા.

15 સૂસામાંના યહૂદીઓ અદાર મહિનાને ચૌદમે દિવસે પણ એકત્ર થયા. તેઓએ સૂસામાં ત્રણસો માણસોને મારી નાખ્યા. પણ લૂંટ પર તેઓએ હાથ નાખ્યો નહિ. 16 રાજાના પ્રાંતોમાં વસતા બાકીના યહૂદીઓ પણ પોતાનો બચાવ કરવા અને શત્રુઓથી છુટકારો મેળવવા માટે ભેગા થયા. પોતાના શત્રુઓ પર તેઓએ વેર વાળ્યું. તેઓએ પંચોતેર હજારને મારી નાખ્યા. પણ લૂંટફાટ ચલાવી નહિ.

17 અદાર મહિનાના તેરમા દિવસે એવું બન્યું: ચૌદમે દિવસે તેઓએ વિશ્રાંતી લીધી. અને તેને મિજબાનીના તથા આનંદના દિવસ તરીકે ઊજવ્યો. 18 પણ સૂસામાંના યહૂદીઓ અદાર મહિનાના તેરમા તથા તેના ચૌદમા દિવસે એકત્ર થયા. પંદરમીએ તેઓએ આરામ ભોગવીને તેને મિજબાનીના તથા આનંદના દિવસ તરીકે ઊજવ્યો. 19 આ કારણથી જે ગ્રામ્ય યહૂદીઓ કોટ વિનાનાં ગામોમાં રહે છે, તેઓ અદાર મહીનાના ચૌદમા દિવસને ઉત્સવના દિવસ તરીકે અને એકબીજાને ભેટો મોકલવાના દિવસ તરીકે ઊજવે છે.

પૂરીમ પર્વની સ્થાપના
20 મોર્દખાયે અહાશ્વેરોશ રાજાના નજીકના તેમ જ દૂરના પ્રાંતોના સર્વ યહૂદીઓ પર પત્રો મોકલ્યા. 21 તેણે જણાવ્યું કે, અદાર મહિનાને ચૌદમે અને પંદરમે દિવસે તમારે વરસોવરસ તહેવાર ઊજવવા. 22 કેમ કે તે દિવસોમાં યહૂદીઓને તેઓના શત્રુઓ તરફથી નિરાંત મળી હતી. અને તે મહિનો તેઓને માટે દુઃખને બદલે આનંદનો તથા શોકને બદલે હર્ષનો થઈ ગયો હતો. તમારે તે દિવસોને મિજબાનીના, આનંદના, એકબીજાને ભેટ આપવાના તથા ગરીબોને દાન આપવાના દિવસો ગણવા. 23 તેઓએ પોતે જે કરવા માંડ્યું હતું તથા મોર્દખાયે તેઓ ઉપર જે લખ્યું હતું તે પ્રમાણે કરવાનું યહૂદીઓએ સ્વીકાર્યું. 24 કેમ કે સર્વ યહૂદીઓના શત્રુ અગાગી હામ્મદાથાના પુત્ર હામાને યહૂદીઓનો નાશ કરવાની પેરવી કરી હતી. અને તેઓનો સંહાર કરીને તેઓનો વિનાશ કરવા માટે ચિઠ્ઠીઓ એટલે “પૂર” નાખી હતી. 25 પરંતુ જ્યારે તે વાતની રાજાને ખબર પડી, ત્યારે તેણે પોતાના પત્રો દ્વારા આજ્ઞા કરી કે, હામાને જે દુષ્ટ યોજના યહૂદીઓ વિરુદ્ધ યોજી હતી તેનો તેના કુટુંબીઓ જ ભોગ બને અને હામાનને તેના સંતાનો સાથે ફાંસીએ લટકાવવો જોઈએ.

26 આ કારણથી તેઓએ એ દિવસોનું ‘પૂર’ ઉપરથી પૂરીમ નામ પાડ્યું છે. એથી એ પત્રના સર્વ વચનોને લીધે તથા આ બાબત વિષે જે તેઓએ જોયું હતું તથા તેઓ પર જે આવી પડ્યું હતું, 27 તેને લીધે યહૂદીઓએ પોતાના તરફથી, પોતાના વંશજો તરફથી અને યહૂદીધર્મ પાળનારાઓ તરફથી પ્રતિવર્ષ આ બે દિવસો લેખ પ્રમાણે ઠરાવેલ સમયે અને મોર્દખાયની સૂચના મુજબ અચૂક ઊજવવાનું માન્ય રાખ્યું. 28 એ દિવસોને વંશપરંપરાગત પ્રત્યેક કુટુંબમાં, પ્રત્યેક પ્રાંતમાં, તથા પ્રત્યેક નગરમાં ઊજવ્યાં, જેથી એ પૂરીમના દિવસો યહૂદીઓ દ્વારા ઊજવવાનું બંધ ન થાય. અને તેઓના વંશજોમાંથી તેઓનો નાશ તથા વિસ્મરણ ન થાય. 29 ત્યાર બાદ પૂરીમ વિષે આ બીજો પત્ર મંજૂર થાય માટે અબિહાઈલની પુત્રી એસ્તેર રાણીએ અને યહૂદી મોર્દખાયે સંપૂર્ણ અધિકારથી પત્ર લખ્યો.

30 મોર્દખાયે અહાશ્વેરોશના રાજ્યના એકસો સત્તાવીસ પ્રાંતોમાંના સર્વ યહૂદીઓને સત્ય અને સલામતીના પ્રમાણભૂત પત્રો મોકલ્યા. 31 તે પત્રો એ જાણવા માટે મોકલવામાં આવ્યા હતા કે પૂરીમના દિવસો યહૂદી મોર્દખાય અને એસ્તેર રાણીએ આપેલા આદેશ પ્રમાણે અને જેમ તેઓએ પોતાને માટે તથા પોતાના સંતાનોને માટે ઉપવાસની તથા પોતાના વિલાપની બાબતમાં ઠરાવ કર્યો હતો, તે પ્રમાણે ઠરાવેલ સમયે પાળવાનો નિયમ કાયમ કરવામાં આવે. 32 એસ્તેરની આજ્ઞાથી પૂરીમની આ બાબતો કાયમ કરવામાં આવી. અને પુસ્તકમાં તેની નોંધ કરવામાં આવી.

<- એસ્તેર 8એસ્તેર 10 ->