4 તેથી રાજાએ પૂછ્યું, “આંગણામાં કોણ છે?” હવે જે ફાંસી હામાને મોર્દખાયને માટે તૈયાર કરાવી હતી તે પર એને ફાંસી આપવાનું રાજાને કહેવા માટે તે રાજમહેલના બહારના આંગણામાં આવ્યો હતો. 5 તેથી રાજાના સેવકોએ તેને કહ્યું કે, ‘આંગણામાં હામાન ઊભો છે.’ રાજાએ કહ્યું, ‘એને અંદર બોલાવો.” 6 “ત્યારે હામાન અંદર ગયો. એટલે રાજાએ તેને પૂછ્યું ‘જે માણસને માન આપવાની રાજાની ખુશી હોય તેને માટે શું કરવું જોઈએ?’ હવે હામાને મનમાં વિચાર્યું કે, મારા કરતાં બીજા કોને રાજા માન આપવા વધારે ખુશ થાય?”
7 એટલે હામાને રાજાને કહ્યું કે, “જે માણસને માન આપવાની રાજાની ખુશી હોય, 8 તેને માટે તો જે રાજપોશાક રાજાને પહેરવાનો રિવાજ છે તે તથા જે ઘોડા પર રાજા સવારી કરતા હોય તે, અને જે રાજમુગટ રાજાને માથે મુકાય છે તે લાવવા. 9 પછી તે પોશાક અને તે ઘોડો રાજાના સૌથી વધુ માનવંતા સરદારોમાંના એકના હાથમાં આપવા અને તે માણસને એ પોશાક પહેરાવી અને તેને ઘોડા પર બેસાડી અને નગરમાં ફેરવે અને તેની આગળ એમ પોકાર કરવામાં આવે કે, જેને માન આપવાની રાજાની ખુશી છે તે માણસને આ પ્રમાણે કરવામાં આવશે.”
10 ત્યારે રાજાએ હામાનને કહ્યું, “જલ્દી જા અને પોશાક અને ઘોડો લઈ આવીને રાજમહેલના દરવાજે બેઠેલા યહૂદી મોર્દખાયને તેં કહ્યું તે પ્રમાણે તું કર, તું જે બોલ્યો છે તે સઘળામાંથી કંઈ જ રહી જવું જોઈએ નહિ. 11 ત્યારે હામાને તે પોશાક મોર્દખાયને પહેરાવ્યો અને તેને ઘોડા પર બેસાડીને નગરના રસ્તે ફેરવીને તેની આગળ નેકી પોકારી કે, “જેને માન આપવાની રાજાની ખુશી છે તે માણસને એ પ્રમાણે કરવામાં આવશે.”
12 મોર્દખાય રાજાના મહેલને દરવાજે પાછો આવ્યો પણ હામાન શોક કરતો પોતાનું મોં છુપાવીને જલદીથી ઘરે ચાલ્યો ગયો. 13 પછી હામાને પોતાની પત્ની ઝેરેશને અને બધાં મિત્રોને જે બન્યું હતું તે બધું કહી સંભળાવ્યું. ત્યારે તેની પત્ની ઝેરેશે અને તેના મિત્રમંડળે તેને કહ્યું “મોર્દખાય કે જેની આગળ તારી પડતી થવા લાગી છે તે જો એક યહૂદી વંશનો હોય, તો તેની વિરુદ્ધ તારું કંઈ ચાલવાનું નથી, પણ તેની આગળ ચોક્કસ તું નાશ પામીશ.” 14 હજી તો તેઓ વાત કરી રહ્યાં હતાં એટલામાં રાજાના માણસો આવી પહોંચ્યા અને એસ્તેરે તૈયાર કરેલી મિજબાનીમાં હામાનને ઉતાવળે તેડી ગયા.
<- એસ્તેર 5એસ્તેર 7 ->