Link to home pageLanguagesLink to all Bible versions on this site
3
બિનયહૂદીઓની મધ્યે પાઉલનું સેવાક્ષેત્ર
1 એ કારણથી, હું પાઉલ તમો બિનયહૂદીઓને માટે ખ્રિસ્ત ઈસુનો બંદીવાન, 2 ઈશ્વરની જે કૃપા તમારે સારુ મને આપવામાં આવી છે, તેના કારભાર વિષે તમે સાંભળ્યું હશે કે.

3 પ્રકટીકરણથી તેમણે ઈશ્વરે મને જે મર્મ સમજાવ્યો, તે વિષે મેં અગાઉ સંક્ષિપ્તમાં લખ્યું; 4 તે વાંચીને તમે ખ્રિસ્તનાં મર્મ વિષેની મારી માહિતી જાણી શકશો. 5 જેમ અગાઉની પેઢીના માણસોના દીકરાઓને જાણવામાં આવ્યું ન હતું જેમ હમણાં તેમના પવિત્ર પ્રેરિતોને તથા પ્રબોધકોને પવિત્ર આત્મામાં પ્રગટ થયેલા છે.

6 એટલે કે બિનયહૂદીઓ, ખ્રિસ્ત ઈસુમાં સુવાર્તાદ્વારા, અમારા સાથી વારસો, તથા શરીરનાં સાથી અવયવો, તથા તેમના આશાવચનના સહભાગીદાર છે; 7 ઈશ્વરના સામર્થ્યના પરાક્રમથી તથા તેમના આપેલા કૃપાદાન પ્રમાણે, હું આ સુવાર્તાનો સેવક થયેલો છું.

8 હું સંતોમાં નાનામાં નાનો હોવા છતાં આ કૃપાદાન મને આપવામાં આવેલું છે કે, હું બિનયહૂદીઓમાં ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા પ્રગટ કરું; 9 અને ઈશ્વર જેમણે સર્વનું સર્જન કર્યું છે, તેમનાંમાં આરંભથી ગુપ્ત રહેલા મર્મનો વહીવટ શો છે તે હું સર્વને જણાવું.

10 એ સારુ કે જે સનાતન કાળનો ઇરાદો તેણે આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુમાં રાખ્યો, 11 તે સંકલ્પ પ્રમાણે સ્વર્ગીય સ્થાનોમાં અધિપતિઓને તથા અધિકારીઓને ઈશ્વરનું બહુ પ્રકારનું જ્ઞાન વિશ્વાસી સમુદાયદ્વારા જણાય.

12 તેઓ ખ્રિસ્ત ઈસુ માં તેમના પરના વિશ્વાસથી આપણને હિંમત તથા ભરોસાસહિત પ્રવેશ છે. 13 એ માટે હું માંગુ છું કે, તમારે માટે મને જે વિપત્તિ પડે છે તેથી તમે નાહિંમત થશો નહિ કેમ કે તે વિપત્તિ તો તમારો મહિમા છે.

ખ્રિસ્તનો પ્રેમ
14 એ કારણથી પિતા, 15 જેમનાં નામ પરથી સ્વર્ગનાં તથા પૃથ્વી પરનાં સર્વ કુટુંબને નામ આપવામાં આવે છે, 16 તે પિતા ની આગળ હું ઘૂંટણે પડીને વિનંતી કરું છું, કે તે ઈશ્વર પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે તેમના પવિત્ર આત્મા દ્વારા તમને આંતરિક મનુષ્યત્વમાં સામર્થ્યથી બળવાન કરે.

17 અને વિશ્વાસથી તમારાં હૃદયોમાં ખ્રિસ્ત વસે; જેથી તમારાં મૂળ પ્રેમમાં રોપીને અને તેનો પાયો દૃઢ કરીને, 18 સર્વ સંતોની સાથે ખ્રિસ્તનાં પ્રેમની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ તથા ઊંડાઈ કેટલી છે તે તમે સમજી શકો, 19 ખ્રિસ્તનો પ્રેમ જે માણસની સમજશક્તિની મર્યાદાની બહાર છે તે પણ તમે સમજી શકો; કે તમે ઈશ્વરની પરિપૂર્ણતા પ્રમાણે સંપૂર્ણ થાઓ.

20 હવે આપણે માગીએ કે કલ્પીએ તે કરતાં, જે આપણામાં કાર્ય કરનાર સામર્થ્ય પ્રમાણે, આપણે સારુ પુષ્કળ કરી શકે છે, 21 તેમને ઈશ્વરને ખ્રિસ્ત ઈસુમાં તથા વિશ્વાસી સમુદાયમાં સર્વકાળ પેઢી દરપેઢી મહિમા હો. આમીન.

<- એફેસીઓને પત્ર 2એફેસીઓને પત્ર 4 ->