Link to home pageLanguagesLink to all Bible versions on this site

1 મેં પૃથ્વી પર માણસોને માથે એક સામાન્ય ભારે દુ:ખ નિહાળ્યું છે. 2 એટલે જેને ઈશ્વરે ધન-સંપત્તિ અને સન્માન આપ્યા છે કે જે કંઈ તે ઇચ્છે છે તે સર્વમાં તેના મનને કશી ખોટ પડશે નહિ. પરંતુ તેનો ઉપભોગ કરવાની શક્તિ તેને આપતા નથી. પણ બીજો કોઈ તેનો ઉપભોગ કરે છે. આ પણ વ્યર્થતા તથા ભારે દુ:ખ છે.

3 જો કોઈ મનુષ્યને સો સંતાનો હોય અને તે પોતે દીર્ઘાયુષ્ય ભોગવે પણ જો તે સુખી ન હોય અને તેનું દફન પણ ન થાય તો હું કહું છું કે, એના કરતાં ગર્ભપાતથી તે મૃતાવસ્થામાં જન્મ્યો હોત તો સારો થાત. 4 કેમ કે તે વ્યર્થતારૂપ આવે છે અને અંધકારમાં જતો રહે છે. અને તેનું નામ પણ અંધકારથી ઢંકાઈ જાય છે.

5 વળી તેણે સૂર્યને જોયો નથી અને તેણે કશું જાણ્યું પણ નથી પેલાના કરતાં તો તેને વધારે નિરાંત છે. 6 જો તેનું આયુષ્ય હજાર વર્ષ કરતાં પણ બમણું હોય અને છતાંય તે કંઈ સુખ ભોગવે નહિ, શું બધાં એક જ ઠેકાણે નથી જતાં?

7 મનુષ્યની સર્વ મહેનત તેના પોતાના પેટ માટે છે.
છતાં તેની ક્ષુધા તૃપ્ત થતી નથી.
8 વળી મૂર્ખ કરતાં જ્ઞાનીને કયો વધારે લાભ મળે છે?
અથવા જીવતાઓની આગળ વર્તવાની રીત સમજનાર
ગરીબ માણસને શું મળે છે?
9 ભટકતી ઇચ્છાઓ કરતાં આંખે જોવું તે વધારે ઇષ્ટ છે.
એ પણ વ્યર્થ તથા પવનને મૂઠ્ઠીમાં ભરવાં જેવું છે.
10 હાલ જે કંઈ છે તેનું નામ પહેલેથી પાડવામાં આવ્યું છે. તે મનુષ્ય છે એ વાત જાણવામાં આવેલી છે. જે તેના કરતાં વધારે બળવાન છે તેની સામે તે બાથ ભીડી શકતો નથી.
11 વ્યર્થતાની વૃદ્ધિ કરનારી ઘણી વાતો છે,
તેથી માણસને શો ફાયદો થયો છે?

12 કારણ કે મનુષ્ય છાયાની જેમ પોતાનું જીવન વ્યર્થ ગુમાવે છે, તેના જીવનના સર્વ દિવસોમાં તેને માટે શું સારું છે તે કોણ જાણે છે? કેમ કે કોઈ માણસની પાછળ દુનિયામાં શું થવાનું છે તે તેને કોણ કહી શકે?

<- સભાશિક્ષક 5સભાશિક્ષક 7 ->