Link to home pageLanguagesLink to all Bible versions on this site
5
વચન આપવામાં કે માનતા માનવામાં ઉતાવળો ન થા
1 ઈશ્વરના ઘરમાં તું જાય ત્યારે તારાં પગલાં સંભાળ કેમ કે મૂર્ખો ખોટા કામ કરે એવું તેઓ જાણતા નથી. તેથી તેમના યજ્ઞાર્પણ કરતાં શ્રવણ કરવા પાસે જવું તે વધારે ઉચિત છે.
2 તારા મુખેથી અવિચારી વાત કરીશ નહિ
અને ઈશ્વરની સંમુખ કંઈપણ બોલવા માટે તારું અંત:કરણને ઉતાવળું ન થવા દે.
કેમ કે ઈશ્વર આકાશમાં છે અને તું તો પૃથ્વી પર છે
માટે તારા શબ્દો થોડા જ હોય.
3 અતિશય શ્રમની ચિંતાથી સ્વપ્નો આવે છે.
અને બહુ બોલવાથી મૂર્ખની મૂર્ખાઇ ઉઘાડી પડી જાય છે.

4 જ્યારે તમે ઈશ્વર સમક્ષ માનતા લો તો તે પૂર્ણ કરવામાં વિલંબ ન કરો. કેમ કે ઈશ્વર મૂર્ખો પર રાજી હોતા નથી તારી માનતા પૂરી કર. 5 તમે માનતા માનીને તે ન પાળો તેના કરતાં માનતા ન લો તે વધારે ઉચિત છે.

6 તારા મુખને લીધે તારા શરીર પાસે પાપ કરાવવા ન દે, તેમ જ ઈશ્વરના દૂતની સમક્ષ તું એમ કહેતો નહિ કે મારાથી એ ભૂલ થઈ ગઈ. શા માટે તારા બોલવાથી ઈશ્વર કોપાયમાન થાય અને તારા હાથનાં કામનો નાશ કરે? 7 કેમ કે અતિશય સ્વપ્નોથી, વ્યર્થ વિચારો કરવાથી અને ઝાઝું બોલવાથી એમ થાય છે માટે તું ઈશ્વરનો ડર રાખ.

ધનની વ્યર્થતા
8 જો ગરીબો પર થતા અત્યાચાર અને દેશમાં ન્યાયને ઊંધા વાળતા તું જુએ તો તે વાતથી આશ્ચર્ય પામીશ નહિ, કેમ કે ઉચ્ચ કરતાં જે સર્વોચ્ચ છે તે લક્ષ આપે છે. 9 પૃથ્વીની ઊપજ તો સર્વને માટે છે. અને રાજાને પણ તેના ખેતરથી મદદ મળે છે.
10 રૂપાનો લોભી ચાંદીથી સંતુષ્ટ થશે નહિ.
સમૃદ્ધિનો લોભી સમૃદ્ધિથી સંતોષ પામશે નહિ.
11 દોલત વધે છે ત્યારે તેને ખાનારા પણ વધે છે.
અને તેથી તેના માલિકને,
નજરે જોયા સિવાય બીજો શો લાભ થાય છે?
12 મજૂર ગમે તો ઓછું ખાય કે વધારે ખાય
તોપણ તે શાંતિથી ઊંઘી શકે છે.
પણ દ્રવ્યવાનની સમૃદ્ધિ તેને ઊંઘવા દેતી નથી.

13 મેં પૃથ્વી પર એક ભારે દુઃખ જોયું છે.

એટલે દ્રવ્યનો માલિક પોતાના નુકસાનને માટે જ દ્રવ્ય-સંગ્રહ કરી રાખે છે તે.
14 પરંતુ તે દ્રવ્ય અવિચારી સાહસને કારણે ચાલ્યું જાય છે
અને જો તેને પોતાનો દીકરો હોય તો તેના હાથમાં પણ કશું રહેતું નથી
15 જેવો તે પોતાની માતાના ગર્ભમાંથી નિવસ્ત્રસ્થિતિમાં*ખાલી હાથ બહાર હતો
એ જ સ્થિતિમાં તે પાછો જાય છે.
તે પોતાના પરિશ્રમ બદલ તેમાંથી કંઈ પણ સાથે લઈ જવા પામશે નહી. 16 આ પણ એક ભારે દુ:ખ છે કે,
સર્વ બાબતોમાં જેવો તે આવ્યો હતો તે જ સ્થિતિમાં તેને પાછા જવું પડે છે
પવનને માટે પરિશ્રમ કરવાથી તેને શો લાભ થાય છે?
17 વળી તેનું સમગ્ર આયુષ્ય અંધકારમાં જાય છે,
અને શોક, રોગ અને ક્રોધથી તે હેરાન થાય છે.

18 જુઓ, મનુષ્ય માટે જે સારી અને શોભતી બાબત મેં જોઈ છે તે એ છે કે, ઈશ્વરે તેને આપેલા આયુષ્યના સર્વ દિવસોમાં ખાવું, પીવું અને દુનિયામાં જે સઘળો શ્રમ કરે છે તેમાં મોજમજા માણવી કેમ કે એ જ તેનો હિસ્સો છે.

19 અને જો ઈશ્વરે તેને દ્રવ્ય તથા ધન આપ્યું છે અને તેનો ઉપભોગ કરવાની, પોતાનો હિસ્સો લેવાની તથા તેને પોતાની મહેનતથી આનંદ માણવાની શક્તિ આપી છે. એવા દરેક માણસે જાણવું કે તે ઈશ્વર તરફથી મળતી ભેટ છે. 20 તેના જીવનના દિવસોનું તેને બહુ સ્મરણ રહેશે નહિ કેમ કે તેના અંત:કરણનો આનંદ એ તેને ઈશ્વરે આપેલો ઉત્તર છે.

<- સભાશિક્ષક 4સભાશિક્ષક 6 ->