Link to home pageLanguagesLink to all Bible versions on this site

1 ત્યારબાદ મેં પાછા ફરીને વિચાર કર્યો,

અને પૃથ્વી પર જે જુલમ કરવામાં આવે છે. તે સર્વ મેં નિહાળ્યા.
જુલમ સહન કરનારાઓનાં આંસુ પડતાં હતાં.
પણ તેમને સાંત્વના આપનાર કોઈ નહોતું,
તેઓના પર ત્રાસ કરનારાઓ શક્તિશાળી હતાં.
2 તેથી મને લાગ્યું કે જેઓ હજી જીવતાં છે
તેઓ કરતાં જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ વધારે સુખી છે
3 વળી તે બન્ને કરતાં જેઓ હજી જન્મ્યા જ નથી
અને જેઓએ પૃથ્વી પર થતાં ખરાબ કૃત્યો જોયા નથી તેઓ વધારે સુખી છે.

4 વળી મેં સઘળી મહેનત અને ચતુરાઈનું દરેક કામ જોયું અને એ પણ જોયું કે તેના લીધે માણસ ઉપર તેનો પડોશી ઈર્ષ્યા કરે છે. એ પણ વ્યર્થ તથા પવનથી મુઠી ભરવા જેવું છે.

5 મૂર્ખ કામ કરતો નથી,
અને પોતાની જાત પર બરબાદી લાવે છે.
6 અતિ પરિશ્રમ કરવા દ્વારા પવનમાં ફાંફાં મારીને પુષ્કળ કમાણી કરવી
તેના કરતાં શાંતિસહિત થોડું મળે તે વધારે સારું છે.

7 પછી હું પાછો ફર્યો અને મેં પૃથ્વી ઉપર વ્યર્થતા જોઈ.

8 જો માણસ એકલો હોય
અને તેને બીજું કોઈ સગુંવહાલું ન હોય, તેને દીકરો પણ ન હોય કે ભાઈ પણ ન હોય
છતાંય તેના પરિશ્રમનો પાર હોતો નથી.
અને દ્રવ્યથી તેને સંતોષ નથી
તે વિચારતો નથી કે “હું આ પરિશ્રમ કોના માટે કરું છું”
અને મારા જીવને દુઃખી કરું છું?
આ પણ વ્યર્થતા છે હા, મોટું દુઃખ છે.
9 એક કરતાં બે ભલા;
કેમ કે તેઓએ કરેલી મહેનતનું ફળ તેઓને મળે છે.
10 જો બેમાંથી એક પડે તો બીજો તેને ઉઠાડશે.
પરંતુ માણસ એકલો હોય,
અને તેની પડતી થાય તો તેને મદદ કરનાર કોઈ જ ન હોય તો તેને અફસોસ છે.
11 જો બે જણા સાથે સૂઈ જાય તો તેઓને એક બીજાથી હૂંફ મળે છે.
પણ એકલો માણસ હૂંફ કેવી રીતે મેળવી શકે?
12 એકલા માણસને હરકોઈ હરાવે
પણ બે જણ તેને જીતી શકે છે
ત્રેવડી વણેલી દોરી સહેલાઈથી તૂટતી નથી.

13 કોઈ વૃદ્ધ અને મૂર્ખ રાજા કે જે કોઈની સલાહ સાંભળતો ન હોય તેના કરતાં ગરીબ પણ જ્ઞાની યુવાન સારો હોય છે. 14 કેમ કે જો તેના રાજ્યમાં દરિદ્રી જન્મ્યો હોય તોપણ તે જેલમાંથી મુકત થઈને રાજા થયો.

15 પૃથ્વી પરના સર્વ મનુષ્યોને મેં જોયા તો તેઓ બધા પોતાની જગ્યાએ ઊભા થનાર પેલા બીજા યુવાનની સાથે હતા. 16 જે સર્વ લોકો ઉપર તે રાજા હતો તેઓનો પાર નહોતો તોપણ તેની પછીની પેઢીના લોકો તેનાથી ખુશ નહોતા. નિશ્ચે એ પણ વ્યર્થ અને પવનથી મુઠી ભરવા જેવું છે.

<- સભાશિક્ષક 3સભાશિક્ષક 5 ->