Link to home pageLanguagesLink to all Bible versions on this site
7
ઈશ્વરના ખાસ લોકો
નિર્ગ. 34:11-16

1 જે દેશનું વતન પામવા માટે તું જાય છે ત્યાં યહોવાહ તારા ઈશ્વર તને લઈ જશે, તારી આગળથી અનેક પ્રજાઓને કાઢી મૂકશે, એટલે હિત્તીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓ, જે તારા કરતાં મોટી તથા જોરાવર સાત પ્રજાઓ છે; તેઓને ત્યાંથી નસાડી મૂકશે.

2 જયારે યહોવાહ તારા ઈશ્વર તને યુદ્ધમાં તેઓની સામે વિજય અપાવે, ત્યારે તું તેઓ પર હુમલો કર અને તેઓનો તદ્દન નાશ કર. તારે તેઓની સાથે કંઈ કરાર કરવો નહિ કે દયા દર્શાવવી નહિ. 3 તારે તેઓની સાથે લગ્ન વ્યવહાર રાખવો નહિ; તેમ જ તારે તારી દીકરીઓનાં લગ્ન તેઓના દીકરાઓ સાથે અને તારા દીકરાઓના લગ્ન તેઓની દીકરીઓ સાથે કરાવવાં નહિ.

4 કેમ કે તેઓ તારા દીકરાઓને મારી આરાધના કરતાં અટકાવશે જેથી તેઓ બીજા દેવોની સેવા કરે. કે જેથી યહોવાહનો ગુસ્સો તમારી વિરુદ્ધ ઊઠે અને તેઓ જલ્દી તમારો નાશ કરે. 5 તમારે તેઓ સાથે આ પ્રમાણે વર્તવું; તેઓની વેદીઓને તોડી પાડવી, તેઓના સ્તંભોને ભાગીને ટુકડા કરી નાખવા, તેઓની અશેરા મૂર્તિઓને કાપી નાખવી અને તેઓની કોતરેલી મૂર્તિઓને બાળી નાખવી.

6 કેમ કે તમે યહોવાહ તમારા ઈશ્વરના પવિત્ર લોકો છો. યહોવાહ તમારા ઈશ્વરે પૃથ્વીની સપાટી પરની બધી પ્રજાઓમાંથી તમને જ પોતાની પ્રજા થવા માટે પસંદ કર્યા છે.

7 તમે બીજા લોકો કરતા સંખ્યામાં વધારે હતા તેને કારણે યહોવાહે તમારા પર પ્રેમ રાખ્યો અને તમને પસંદ કર્યા છે એવું નથી; કેમ કે તમે તો બધા લોકો કરતાં સૌથી ઓછા હતા. 8 પણ યહોવાહ તમને પ્રેમ કરે છે, તમારા પિતૃઓને આપેલી પ્રતિજ્ઞા પાળવા તેઓ ઇચ્છે છે. તે માટે યહોવાહ તમને પરાક્રમી હાથ વડે બહાર લાવ્યા અને ગુલામીના ઘરમાંથી એટલે મિસરના રાજા ફારુનના હાથમાંથી સ્વતંત્ર કર્યા છે.

9 તે માટે તારે જાણવું કે યહોવાહ તમારા ઈશ્વર છે, તે ઈશ્વર છે, તે વિશ્વાસુ ઈશ્વર છે, જે તેમના પર પ્રેમ રાખે છે અને તેમની આજ્ઞાઓ પાળે છે તેમની હજારો પેઢીઓ સુધી કરાર પાળવા માટે તે વિશ્વાસુ છે. 10 પણ જેઓ તેમનો તિરસ્કાર કરે છે તેમનો સામી છાતીએ બદલો લઈને તે નષ્ટ કરે છે; જે કોઈ તેમનો તિરસ્કાર કરે છે તેમનો બદલો લેવામાં તે વિલંબ નહિ કરે; તે બદલો વાળશે. 11 માટે જે આજ્ઞાઓ, કાનૂનો તથા વિધિઓ આજે હું તને ફરમાવું છું, તે પાળીને તું તેનો અમલ કર.

આજ્ઞાપાલનનો આશીર્વાદ
પુન. 28:1-14

12 જો તમે આ હુકમો સાંભળીને તેનું પાલન કરશો અને અમલમાં મૂકશો, તો એવું થશે કે જે કરાર તથા દયા વિષે યહોવાહ તમારા ઈશ્વરે તમારા પિતૃઓ સાથે પ્રતિજ્ઞા લીધી છે, તે તમારી પ્રત્યે તે અદા કરશે. 13 તે તારા પર પ્રેમ રાખશે, તને આશીર્વાદ આપશે તથા તને વધારશે; જે દેશ તને તારા પિતૃઓને આપવાની પ્રતિજ્ઞા લીધી છે, તેમાં તે તારા પેટના ફળને તથા તારી ભૂમિના ફળને આશીર્વાદ આપશે, તારા અનાજને, તારા દ્રાક્ષારસને, તારા તેલને, તારા પશુઓના વિસ્તારને તથા તારા જુવાન ટોળાને આશીર્વાદ આપશે.

14 બીજા લોકો કરતાં તું વધારે આશીર્વાદિત થશે. તમારી વચ્ચે કે તમારા પશુઓ મધ્યે કોઈ નર કે નારી વાંઝણું રહેશે નહિ. 15 યહોવાહ તારી બધી બીમારી દૂર કરશે; મિસરના ખરાબ રોગો જેની તને ખબર છે તેઓમાંનો કોઈ પણ તેઓ તારા પર લાવશે નહિ. પણ જેઓ તારો તિરસ્કાર કરે છે તેના પર લાવશે.

16 જે બધી પ્રજાઓ પર યહોવાહ તારા ઈશ્વર તને જય અપાવશે તેઓનો તારે ઉપભોગ કરવો, તારી આંખ તેઓ પર દયા લાવે નહિ. તારે તેઓનાં દેવોની પૂજા કરવી નહિ, કેમ કે તે તારા માટે ફાંદારૂપ થશે.

17 જો તું તારા મનમાં એમ કહેશે કે, “આ જાતિઓ મારા કરતાં સંખ્યામાં વધારે છે; હું કેવી રીતે તેઓને પરાજિત કરી શકું?” 18 તું તેઓથી બીશ નહિ; યહોવાહ તારા ઈશ્વરે ફારુન તથા આખા મિસરને જે કર્યું તે તારે યાદ રાખવું; 19 એટલે જે ભારે દુઃખો તેં તારી આંખોથી જોયાં તે, ચિહ્નો, ચમત્કારો, પરાક્રમી હાથ તથા સામર્થ્ય દેખાડીને યહોવાહ તારા ઈશ્વર તને મિસરમાંથી બહાર લાવ્યા. જે લોકોથી તું ડરે છે તેઓને યહોવાહ તારા ઈશ્વર તેવું જ કરશે.

20 વળી, યહોવાહ તારા ઈશ્વર તેઓની મધ્યે ભમરીઓ*મરકીઓ મોકલશે, જેઓ તારાથી બચી રહ્યા હશે અને તારાથી સંતાઈ રહ્યા હશે તેઓનો તારી હજૂરમાંથી નાશ કરશે. 21 તું તેઓથી ભયભીત થઈશ નહિ, કેમ કે, યહોવાહ તારા ઈશ્વર તારી મધ્યે છે, મહાન અને ભયાવહ ઈશ્વર છે. 22 યહોવાહ તારા ઈશ્વર ધીમે ધીમે તારી આગળથી તે પ્રજાઓને હાંકી કાઢશે. તું એકદમ તેઓનો પરાજય કરીશ નહિ, રખેને જંગલી પશુઓ વધી જાય અને તને હેરાન કરે.

23 જ્યારે તું તેઓ સાથે યુદ્ધ કરીશ, ત્યારે યહોવાહ તારા ઈશ્વર તને તેઓ પર વિજય આપશે; જ્યાં સુધી તેઓનો નાશ ન થાય ત્યાં સુધી તે તેઓને ગૂંચવશે. 24 યહોવાહ તેઓના રાજાઓને તમારા હાથમાં સોંપી દેશે અને તમે તેઓનું નામ આકાશ તળેથી નાબૂદ કરી દેશો. અને તેમનો નાશ થશે નહિ ત્યાં સુધી કોઈ માણસ તમારી આગળ ટકી શકશે નહિ.

25 તેઓના દેવદેવીઓની કોતરેલી મૂર્તિઓ તમારે આગથી બાળી નાખવી. તેઓના શરીર પરના રૂપા પર કે સોના પર તમે લોભ કરશો નહિ. રખેને તમે તેમાં ફસાઈ પડો; કેમ કે યહોવાહ તમારા ઈશ્વરની નજરમાં તે શ્રાપિત છે. 26 માટે તમે કોઈ ધિક્કારપાત્ર વસ્તુ તમારા ઘરમાં લાવી તેની સેવા કરવી નહિ, તમારે તેને ધિક્કારવું અને તમારે તેનાથી કંટાળવું; કેમ કે તે શાપિત વસ્તુ છે.

<- પુનર્નિયમ 6પુનર્નિયમ 8 ->