Link to home pageLanguagesLink to all Bible versions on this site
34
મૂસાનું મૃત્યુ
1 મૂસા મોઆબના મેદાનમાંથી યરીખોની સામે આવેલા નબો પર્વત પર, પિસ્ગાહના શિખર પર ચઢયો. યહોવાહે તેને દાન સુધીનો આખો ગિલ્યાદ દેશ, 2 આખો નફતાલીનો પ્રદેશ, એફ્રાઇમ તથા મનાશ્શાનો પ્રદેશ, પશ્ચિમ સમુદ્ર સુધીનો યહૂદાનો આખો પ્રદેશ, 3 નેગેબનો પ્રદેશ અને ખજૂરીઓના નગર યરીખોથી સોઆર સુધીનો સપાટ પ્રદેશ બતાવ્યો.

4 યહોવાહે તેને કહ્યું, “જે દેશ વિષે મેં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને સમ ખાઈને કહ્યું હતું કે, ‘હું તારા વંશજોને આપીશ તે આ છે.’ મેં તે દેશ તને તારી આંખે જોવા દીધો છે, પણ તું તેમાં પ્રવેશ કરવા નહિ પામે.” 5 આમ, યહોવાહનો સેવક મૂસા યહોવાહના વચન પ્રમાણે મોઆબની ભૂમિમાં મરણ પામ્યો. 6 યહોવાહે તેને મોઆબના દેશમાં બેથ-પેઓરની સામેની ખીણમાં દફનાવ્યો, પરંતુ આજ સુધી કોઈ તેની કબર વિષે જાણતું નથી.

7 મૂસા મરણ પામ્યો ત્યારે તે એક સો વીસ વર્ષનો હતો. તેના શરીરનું બળ ઓછું થયું નહોતું કે તેની આંખો ઝાંખી થઈ નહોતી. 8 મોઆબના મેદાનમાં ઇઝરાયલીઓએ ત્રીસ દિવસ સુધી મૂસાના માટે શોક પાળ્યો, ત્યાર બાદ મૂસા માટેના શોકના દિવસો પૂરા થયા.

9 નૂનનો દીકરો યહોશુઆ ડહાપણના આત્માથી ભરપૂર હતો, કેમ કે મૂસાએ તેના પર પોતાના હાથ મૂક્યા હતા. તેથી ઇઝરાયલી લોકોએ તેનું સાંભળ્યું અને યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું.

10 ઇઝરાયલમાં મૂસા જેવો કોઈ બીજો પ્રબોધક ઊઠયો નથી, તેની સાથે ઈશ્વર જેને યહોવાહ મુખોપમુખ વાત કરતા હતા. 11 મિસર દેશમાં ફારુન પર તથા તેના ચાકરો પર તથા તેના આખા દેશ પર યહોવાહે તેને જે બધા ચમત્કારો તથા ચિહ્નો કરવા મોકલ્યો તેના જેવો બીજા કોઈ પ્રબોધક નથી. 12 આખી ઇઝરાયલી પ્રજાના દેખતાં મૂસાએ જે મહાન અને આશ્ચર્યજનક કૃત્યો કર્યા, તેવાં કૃત્યો બીજો કોઈ પ્રબોધક કરી શકયો નથી.

<- પુનર્નિયમ 33