Link to home pageLanguagesLink to all Bible versions on this site
31
મૂસાનો અનુગામી યહોશુઆ
1 મૂસાએ જઈને આ બધી વાતો આખા ઇઝરાયલને કહી. 2 તેણે તેઓને કહ્યું, “હવે હું એકસો વીસ વર્ષનો થયો છું; હું બહાર જઈ શકતો નથી કે અંદર આવી શકતો નથી, યહોવાહે મને કહ્યું કે, ‘તું યર્દન નદી પાર જવા પામશે નહિ.’ 3 યહોવાહ તારા ઈશ્વર તારી આગળ પાર જશે; તે તારી આગળથી પ્રજાઓનો નાશ કરશે અને તું તેઓનું વતન પામશે. યહોવાહની આજ્ઞા પ્રમાણે યહોશુઆ તમારી આગળ જશે.

4 અમોરીઓના રાજાઓ સીહોન તથા ઓગ તેઓના દેશ જેમનો યહોવાહે નાશ કર્યો, તેઓને જેમ તેમણે કર્યું તેમ તે તેઓને કરશે. 5 અને યહોવાહ તે લોકોને તમારા હાથમાં સુપ્રત કરશે અને તમારે તેમની સાથે મેં તમને આજ્ઞા કરી છે તે મુજબ વર્તવુ. 6 બળવાન તથા હિંમતવાન થાઓ, બીહો નહિ, તેઓથી ભયભીત ન થાઓ, કેમ કે, જે તમારી સાથે જાય છે તે તો યહોવાહ તમારા ઈશ્વર છે. તે તમને છોડી દેશે નહિ કે તમને તજી દેશે નહિ.”

7 મૂસાએ યહોશુઆને બોલવીને બધા ઇઝરાયલીઓની નજર સમક્ષ તેને કહ્યું, “બળવાન તથા હિંમતવાન થા, કેમ કે જે દેશ યહોવાહ તારા ઈશ્વરે આ લોકોને આપવાનું તારા પિતૃઓ આગળ વચન આપ્યું છે, તેમાં તું તેઓની સાથે જશે. તું તે લોકોને દેશનો વારસો અપાવશે. 8 જે તારી આગળ જાય છે, તે તો યહોવાહ છે; તે તારી સાથે રહેશે, તે તને છોડી દેશે નહિ કે તને તજી દેશે નહિ, માટે તું ગભરાઈશ નહિ કે નાહિંમત થઈશ નહિ.”

દર સાત વર્ષે લોકોને આ નિયમશાસ્‍ત્ર વાંચી સંભળાવવું
9 મૂસાએ આ નિયમ લખીને યહોવાહના કરારકોશ ઊંચકનાર લેવી યાજકોને તથા ઇઝરાયલના બધા આગેવાનોને તેની એક એક નકલ આપી. 10 મૂસાએ તેઓને આજ્ઞા કરીને કહ્યું, “દર સાતમા વર્ષને અંતે એટલે કે છુટકારાના વર્ષને ઠરાવેલે સમયે, માંડવાપર્વમાં, 11 જયારે બધા ઇઝરાયલીઓ યહોવાહ તમારા ઈશ્વરે પસંદ કરેલા સ્થળે હાજર થાય, ત્યારે બધા ઇઝરાયલની આગળ તેઓના સાંભળતાં તમે આ નિયમ વાંચજો.

12 લોકોને એટલે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો તેમ જ તારી ભાગળમાં વસતા પરદેશીઓને એકત્ર કરજો જેથી તેઓ સાંભળે તથા શીખે અને યહોવાહ તમારા ઈશ્વરનો ડર રાખે અને આ નિયમોનું કાળજીપૂર્વક પાલન કરે. 13 અને તેઓના સંતાનો કે જેઓ જાણતા નથી તેઓ પણ સાંભળી અને જે દેશનું વતન પામવાને તમે યર્દન નદી ઊતરીને ત્યાં જાઓ છો તેમાં, જ્યાં સુધી તમે જીવતા રહો ત્યાં સુધી યહોવાહ તમારા ઈશ્વરથી બીતા શીખો.

મૂસાને પ્રભુની છેલ્લી સૂચનાઓ
14 પછી યહોવાહે મૂસાને કહ્યું, “જો, તારો મૃત્યુનો સમય નજીક આવી રહ્યો છે. યહોશુઆને બોલાવ અને તમે બન્ને મુલાકાતમંડપમાં મારી પાસે આવો, જેથી હું તને મારી આજ્ઞા આપું.” તેથી મૂસા અને યહોશુઆ ગયા અને મુલાકાતમંડપમાં ઉપસ્થિત રહ્યા. 15 અને યહોવાહ તંબુની અંદર મેઘસ્તંભમાં દેખાયા; અને તે મેઘસ્તંભ તંબુના દ્વારની સામે સ્થિર રહ્યો.

16 યહોવાહે મૂસાને કહ્યું, “જો તું તારા પિતૃઓની સાથે ઊંઘી જશે; અને આ લોકો ઊઠશે અને જે દેશમાં તેઓ વસવા જઈ રહ્યા છે તેમાં જઈ તેઓ અન્ય દેવોની પાછળ ગણિકાવૃતિ કરશે અને મારો ત્યાગ કરશે. અને મારો કરાર જે મેં તેઓની સાથે કર્યો તેનો તેઓ ભંગ કરશે.

17 ત્યારે મારો કોપ તે લોકો પર સળગી ઊઠશે અને હું તેઓને તજી દઈશ તથા તેઓનાથી વિમુખ થઈ જઈશ. અને તેઓ ભક્ષ થઈ પડશે. તેઓના પર અનેક આફતો અને સંકટો ઊતરશે ત્યારે તેઓ કહેશે કે, ‘આપણા ઈશ્વર આપણી વચ્ચે નથી તેથી આ બધાં સંકટો આપણા પર આવી પડ્યાં નથી શું? 18 પણ તેઓએ અન્ય દેવોની પાછળ જઈને જે સર્વ દુષ્ટતા કરી હશે તેને કારણે જરૂર હું તેઓનાથી તે દિવસે મારું મુખ સંતાડીશ.

19 હવે આ ગીત તમે પોતાને માટે લખી લો અને તે તમે ઇઝરાયલપુત્રોને શીખવજો, તેઓને તે રટણ કરવા કહો કે જેથી આ ગીત ઇઝરાયલપુત્રોની વિરુદ્ધ મારા માટે સાક્ષીરૂપ થાય. 20 કેમ કે જે દૂધમધથી ભરપૂર દેશ વિષે મેં તેઓના પિતૃઓની આગળ સમ ખાધા હતા, તેમાં જ્યારે હું તેઓને લઈ જઈશ ત્યારે તેઓ ખાઈને તથા તૃપ્ત થઈને પુષ્ટ થશે; અને તેઓ અન્ય દેવો તરફ વળી જઈને તેઓની સેવા કરશે અને મને ધિક્કારશે અને મારો કરાર તોડશે.

21 અને તેઓના પર ભયંકર દુઃખ તથા સંકટ આવી પડે ત્યારે આ ગીત સાક્ષીરૂપે તેઓની આગળ શાહેદી પૂરશે; કેમ કે તે તેઓના વંશજો ભૂલી જશે નહિ. કે અત્યારે પણ, એટલે જે દેશ વિષે મેં સમ ખાધા હતા તેમાં હું તેઓને લાવું. તે પહેલાં તેઓ જે મનસૂબા ઘડે છે તે હું જાણું છું.”

22 તેથી તે જ દિવસે મૂસાએ આ ગીત લખ્યું. અને ઇઝરાયલપુત્રોને તે શીખવ્યું. 23 પછી યહોવાહે નૂનના પુત્ર યહોશુઆને સોંપણી કરી અને તેને કહ્યું, “બળવાન તથા હિંમતવાન થા; કારણ કે, ઇઝરાયલપુત્રોને મેં જે દેશ આપવાને મેં સમ ખાધા હતા તેમાં તારે એમને લઈ જવાના છે, અને હું તારી સાથે રહીશ.”

24 જયારે મૂસાએ આ નિયમોના શબ્દો શરૂથી અંત સુધી પુસ્તકમાં લખવાનું પૂર્ણ કર્યું ત્યારે એમ થયું કે, 25 મૂસાએ યહોવાહના કરારકોશને ઊંચકનારા લેવીઓને આજ્ઞા કરી કે, 26 “આ નિયમનું પુસ્તક લો અને તેને યહોવાહ તમારા ઈશ્વરના કરારકોશની સાથે રાખો કે, જેથી એ તમારી વિરુદ્ધ સાક્ષી તરીકે ત્યાં રહે.

27 કેમ કે હું તમારા જડ ગર્દન અને હઠીલાઈ જાણું છું. જુઓ, હું આજે હજી તો તમારી વચ્ચે જીવતો છું છતાં આજે તમે યહોવાહની આજ્ઞાનું ઉલ્લંઘન કરો છો; તો મારા મૃત્યુ પછી તો તમે શું નહિ કરો? 28 તમારા કુળોના સર્વ વડીલો અને અમલદારોને મારી આગળ એકત્ર કરો કે, જેથી હું તેઓના સાંભળતાં આ વચનો કહું અને તેઓની વિરુદ્ધ આકાશ તથા પૃથ્વીને સાક્ષી તરીકે રાખું.

29 મને ખબર છે કે મારા મૃત્યુ પછી તમે દુષ્ટ થશો અને જે માર્ગે મેં તમને ચાલવાનું કહ્યું છે તેમાંથી ભટકી જશો; તેથી ભવિષ્યમાં તમારા પર દુઃખ આવી પડશે. કારણ કે યહોવાહની નજરમાં જે દુષ્ટ છે તે કરીને તમે તમારા હાથનાં કામથી તમે યહોવાહને ક્રોધ ચઢાવશો.”

મૂસાની વિદાયગીત
30 પછી મૂસાએ ઇઝરાયલની સમગ્ર સભાને સાંભળતાં એ આખા ગીતનાં વચનો શરૂથી અંત સુધી કહી સંભળાવ્યા.

<- પુનર્નિયમ 30પુનર્નિયમ 32 ->