Link to home pageLanguagesLink to all Bible versions on this site
16
પાસ્ખાપર્વ
નિર્ગ. 12:1-20

1 આબીબ*હીબ્રુ કલેન્ડરમાં આબીબ પહેલો મહિનો હતો. તેને “નિસાન” પણ કહેવાતું હતું. માસ ધ્યાન રાખીને યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે પાસ્ખાપર્વ પાળો; કેમ કે આબીબ માસમાં યહોવાહ તમારા ઈશ્વર તમને રાત્રે મિસરમાંથી બહાર લઈ આવ્યા. 2 અને પોતાનું નામ રાખવા માટે યહોવાહ જે સ્થળ પસંદ કરે ત્યાં ઘેટાંબકરાંનો કે અન્ય જાનવરોનો પાસ્ખાયજ્ઞ તું યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે કર.

3 તમારે તેની સાથે ખમીરી રોટલી ન ખાવી. સાત દિવસ સુધી તમારે તેની સાથે ખમીર વગરની એટલે દુઃખની રોટલી ખાવી કારણ કે, તમે મિસર દેશમાંથી ઉતાવળે નીકળ્યા હતા. અને આ રીતે તમે મિસરમાંથી જે રીતે બહાર આવ્યા તે દિવસ આખા જીવનભર યાદ રહે. 4 સાત દિવસ સુધી તમારી સર્વ સરહદોમાં તમારી મધ્યે ખમીર જોવામાં આવે નહિ. તેમ જ પહેલે દિવસે સાંજે વધેલા બલિદાનનું થોડું પણ માંસ સવાર સુધી રહેવા દેવું નહિ.

5 જે નગરની ભાગળ યહોવાહ તારા ઈશ્વર તમને આપે તેમાંની કોઈ પણ ભાગળમાં તારે પાસ્ખાયજ્ઞ કરવું નહિ. 6 પરંતુ, યહોવાહ તારા ઈશ્વર પોતાના પવિત્રસ્થાન માટે જે જગ્યા પસંદ કરે ત્યાં સાંજે સૂર્યાસ્ત સમયે એટલે જે વર્ષે તમે મિસરમાંથી બહાર આવ્યા તે સમયે, પાસ્ખાયજ્ઞ કરો.

7 યહોવાહ તમારા ઈશ્વરે પસંદ કરેલી જગાએ તમારે તે શેકીને ખાવું; સવારમાં પાછા પોતાના તંબુઓમાં જવું. 8 છ દિવસ સુધી તમારે બેખમીરી રોટલી ખાવી, સાતમા દિવસે યહોવાહ તમારા ઈશ્વર માટે પવિત્ર સભા કરવી, તે દિવસે તમારે કોઈ કામ કરવું નહિ.

કાપણીનું પર્વ (પચાસી પર્વ)
નિર્ગ. 34:22; લેવી 23:15-21

9 તમે તમારે પોતાને માટે સાત અઠવાડિયાં ગણો; ઊભા પાકને દાતરડું લગાવાનું શરૂઆત કરો તે સમયથી સાત અઠવાડિયાં ગણવાં. 10 તમે યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે અઠવાડિયાનાં પર્વ ઉજવો, યહોવાહ તમારા ઈશ્વરે આપેલા આશીર્વાદ પ્રમાણે તમારા હાથનાં ઐચ્છિકાર્પણ આપો.

11 યહોવાહ તમારા ઈશ્વરે પોતાના પવિત્રસ્થાન માટે પસંદ કરેલી જગ્યાએ તમે, તમારા સંતાન, તમારી દીકરી, તમારા દાસ, તમારી દાસીઓ, નગરની ભાગળમાં રહેતા લેવીઓ, તમારી મધ્યે રહેતા વિદેશીઓ, અનાથો તથા તમારી મધ્યે રહેતી વિધવાઓએ બધાએ મળીને યહોવાહ તમારા ઈશ્વરની આગળ આનંદ કરવો. 12 તમે મિસરમાં ગુલામ હતા તે યાદ રાખીને તમે આ કાનૂનો પાળો અને તેને અમલમાં મૂકો.

માંડવાપર્વ
લેવી 23:33-43

13 તમારા ખળામાંથી તથા તમારા દ્રાક્ષકુંડમાંથી ઊપજ ભેગી કરી લો પછી તમે સાત દિવસ સુધી માંડવાપર્વ ઉજવો. 14 તમારાં પર્વ દરમિયાન તમે, તમારા સંતાન, તમારી દીકરી, તમારા દાસ, તમારી દાસી, લેવી, નગરની ભાગળમાં રહેતા પરદેશીઓ, અનાથો તથા વિધવાઓ આનંદ કરો.

15 તમે યહોવાહ તમારા ઈશ્વરના માટે યહોવાહે પસંદ કરેલા સ્થાને સાત દિવસ સુધી પર્વ ઉજવો, કેમ કે યહોવાહે તમારી બધી ઉપજમાં, તમારા હાથનાં સર્વ કામોમાં તમને આશીર્વાદ આપશે, તમે પુષ્કળ આનંદ પામશો.

16 તમારા બધા પુરુષો એ જે જગ્યા યહોવાહ પસંદ કરે ત્યાં વર્ષમાં ત્રણ વાર યહોવાહ તમારા ઈશ્વરની આગળ ઉપસ્થિત થવું. બેખમીરી રોટલીના પર્વના પ્રસંગે અઠવાડિયાનાં પર્વના પ્રસંગે અને માંડવાપર્વના પ્રસંગે યહોવાહ આગળ ખાલી હાથે આવવું નહિ. 17 પરંતુ, દરેક માણસે પોતાની યથાશક્તિ પ્રમાણે યહોવાહની આજ્ઞા પાળીને યહોવાહ તમારા ઈશ્વરે આપેલા આશીર્વાદ પ્રમાણે તમારે આપવું.

અદલ ઇનસાફ
18 જે નગરની ભાગળ યહોવાહ તારા ઈશ્વર તમને આપે તેમાં તમે તમારા માટે તમારા કુળોમાંથી ન્યાયાધીશો તથા બીજા અધિકારીઓની નિમણૂક કરો, તેઓ લોકોનો ઉચિત ન્યાય કરશે. 19 તમે ન્યાય માટે બળજબરી ન કરો, પક્ષપાત ન કર, લાંચ ન લો, કેમ કે લાંચ જ્ઞાની આંખોને અંધ બનાવી દે છે અને ન્યાયી માણસોના વચનો ખોટા કરી નાખે છે. 20 તમે ન્યાયનું અનુસરણ કરો, કે જેથી તમે જીવતા રહો અને જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે તેનો વારસો પ્રાપ્ત કરો. 21 તમે યહોવાહ તમારા ઈશ્વરની માટે જે વેદી બનાવો તેની બાજુએ કોઈ પણ જાતની અશેરા મૂર્તિ ન ગોઠવો. 22 તમારે તમારા માટે કોઈ સ્તંભ ઊભો કરવો નહિ. કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર તેને ધિક્કારે છે.

<- પુનર્નિયમ 15પુનર્નિયમ 17 ->