Link to home pageLanguagesLink to all Bible versions on this site
15
દર સાતમું વર્ષ છૂટકારાનું વર્ષ
લેવી 25:1-7

1 દર સાતમું વર્ષ તમારે માટે છુટકારાનું વર્ષ થાય. 2 અને છૂટકો કરવાની રીત આ છે; દરેક લેણદારે પોતાના પડોશીને દેવાથી મુકત કરવા. તેણે પોતાના પડોશી પાસેથી તથા પોતાના ભાઈ પાસેથી દેવું વસૂલ કરવા દબાણ કરવું નહિ. કારણ કે યહોવાહના માનાર્થે છુટકારાનો ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. 3 વિદેશીઓ પાસે તમે દેવું ભરપાઈ કરાવી શકો છો પરંતુ તારું લેણું જો તારા ભાઈ પાસે હોય તો તે જતું કર.

4 તોપણ તમારામાં કોઈ ગરીબ નહિ હોય કેમ કે યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશના વતનનો વારસો આપે છે, તેમાં યહોવાહ નક્કી તમને આશીર્વાદ દેશે; 5 ફક્ત એટલું જ કે તમે યહોવાહ તમારા ઈશ્વરની વાણી ખંતથી સાંભળીને આ જે સર્વ આજ્ઞાઓ આજે હું તમને જણાવું છું, તે તમે કાળજીથી પાળશો તો. 6 કેમ કે તમને આપેલા વચન મુજબ યહોવાહ તમને આશીર્વાદ આપશે અને તમે અનેક પ્રજાઓના લેણદાર બનશો, તમે કોઈના દેવાદાર નહિ બનો અને તમે અનેક પ્રજાઓ પર રાજ કરશો, પણ કોઈ તમારા પર રાજ કરશે નહિ.

7 જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે, તેમાં તમારા ઘરમાં રહેતો તમારો કોઈ જ્ઞાતિજન ગરીબ હોય તો તમે તમારું હૃદય કઠણ ન કરો. 8 પરંતુ તેમના પ્રત્યે તમારો હાથ ઉદાર રાખો અને તેની અછતને લીધે જેટલાંની તેમને જરૂરિયાત હોય તે પ્રમાણે આપો.

9 પણ સાવધ રહો, રખેને તમારા મનમાં એવો દુષ્ટ વિચાર આવે કે સાતમું વર્ષ એટલે છુટકારાનું વર્ષ પાસે છે. અને તમારી દાનત તમારા ગરીબ ભાઈની વિરુદ્ધ બગડે અને તમે તેને કંઈ ન આપો. અને તે યહોવાહની આગળ પોકાર કરે તો તમે દોષિત ઠરશો. 10 વળી તમારે તેને આપવું જ કે જે તેને આપતાં તમારો જીવ કચવાય નહિ. કારણ કે, એ કાર્યને લીધે યહોવાહ તમારા ઈશ્વર તમારાં બધાં કામમાં એટલે જે કંઈ કામ તમે હાથમાં લેશો તેમાં તમને આશીર્વાદ આપશે.

11 કેમ કે દેશમાંથી ગરીબો કદી ખૂટશે નહિ તેથી હું તમને આજ્ઞા કરું છું કે, તમારે તમારા દેશમાં તમારા ભાઈ પ્રત્યે જરૂરિયાતમંદવાળા પ્રત્યે તથા ગરીબ પ્રત્યે ઉદારતા બતાવવી.

ગુલામો પ્રત્યેની વર્તણૂકના નિયમો
નિર્ગ. 21:1-11

12 જો તમારો ભાઈ એટલે કોઈ હિબ્રૂ સ્ત્રી કે પુરુષ તમારે ત્યાં વેચાયો હોય અને છ વર્ષ સુધી તે તમારી ચાકરી કરે. તો સાતમે વર્ષે તમારે તેને છોડી મૂકવો. 13 જયારે તમે તેને મુક્ત કરો ત્યારે તેને ખાલી હાથે જવા દેવો નહિ; 14 તમારે તમારાં ઘેટાંબકરાંમાંથી અને તમારાં ખળામાંથી અને તમારાં દ્રાક્ષકુંડમાંથી તેને ઉદારતાથી આપવું. યહોવાહે તમને આપેલા આશીર્વાદના પ્રમાણમાં તમારે તેને આપવું.

15 અને તમારે યાદ રાખવું કે, તમે પોતે પણ મિસરમાં ગુલામ હતા અને યહોવાહ તમારા ઈશ્વરે તમને છોડાવ્યા હતા. એ માટે હું આજે તમને આ આજ્ઞા આપું છું. 16 અને એમ બને કે, જો તે તમને કહે કે ‘મારે તમારી પાસેથી જવું નથી,” એ માટે કે તેને તમારી સાથે અને તમારાં ઘરનાંની સાથે પ્રેમ છે. અને તમારે ત્યાં સુખચેનમાં રહે છે. 17 તો એક સોયો લઈને તેને બારણાની સાથે ઊભો રાખીને તેનો કાન વીંધવો એટલે તે સદાને માટે તારો દાસ થશે. અને તારી દાસી વિષે પણ એ પ્રમાણે કરવું.

18 જયારે તમે તેને ગુલામીમાંથી મુકત કરો ત્યારે એમ કરવાનું તમને કઠણ ન લાગવું જોઈએ. કારણ કે, મજૂરના પગાર કરતાં બમણી ચાકરી તેણે તમારે ત્યાં છ વર્ષ સુધી કરી છે. તમારા સર્વ કામમાં યહોવાહ તમારા ઈશ્વર તમને આશીર્વાદ આપશે.

પ્રથમ જન્મેલાં નર બચ્ચાંનું અર્પણ
19 તમારાં ઘેટાંબકરાંના તથા અન્ય જાનવરના પ્રથમજનિત નર બચ્ચાંને તમારે યહોવાહ તમારા ઈશ્વરને અર્પિત કરી દેવાં; પ્રથમજનિત એટલે કે વાછરડા પાસે કંઈ કામ ન કરાવ અને તારા ઘેટાંબકરાંના પ્રથમજનિત બચ્ચાંને તું ન કાતર. 20 વર્ષોવર્ષ તમારે અને તમારા પરિવારે યહોવાહ તમારા ઈશ્વરે પસંદ કરેલા સ્થાને તે પ્રાણીઓ ખાવાં. 21 પરંતુ જો તેને કંઈ ખોડખાંપણ હોય, એટલે કે અપંગ અંધ કે કશી ખોડવાળું હોય તો તે યહોવાહ તમારા ઈશ્વરને તેનો યજ્ઞ ન કરો.

22 તમે તે તમારે ઘરે ખાઓ; જેમ હરણ તથા સાબર, તેમ શુદ્ધ કે અશુદ્ધ જન તે ખાય. 23 પરંતુ તમારે તેનું લોહી ખાવું નહિ તેને પાણીની જેમ જમીન પર ઢોળી દેવું.

<- પુનર્નિયમ 14પુનર્નિયમ 16 ->