Link to home pageLanguagesLink to all Bible versions on this site

1 એ માટે જો તમને, ખ્રિસ્તની સાથે સજીવન કરવામાં આવ્યા છે, તો જ્યાં ખ્રિસ્ત, ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે ત્યાંની, એટલે કે ઉપરની બાબતોની શોધ કરો. 2 સ્વર્ગીય બાબતો પર મન લગાવો, પૃથ્વી પરની બાબતો પર નહિ. 3 કેમ કે તમે મરણ પામેલા છો અને તમારું જીવન ખ્રિસ્તની સાથે ઈશ્વરમાં ગુપ્ત રાખવામાં આવેલું છે. 4 ખ્રિસ્ત જે આપણું જીવન છે, તે જયારે પ્રગટ થશે ત્યારે તમે પણ તેમની સાથે મહિમામાં પ્રગટ થશો.

જૂનું જીવન ત્યાગી નવીનપણે જીવો
5 તે માટે પૃથ્વી પરની તમારી દૈહિક ઇચ્છાઓ એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, દુષ્ટ ઇચ્છા તથા લોભ કે જે મૂર્તિપૂજા છે, તેઓનો નાશ કરો. 6 આવાં કામોને લીધે આજ્ઞાભંગ કરનારા પર ઈશ્વરનો કોપ આવે છે. 7 જયારે તમે અગાઉ તેઓ પ્રમાણે જીવતા હતા ત્યારે તે પ્રમાણે વર્તતા હતા. 8 પણ હવે રીસ, ક્રોધ, અદાવત, અપમાન અને તમારા મુખમાંથી નીકળતાં બીભત્સવચનો તે સર્વ ત્યજી દો.

9 તમે એકબીજાની સાથે જૂઠું ન બોલો, કેમ કે તમે જૂના માણસપણાને તેના કૃત્યો સહિત ઉતારી મૂક્યું છે; 10 અને જે નવું માણસપણું તેના ઉત્પન્ન કરનારની પ્રતિમા પ્રમાણે જ્ઞાનમાં નવું કરાતું જાય છે, તે તમે ધારણ કર્યું છે. 11 તેમાં નથી ગ્રીક કે યહૂદી, નથી સુન્નત કે બેસુન્નત, નથી બર્બર કે નથી સિથિયન, નથી દાસ કે સ્વતંત્ર; પણ ખ્રિસ્ત સર્વ તથા સર્વમાં છે.

12 એ માટે, પવિત્ર તથા વહાલાંઓ, ઈશ્વરના પસંદ કરેલાને શોભે તેમ, દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા ધારણ કરો. 13 એકબીજાનું સહન કરો અને જો કોઈને કોઈની સામે ફરિયાદ હોય તો તેને માફ કરો, જેમ ખ્રિસ્તે તમને માફ કર્યા તેમ તમે પણ એકબીજાને માફ કરો. 14 પણ એ સઘળાં ઉપરાંત પ્રેમ જે સંપૂર્ણતાનું બંધન છે તે તમે પહેરી લો.

15 ખ્રિસ્તની શાંતિ કે જે પામવા માટે તમે એક શરીરમાં તેડાયેલા છો, તે તમારાં હૃદયોમાં રાજ કરે; અને તમે આભારસ્તુતિ કરો. 16 ખ્રિસ્તનું શિક્ષણ સર્વ જ્ઞાનમાં ભરપૂરતાથી તમારામાં રહે; ગીતો, સ્ત્રોત્રો તથા આત્મિક ગાયનોથી એકબીજાને શીખવો તથા બોધ કરો અને આભારસહિત તમારા હૃદયોમાં પ્રભુની સમક્ષ ગાન કરો. 17 વચનથી કે કાર્યથી જે કંઈ તમે કરો, તે સર્વ પ્રભુ ઈસુને નામે કરો અને તે દ્વારા ઈશ્વર પિતાની આભારસ્તુતિ કરો.

નવા જીવનમાં વ્યક્તિગત સંબંધો
18 પત્નીઓ, જેમ પ્રભુમાં શોભે છે તેમ તમે તમારા પતિઓને આધીન રહો. 19 પતિઓ, તમે તમારી પત્નીઓ પર પ્રેમ રાખો અને તેઓ પ્રત્યે કઠોર ન થાઓ. 20 બાળકો, તમે દરેક બાબતમાં તમારાં માતાપિતાની આજ્ઞાનું પાલન કરો, કેમ કે તે પ્રભુને પસંદ છે. 21 પિતાઓ, તમે તમારાં બાળકોને ઉશ્કેરશો નહીં, કે જેથી તેઓ નિરાશ થાય નહિ.

22 દાસો, તમે માણસોને ખુશ કરનારાઓની રીતે નહિ અને દેખરેખ હોય ત્યારે જ નહિ, પણ પ્રામાણિક હૃદયથી તથા પ્રભુથી ડરીને, તમામ બાબતોમાં પૃથ્વી પરના તમારા માલિકોની આજ્ઞાઓ પાળો. 23 તમે જે કંઈ કરો તે માણસોને માટે નહિ, પણ જાણે પ્રભુને માટે કરો છો, એમ સમજીને સઘળું ખરા જીવથી કરો; 24 કેમ કે તમે જાણો છો કે બદલામાં તમને પ્રભુ પાસેથી વારસો મળશે; કેમ કે તમે તો ખ્રિસ્ત પ્રભુની સેવા કરો છો. 25 પણ જે દુષ્ટતા કરે છે તેને તેની દુષ્ટતાનો બદલો મળશે; ‘પ્રભુ પાસે પક્ષપાત નથી.

<- ક્લોસ્સીઓને પત્ર 2ક્લોસ્સીઓને પત્ર 4 ->