Link to home pageLanguagesLink to all Bible versions on this site
8
ફળોની ટોપલી વિષે સંદર્શન
1 પછી પ્રભુ યહોવાહે મને દર્શનમાં બતાવ્યું ત્યારે જુઓ, ઉનાળાંમાં થતાં ફળની એક ટોપલી મારા જોવામાં આવી! 2 તેમણે મને કહ્યું, “આમોસ, તું શું જુએ છે? “મેં કહ્યું, ઉનાળાંમાં થતાં ફળોની ટોપલી.” પછી યહોવાહે મને કહ્યું,
“મારા ઇઝરાયલી લોકોનો અંત આવ્યો છે;
હું તેઓને શિક્ષા કરવાનું ચૂકીશ નહિ.
3 વળી પ્રભુ યહોવાહ કહે છે કે,
તે દિવસે મંદિરમાં ગીતો ગાવાને બદલે તેઓ રડશે.
મૃતદેહોના ઢગલા પડ્યા હશે
અને સર્વ સ્થળે શાંતિથી તેઓ બહાર ફેંકી દેશે!”
ઇઝરાયલના વિનાશ વિષે (શોષણખોરો પરનો રોષ)
4 જેઓ તમે ગરીબોને લૂંટો છો
અને દેશના ગરીબોને કાઢી મૂકો છો તે આ સાંભળો. 5 તેઓ કહે છે કે,
ક્યારે ચંદ્રદર્શન પૂરું થાય,
અને અમે અનાજ વેચીએ?
અને વિશ્રામવાર ક્યારે ઊતરે કે અમે ઘઉં ખુલ્લાં મૂકીએ?
અને એફાહ નાનો રાખી,
અને શેકેલ મોટો રાખીને,
તેને ખોટાં ત્રાજવાં,
અને કાટલાંથી છેતરપિંડી કરીએ,
6 અમે ગરીબોને ચાંદી આપીને ખરીદીએ છીએ,
ગરીબોને એક જોડ ચંપલ આપીને ખરીદીએ છીએ અને ભૂસું વેચીએ છીએ.”

7 યહોવાહે યાકૂબના ગૌરવના સમ ખાધા છે કે, “નિશ્ચે હું કદી એ લોકોનું એકપણ કામ ભૂલીશ નહિ.”

8 શું તેને લીધે ધરતી ધ્રૂજી ઊઠશે નહિ,
અને તેમાં રહેનારા સર્વ શોક કરશે નહિ?
હા તેઓ સર્વ નીલ નદીની રેલની પેઠે આવશે,
તે ખળભળી જશે,
અને મિસર નદીની જેમ પાછો ઊતરી જશે.
9 “તે દિવસે*પ્રકાશનો દિવસ એમ થશે કે”
હું ખરા બપોરે સૂર્યાસ્ત કરીશ,
અને ધોળે દિવસે પૃથ્વી પર હું અંધકાર કરીશ.
એમ પ્રભુ યહોવાહ કહે છે.
10 વળી, તમારા ઉત્સવોને હું વિલાપમાં ફેરવી નાખીશ
અને તમારાં ગીતોને વિલાપમાં ફેરવી દઈશ,
હું તમારા સર્વનાં શરીરો પર ટાટ વીંટળાવીશ
અને સર્વના માથાના વાળ મૂંડાવીશ.
હું એકનાએક પુત્રના માટે શોક કરવાનો દિવસ લાવીશ,
તે દિવસનો અંત અતિશય દુ:ખદ હશે.
ઇઝરાયલના વિનાશ વિષે (શોષણખોરો પરનો રોષ)
11 પ્રભુ યહોવાહ એવું કહે છે, જુઓ, એવો સમય આવી રહ્યો છે કે,
“જ્યારે હું દેશમાં દુકાળ મોકલીશ,
તે અન્નનો દુકાળ નહિ,
કે પાણીનો નહિ,
પણ યહોવાહનું વચન સાંભળવાનો દુકાળ મોકલીશ.
12 તેઓ સમુદ્રથી સમુદ્ર સુધી;
અને ઉત્તરથી છેક પૂર્વ સુધી
યહોવાહનાં વચનોની શોધમાં તેઓ અહીંતહીં ભટકશે,
પણ તે તેઓને મળશે નહિ.
13 તે દિવસે સુંદર કન્યાઓ
અને યુવાન માણસો તૃષાથી બેભાન થઈ જશે.
14 જેઓ સમરુનના પાપના સોગન ખાઈને કહે છે કે,
હે દાન, તારા દેવનાદેવી આશીમા સોગન,
અને બેરશેબાના દેવના સોગન,
તેઓ તો પડશે અને ફરી કદી પાછા ઊઠશે નહિ.”

<- આમોસ 7આમોસ 9 ->