Link to home pageLanguagesLink to all Bible versions on this site
8
શાઉલ અને મંડળીની સતાવણી
1 શાઉલે તેની હત્યા કરવાની સંમતિ આપી હતી, તે જ દિવસે યરુશાલેમના વિશ્વાસી સમુદાય પર ભારે સતાવણી શરૂ થઈ, અને પ્રેરિતો સિવાય તેઓ સર્વ યહૂદિયા તથા સમરુનના પ્રાંતોમાં વિખેરાઈ ગયા. 2 ધર્મનિષ્ઠ પુરુષોએ સ્તેફનને દફનાવ્યો, અને તેને સારુ ઘણો વિલાપ કર્યો. 3 પણ શાઉલે વિશ્વાસી સમુદાયને ભારે ત્રાસ આપ્યો, એટલે ઘેરેઘેરથી પુરુષો તથા સ્ત્રીઓને ઘસડી લઈ જઈને જેલમાં પૂર્યા.
સમરુનમાં સુવાર્તાપ્રચાર
4 જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ બધે સુવાર્તા પ્રગટ કરતા ગયા. 5 ફિલિપે સમારીઆ શહેરમાં જઈને તેઓને ખ્રિસ્ત વિષે પ્રચાર કર્યો.

6 ફિલિપે કહેલી વાતો સાંભળીને તથા કરેલા ચમત્કારિક ચિહ્નો જોઈને લોકોએ તેની વાતો પર એક ચિત્તે ધ્યાન આપ્યું. 7 કેમ કે જેઓને અશુદ્ધ આત્માઓ વળગ્યા હતા તેઓમાંના ઘણાંમાંથી તેઓ મોટી બૂમ પાડતા બહાર નીકળ્યા, અને ઘણાં પક્ષઘાતીઓ તથા પગે અપંગો સાજાં કરવામાં આવ્યા. 8 અને તે શહેરમાં બહુ આનંદ થયો.

9 પણ સિમોન નામે એક માણસ તે શહેરમાં અગાઉ જાદુ કરતો હતો, અને હું કોઈ મહાન વ્યક્તિ છું એમ કહીને સમરુનના લોકોને આશ્ચર્યચકિત કરી નાખતો હતો; 10 તેઓ નાનાથી તે મોટા સુધી સર્વ તેનું સાંભળતાં, તેઓ કહેતાં કે, ઈશ્વરનું જે મહાન પરાક્રમ કહેવાય છે, તે આ વ્યક્તિ છે. 11 તેણે ઘણાં સમય સુધી પોતાની જાદુક્રિયાઓથી તેઓને આશ્ચર્યચકિત કરી નાખ્યા હતા, તેથી તેઓ તેનું સાંભળતાં હતા.

12 પણ ફિલિપ ઈશ્વરના રાજ્ય તથા ઈસુ ખ્રિસ્તનાં નામ વિષે સુવાર્તા પ્રગટ કરતો હતો ત્યારે તેઓનો વિશ્વાસ તેના પર બેઠો, અને પુરુષોએ તેમ જ સ્ત્રીઓએ બાપ્તિસ્મા લીધું. 13 સિમોને પોતે પણ વિશ્વાસ કર્યો, અને બાપ્તિસ્મા પામીને ફિલિપ સાથે રહ્યો; અને ચમત્કારો તથા મોટા પરાક્રમી કામો બનતાં જોઈને તે આશ્ચર્ય પામ્યો.

14 હવે સમરુનીઓએ ઈશ્વરનું વચન સ્વીકાર્યું છે એવું યરુશાલેમમાં પ્રેરિતોએ સાંભળ્યું, ત્યારે તેઓએ પિતર તથા યોહાનને તેઓની પાસે મોકલ્યા. 15 તેઓએ ત્યાં પહોંચ્યાં પછી તેઓને સારુ પ્રાર્થના કરી કે તેઓ પવિત્ર આત્મા પામે; 16 કેમ કે ત્યાર સુધી તેઓમાંના કોઈ પર પવિત્ર આત્મા ઊતર્યો નહોતો; પણ તેઓ માત્ર પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા પામ્યા હતા. 17 પછી પિતર તથા યોહાને તેઓ પર હાથ મૂક્યા, અને તેઓ પવિત્ર આત્મા પામ્યા.

18 હવે પ્રેરિતોના હાથ મૂકવાથી પવિત્ર આત્મા આપવામાં આવે છે, એ જોઈને સિમોને તેઓને પૈસા આપવા માંડ્યા. 19 તેણે કહ્યું કે, તમે મને પણ એ અધિકાર આપો કે જેનાં પર હું હાથ મૂકું તે પવિત્ર આત્મા પામે.

20 પણ પિતરે તેને કહ્યું કે, ઈશ્વરનું દાન પૈસાથી વેચાતું લેવાનું તેં વિચાર્યું માટે તારા પૈસા તારી સાથે નાશ પામો. 21 આ બાબતમાં તારે કશી લેવા દેવા નથી. કારણ કે તારું અંતઃકરણ ઈશ્વરની આગળ પ્રમાણિક નથી. 22 માટે તારી આ દુષ્ટતાનો પસ્તાવો કર, અને પ્રભુને પ્રાર્થના કર કે, કદાચ તારા અંતઃકરણના વિચાર તને માફ થાય. 23 કેમ કે હું જોઉં છું કે તું કડવાશમાં અને પાપના બંધનમાં છે.

24 ત્યારે સિમોને ઉત્તર આપ્યો કે, તમારી કહેલી વાતો મુજબ કંઈ પણ મને ના થાય તે માટે તમે મારે માટે પ્રભુને પ્રાર્થના કરો.

25 હવે ત્યાં સાક્ષી આપ્યા પછી તથા પ્રભુની વાત પ્રગટ કર્યા પછી સમરૂનીઓનાં ઘણાં ગામોમાં સુવાર્તા પ્રગટ કરીને તેઓ યરુશાલેમમાં પાછા આવ્યા.

ફિલિપ અને ઇથિયોપિયાનો અધિકારી
26 હવે પ્રભુના એક સ્વર્ગદૂતે ફિલિપને કહ્યું કે, ઊઠ, ને યરુશાલેમથી ગાઝા જવાના માર્ગ સુધી દક્ષિણ તરફ જા; ત્યાં અરણ્ય છે. 27 તે ઊઠીને ગયો; અને જુઓ, ત્યાં ઇથિયોપિયાનો એક ખોજો કે જે ઇથિયોપિયાની રાણી કંદિકાના હાથ નીચે મોટો અધિકારી તથા તેના સઘળા ભંડારનો કારભારી હતો, તે ભજન કરવા સારુ યરુશાલેમમાં આવ્યો હતો. 28 તે પાછા જતા પોતાના રથમાં બેસીને પ્રબોધક યશાયાનું પુસ્તક વાંચતો હતો.

29 આત્માએ ફિલિપને કહ્યું કે, તું પાસે જઈને એ રથની સાથે થઈ જા. 30 ત્યારે ફિલિપ તેની પાસે દોડી ગયો, અને તેને પ્રબોધક યશાયાનું પુસ્તક વાંચતા સાંભળીને પૂછ્યું કે, તું જે વાંચે છે તે શું તું સમજે છે? 31 ત્યારે તેણે કહ્યું કે, કોઈનાં સમજાવ્યાં સિવાય હું કેમ કરીને સમજી શકું? તેણે ફિલિપને વિનંતી કરી કે, મારા રથમાં ઉપર આવી મારી પાસે બેસ.

32 શાસ્ત્રવચનનું જે પ્રકરણ તે વાંચતો હતો તે એ હતું કે, “ઘેટાંની પેઠે મારી નંખાવાને તેમને લઈ જવાયા; અને જેમ હલવાન પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે, તેમ તેમણે પોતાનું મુખ ઉઘાડ્યું નહિ; 33 તેમની દીનાવસ્થામાં તેમનો ન્યાય ડૂબી ગયો; તેમના જમાનાનાં લોકનું વર્ણન કોણ કહી દેખાડશે? કેમ કે તેમનો જીવ પૃથ્વી પરથી લઈ લેવામાં આવ્યો.”

34 ત્યારે તે ખોજાએ ફિલિપને ઉત્તર દેતાં કહ્યું કે, હું તને વિનંતી કરું છું કે, પ્રબોધક કોનાં વિષે એ કહે છે? પોતાના વિષે કે કોઈ બીજાના વિષે? 35 ત્યારે ફિલિપે કહેવાનું શરૂ કર્યું અને શાસ્ત્રવચનની તે વાતથી આરંભ કરીને તેને ઈસુ વિષેની સુવાર્તા પ્રગટ કરી.

36 માર્ગમાં તેઓ એક જળાશય પાસે આવી પહોંચ્યા; ત્યારે ખોજાએ કહ્યું કે, જો, અહીં પાણી છે, બાપ્તિસ્મા પામવાથી મને શું અટકાવી શકે? 37 ત્યારે ફિલિપે કહ્યું કે, જો તું તારા પૂરા મનથી વિશ્વાસ કરે છે તો એ ઉચિત છે; ખોજાએ ઉત્તર દેતાં કહ્યું કે, ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર છે, એવું હું માનું છું. 38 પછી તેણે રથ ઊભો રાખવાનો હુકમ કર્યો, અને ફિલિપ તથા ખોજો બન્ને જણ પાણીમાં ઊતર્યા, ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું.

39 તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા ફિલિપને લઈ ગયો; અને ખોજાએ ફરી ફિલિપને જોયો નહિ, પરંતુ તે આનંદ કરતા કરતા પોતાના માર્ગે ચાલ્યો ગયો. 40 પણ ફિલિપ આશ્દોદમાં દેખાયો; તે કાઈસારિયા પહોંચતાં સુધી માર્ગમાંના સર્વ શહેરમાં સુવાર્તા પ્રગટ કરતો કરતો ગયો.

<- પ્રેરિતોનાં કૃત્યો 7પ્રેરિતોનાં કૃત્યો 9 ->