Link to home pageLanguagesLink to all Bible versions on this site
6
સાત સેવકોની પસંદગી
1 તે દિવસોમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી, ત્યારે હિબ્રૂઓની સામે ગ્રીક યહૂદીઓએ ફરિયાદ કરી, કેમ કે રોજ વહેંચણીમાં તેઓની વિધવાઓને ટાળવામાં આવતી હતી.

2 ત્યારે બાર પ્રેરિતોએ બધા શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, અમે ઈશ્વરનું વચન પડતું મૂકીને ભોજન પીરસવાની સેવા કરીએ, એ ઉચિત નથી. 3 માટે, ભાઈઓ, તમે તમારામાંથી પવિત્ર આત્માથી તથા જ્ઞાનથી ભરપૂર એવા સાત પ્રતિષ્ઠિત માણસોને શોધી કાઢો, કે જેઓને અમે એ કામ પર નીમીએ. 4 પણ અમે તો પ્રાર્થનામાં તથા ઈશ્વરના વચનનાં સેવાકાર્યમાં લાગુ રહીશું.

5 એ વાત આખા વિશ્વાસી સમુદાયને સારી લાગી; અને વિશ્વાસ તથા પવિત્ર આત્માથી ભરપૂર એવા સ્તેફન નામના એક પુરુષને, ફિલિપને, પ્રોખરસને, નિકાનોરને, તિમોનને, પાર્મિનાસને તથા અંત્યોખના યહૂદી થયેલા નિકોલસને તેઓએ પસંદ કર્યા. 6 તેઓએ તેમને પ્રેરિતોની આગળ રજૂ કર્યા; અને તેઓએ પ્રાર્થના કરીને તેમના પર હાથ મૂક્યા.

7 ઈશ્વરના વચનોનો પ્રચાર થતો ગયો અને યરુશાલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધી ગઈ; ઘણાં યાજકો પણ વિશ્વાસને આધીન થયા.

સ્તેફનની ધરપકડ
8 સ્તેફન કૃપાથી તથા સામર્થ્યથી ભરપૂર હતો, તેણે લોકોમાં મોટાં અદભુત આશ્ચર્યકર્મો તથા ચમત્કારિક ચિહ્નો કર્યાં. 9 પણ લિબર્તીની કહેવાતી સભાસ્થાનમાંના, કુરેનીના, આલેકસાંદ્રિયાના, કિલીકિયાના તથા આસિયાના કેટલાક આગળ આવીને સ્તેફન સાથે વાદવિવાદ કરવા લાગ્યા.

10 પણ સ્તેફન એવા જ્ઞાનથી તથા આત્માની પ્રેરણાથી બોલતો હતો કે તેઓ તેની સામે ટકી શક્યા નહિ. 11 ત્યારે તેઓએ કેટલાક માણસોને સમજાવ્યાં, જેઓએ કહ્યું કે, અમે તેને મૂસાના નિયમશાસ્ત્ર તથા ઈશ્વરની વિરુદ્ધ દુર્ભાષણ બોલતા સાંભળ્યો છે.

12 તેઓ લોકોને, વડીલોને તથા શાસ્ત્રીઓને ઉશ્કેરીને તેના પર તૂટી પડ્યા, અને તેને પકડીને સભામાં લાવ્યા. 13 તેઓએ જૂઠા સાક્ષીઓ ઊભા કર્યા, જેઓએ કહ્યું કે, એ માણસ આ પવિત્રસ્થાન તથા નિયમશાસ્ત્ર વિરુદ્ધ દુર્ભાષણ કર્યા કરે છે; 14 કેમ કે અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે, ઈસુ નાઝારી આ સ્થાનનો નાશ કરશે, અને જે રીતરિવાજો મૂસાએ આપણને ફરમાવ્યા છે તેઓને બદલી નાખશે. 15 જેઓ સભામાં બેઠા હતા તેઓ સર્વ સ્તેફનની તરફ એક નજરે જોઈ રહ્યા, અને તેનો ચહેરો સ્વર્ગદૂતના ચહેરા જેવો દેખાયો.

<- પ્રેરિતોનાં કૃત્યો 5પ્રેરિતોનાં કૃત્યો 7 ->