Link to home pageLanguagesLink to all Bible versions on this site
24
પાઉલ સામે યહૂદીઓનો આરોપ
1 પાંચ દિવસ પછી અનાન્યા પ્રમુખ યાજક, કેટલાક વડીલોને તથા તર્તુલસ નામે એક વકીલને સાથે લઈને આવ્યો, તેઓએ રાજ્યપાલની સમક્ષ પાઉલની વિરુદ્ધ ફરિયાદ રજૂ કરી. 2 પાઉલને બોલાવવામાં આવ્યો ત્યારે તર્તુલસ નીચે દર્શાવ્યા પ્રમાણે બોલીને તેના વિરુદ્ધ આરોપ મૂકવાનું શરૂ કરતા કહ્યું કે, ‘ઓ નેકનામદાર ફેલીક્સ, આપનાથી અમે બહુ સુખશાંતિ પામીએ છીએ, આપની સમજદારીથી આ પ્રજાના લાભમાં અનર્થો દૂર કરવામાં આવે છે, 3 તેથી અમે સર્વ પ્રકારે આપના ખૂબ આભારી છીએ. 4 પણ હું આપને વધારે તસ્દી ન આપું માટે હું વિનંતી કરું છું કે, કૃપા કરીને અમારી થોડી વાતો સાંભળો. 5 કે આ માણસ પીડાકારક તથા આખા જગતના સર્વ યહૂદીઓમાં હંગામો પેદા કરનાર તથા ઈસુ નાઝારી પંથનો આગેવાન હોવાનું અમને માલૂમ પડયું છે. 6 તેણે ભક્તિસ્થાનને પણ અશુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે અમે તેની ધરપકડ કરી; અને અમે અમારા શાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરવા માગતા હતા. 7 પણ લુકિયસ સરદાર આવીને બહુ બળજબરી કરીને અમારા હાથમાંથી તેને છોડાવી લઈ ગયા. 8 તેના પર ફરિયાદ કરનારાઓને આપની પાસે આવવાની આજ્ઞા કરી. એની તપાસ આપ પોતે કરશો, જે સઘળા વિશે અમે એના પર દોષ મૂકીએ છીએ તે સર્વથી આપ વાકેફ થશો. 9 યહૂદીઓએ પણ ફરિયાદમાં સામેલ થઈને કહ્યું કે, એ વાતો એ પ્રમાણે જ છે.
ફેલીક્સ સમક્ષ પાઉલે કરેલો પોતાનો બચાવ
10 પછી રાજ્યપાલે પાઉલને બોલવાનો ઇશારો કર્યો, ત્યારે તેણે ઉત્તર આપ્યો કે, ‘ઘણાં વર્ષોથી તમે આ દેશના ન્યાયાધીશ છો, એ જાણીને હું ખુશીથી પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપું છું. 11 કેમ કે (તપાસ કરવાથી) આપને માલૂમ પડશે કે ભજન કરવા સારુ યરુશાલેમમાં જવાને મને બાર કરતાં વધારે દિવસ થયા નથી. 12 સભાસ્થાનોમાં કે શહેરમાં કોઈની સાથે વાદવિવાદ કરતો, અથવા લોકોમાં હંગામો ઉઠાવતો તેઓએ મને જોયો નથી. 13 મારા પર જે આરોપો તેઓ હમણાં મૂકે છે તેની સાબિતી તેઓ આપની આગળ કરી શકતા નથી. 14 પણ આપની આગળ હું આટલું કબૂલ કરું છું કે, જે માર્ગને તેઓ દુર્મતે કહે છે તે પ્રમાણે હું અમારા પૂર્વજોના ઈશ્વરની ભક્તિ કરું છું, જે વચનો નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકમાં લખેલી છે તે સર્વ હું માનું છું. 15 હું ઈશ્વર વિષે એવી આશા રાખું છું, જેમ તેઓ પોતે પણ રાખે છે, કે ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે. 16 વળી હું એવો પ્રયત્ન કરું છું કે, ઈશ્વરની તથા માણસોની પ્રત્યે હું સદા નિર્દોષ અંતઃકરણ રાખું. 17 હવે ઘણા વર્ષ પછી હું પોતાના લોકને દાન આપવાને અને અર્પણ કરવાને આવ્યો. 18 તે દરમ્યાન તેઓએ મને ભક્તિસ્થાનમાં શુદ્ધ થયેલો જોયો, ત્યાં ભીડ કે તોફાન થયું નહોતું; પણ આસિયાના કેટલાક યહૂદીઓ (ત્યાં હતા), 19 જો મારી વિરુદ્ધમાં તેઓને કંઈ કહેવાનું હોત, તો તેઓ અહીં આપની પાસે આવીને આરોપો મૂકવા જોઈતા હતા. 20 હવે આ માણસો પોતે કહી બતાવે કે, હું ન્યાયસભાની આગળ ઊભો હતો ત્યારે મારામાં તેઓને કયો ગુનો માલૂમ પડ્યો હતો? 21 એટલું તો ખરું કે, તેઓની મધ્યે ઊભા રહીને મેં આ એક વચન કહ્યું કે, મૂએલાઓના પુનરુત્થાન વિષે તમારી રૂબરૂ આજે મારો ન્યાય કરવામાં આવે છે.’ ” 22 પણ ફેલીક્સને તે માર્ગ વિષે વધારે ચોક્કસ જ્ઞાન હતું, માટે તેણે મુકાદમાને મુલતવી રાખીને તેઓને કહ્યું કે લુકિયસ સરદાર આવશે ત્યારે હું તમારા કામનો નિર્ણય કરીશ. 23 તેણે સૂબેદારને આજ્ઞા કરી કે, તેને જાપતામાં રાખવો પણ તેને છૂટ આપવી, અને તેના મિત્રોમાંના કોઈને તેની સેવા કરવાની મના કરવી નહિ.
ફેલીક્સ અને દ્રુસિલા સમક્ષ પાઉલ
24 પણ કેટલાક દિવસ પછી ફેલીક્સ પોતાની પત્ની દ્રુસિલા, કે જે યહૂદી હતી, તેની સાથે આવ્યો, અને તેણે પાઉલને બોલાવીને ખ્રિસ્ત પરના વિશ્વાસ વિષે વચન સાંભળ્યું. 25 પાઉલ સદાચાર, સંયમ તથા આવનાર ન્યાયકાળ વિષે સમજાવતો હતો, ત્યારે ફેલીક્સે ભયભીત થઈને ઉત્તર આપ્યો કે, ‘હમણાં તો તું જા, મને અનુકૂળ પ્રસંગ મળશે ત્યારે હું તને મારી પાસે બોલાવીશ.’ ” 26 તે એવી પણ આશા રાખતો હતો કે, પાઉલ મને પૈસા (લાંચ) આપશે; એ સારુ તે તેને ઘણી વાર બોલાવીને તેની સાથે વાતચીત કરતો હતો. 27 પણ બે વર્ષ પછી ફેલીક્સની જગ્યાએ પોર્કિયસ ફેસ્તસ આવ્યો, યહૂદીઓને પ્રસન્ન કરવાની ઇચ્છાથી ફેલીક્સ પાઉલને બંધનમાં મૂકી ગયો.

<- પ્રેરિતોનાં કૃત્યો 23પ્રેરિતોનાં કૃત્યો 25 ->