20
પાઉલ મકદોનિયામાં અને અખાયામાં
1 હંગામો બંધ થયા પછી પાઉલે શિષ્યોને બોલાવીને તેઓને બોધ કર્યો, અને તેમની વિદાય લઈને મકદોનિયા જવા સારુ નીકળ્યો. 2 તે પ્રાંતોમાં ફરીને, લોકોને ઘણો ઉપદેશ આપ્યા પછી તે ગ્રીસ દેશમાં આવ્યો. 3 તે ત્યાં ત્રણ મહિના રહયો, પછી સિરિયા જવા સારુ જળમાર્ગે ઊપડવાની તૈયારીમાં હતો, ત્યારે યહૂદીઓએ તેની વિરુદ્ધ કાવતરું રચ્યું, માટે તેણે મકદોનિયામાં થઈને પાછા જવાનો નિર્ણય કર્યો. 4 પૂર્હસનો (દીકરો) બેરિયાનો સોપાતર; થેસ્સાલોનિકીઓમાંનાં આરિસ્તાર્ખસ; સેકુંદસ; દેર્બેનો ગાયસ, તિમોથી; આસિયાના તુખિકસ તથા ત્રોફિમસ; તેઓ તેની સાથે આસિયા સુધી ગયા. 5 તેઓ આગળ જઈને ત્રોઆસમાં અમારી રાહ જોતા હતા. 6 બેખમીર રોટલીના દિવસ પછી અમે વહાણમાં બેસીને ફિલિપ્પીથી નીકળ્યા, અને પાંચ દિવસમાં તેઓની પાસે ત્રોઆસ પહોંચ્યા, અને સાત દિવસ ત્યાં રહ્યા.
ત્રોઆસમાં પાઉલની છેલ્લી મુલાકાત
7 અઠવાડિયાને પહેલે દિવસે અમે પ્રભુ ભોજન માટે એકઠા થયા હતા, ત્યારે પાઉલે, પોતે બીજે દિવસે અહીંથી જવાનો હોવાથી, (શિષ્યોને) ઉપદેશ આપ્યો, મધરાત સુધી પોતાનો ઉપદેશ ચાલુ રાખ્યો. 8 જે મેડી પર અમે એકઠા થયા હતા ત્યાં ઘણા દીવા (પ્રકાશતા) હતા. 9 બારીમાં બેઠેલો યુતુખસ નામે એક જુવાન ભરઊંઘમાં ઘેરાઈ ગયો હતો, પાઉલ વધારે વાર સુધી ઉપદેશ કરતો હતો માટે ઊંઘમાં ગરકાવ થયેલો હોવાથી તે (યુતુખસ) ત્રીજા માળેથી નીચે પડ્યો, અને મરણ પામ્યો. 10 ત્યારે પાઉલે નીચે ઊતરીને તેને બાથમાં લઈને કહ્યું કે, ‘ગભરાઓ નહિ, કેમ કે તે જીવતો છે.’ ” 11 અને તેણે ઉપર આવીને રોટલી ભાંગીને ખાધી અને પ્રભુ ભોજન લીધું અને તેઓની સાથે ઘણા સમય સુધી, એટલે છેક સવાર થતાં સુધી, સંદેશો આપ્યો, ત્યાર પછી પાઉલ વિદાય થયો. 12 તેઓ તે જુવાનને જીવતો લાવ્યા, તેથી ઘણો આનંદ પામ્યા.
ત્રોઆસથી મિલેતસમાં
13 પણ અમે આગળ જઈને વહાણમાં બેસીને આસોસ જવાને ઊપડી ગયા, ત્યાંથી પાઉલને વહાણમાં લેવાનો અમારો ઇરાદો હતો, કેમ કે ત્યાંથી પગરસ્તે આવવા ધારીને તેણે એ વ્યવસ્થા કરી હતી. 14 આસોસમાં તે અમને મળ્યો, ત્યારે અમે તેને વહાણમાં લઈને મિતુલેનેમાં આવ્યા. 15 ત્યાંથી હંકારીને બીજે દિવસે ખીઓસ પાસે પહોંચ્યા, અને બીજે દિવસે સામોસ પહોંચ્યા, પછીના દિવસે, (ત્રોગુલિયામાં થોડુંક થોભ્યા પછી) અમે મિલેતસમાં આવ્યા. 16 કેમ કે આસિયામાં વખત પસાર કરવો ન પડે તે માટે પાઉલે એફેસસને બાજુ પર મૂકીને હંકારી જવાનું નક્કી કર્યું હતું, કેમ કે તે એ માટે ઉતાવળ કરતો હતો કે જો બની શકે તો પચાસમાના પર્વને દિવસે પોતે યરુશાલેમમાં હાજર થાય.
એફેસસના આગેવાનોને પાઉલનો વિદાય સંદેશ
17 પછી તેણે મિલેતસથી એફેસસમાં (સંદેશો) મોકલીને મંડળીના વડીલોને પોતાની પાસે બોલાવ્યા. 18 તેઓ તેની પાસે આવ્યા ત્યારે તેણે તેઓને કહ્યું કે, આસિયામાં મેં પગ મૂક્યો તે દિવસથી માંડીને એ બધો વખત હું તમારી સાથે રહીને કેવી રીતે વર્ત્યો છું. 19 મનની પૂરી નમ્રતાથી, તથા આંસુઓ સહિત, જે સંતાપ યહૂદીઓના કાવતરાથી મારા પર આવી પડયા તે સહન કરીને હું પ્રભુની સેવા કરતો હતો; એ તમારી જાણ બહાર નથી. 20 જે કોઈ વચન લાભકારક હોય તે તમને જણાવવામાં હું અચકાયો નથી, પણ જાહેરમાં તથા ઘરેઘરે તમને ઉપદેશ કર્યો; 21 ઈશ્વર સમક્ષ પસ્તાવો કરવો, તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવો, એવી સાક્ષી મેં યહૂદીઓને તથા ગ્રીકોને આપી. 22 હવે જુઓ, હું પવિત્ર આત્માના બંધનમાં યરુશાલેમ જાઉં છું, ત્યાં મારા પર શું શું વીતશે એ હું જાણતો નથી; 23 માત્ર એટલું જ હું (જાણું છું) કે, દરેક શહેરમાં પવિત્ર આત્મા મને ખાસ જણાવે છે કે તારે માટે બંધનો તથા સંકટો રાહ જુએ છે. 24 પણ હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી એ માટે કે મારી દોડ અને ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ તરફથી મને મળી છે તે હું પૂરી કરું. 25 હવે જુઓ, હું જાણું છું કે, તમે સર્વ જેઓમાં હું ઈશ્વરનું રાજ્ય પ્રગટ કરતો ફર્યો છું, તેઓ (માંનો કોઈ પણ) મારું મુખ ફરી જોશે નહિ. 26 તે સારુ આજે હું તમને સાક્ષી આપું છું કે સર્વ માણસના લોહી વિષે હું નિર્દોષ છું. 27 કેમ કે ઈશ્વરની પૂરી ઇચ્છા તમને જણાવવાંને મેં ઢીલ કરી નથી. 28 તમે પોતા સંબંધી તથા જે ટોળાં ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો ઠરાવ્યા છે તે સર્વ સંબંધી સાવધ રહો, એટલે કે ઈશ્વરનો જે વિશ્વાસી સમુદાય જે તેમણે પોતાના લોહીથી ખરીદ્યો છે, તેનું તમે પાલન કરો. 29 હું જાણું છું કે, મારા ગયા પછી ટોળાં પર દયા નહિ કરે એવા ક્રૂર વરુઓ તમારામાં દાખલ થશે; 30 તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે. અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે વિપરીત વાતો કહેશે. 31 માટે જાગતા રહો, અને યાદ રાખો કે ત્રણ વર્ષ સુધી રાત દિવસ આંસુઓ પાડીને દરેકને ઉપદેશ આપવાનું હું ચૂક્યો નથી. 32 હવે હું તમને ઈશ્વરને તથા ઈશ્વરની કૃપાની વાત જે તમને સંસ્થાપન કરવાને તથા સર્વ પવિત્ર થયેલાઓમાં તમને વારસો આપવાને સમર્થ છે, તેને સોંપું છું. 33 મેં કોઈના રૂપાનો સોનાનો કે વસ્ત્રનો લોભ કર્યો નથી. 34 તમે પોતે જાણો છો કે મને તથા મારા સાથીઓને જે જોઈતું હતું તે મેં આ હાથોએ પૂરું પાડ્યું છે. 35 મેં બધી બાબતો તમને કરી બતાવી છે કે, કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ, અને પ્રભુ ઈસુનું વચન જે તેમણે પોતે કહ્યું, તેને યાદ રાખવું કે, “પામવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.” 36 એ પ્રમાણે વાત કર્યા પછી તેણે ઘૂંટણે પડીને તે સર્વની સાથે પ્રાર્થના કરી. 37 તેઓ સર્વ બહુ રડ્યા, અને પાઉલને ભેટીને તેઓએ તેને ચુંબન કર્યું. 38 તમે મારું મુખ ફરી જોશો નહિ એ જે વાત તેણે કહી હતી તેથી તેઓ વધારે ઉદાસ થયા. તેથી તેઓ પાઉલને વિદાય આપવાને વહાણ સુધી ગયા.
<- પ્રેરિતોનાં કૃત્યો 19પ્રેરિતોનાં કૃત્યો 21 ->