1 જયારે ખ્રિસ્ત ઈસુ કે જે જલ્દી રાજ કરવા આવશે, ત્યારે જેઓ હજી જીવતા છે અને જેઓ મરણ પામ્યા છે તેઓનો ન્યાય કરશે. અને ખ્રિસ્ત ઈસુને ઈશ્વર મને જોવે છે જયારે હું તને આ આજ્ઞા આપું છું કે 2 તું ખ્રિસ્તનાં સંદેશને પ્રગટ કર. જયારે તે કરવું સરળ હોય ત્યારે અને જ્યારે તે કરવું અઘરું હોય એ સમયે પણ તૈયાર રહે. જયારે લોકોએ ખોટું કર્યું હોય ત્યારે સાચું શું છે તે વિષે તેઓને ખાતરી કરાવ. પાપ ન કરવા માટે તેઓને ચેતવણી આપ. ખ્રિસ્તને અનુસરવાને તેઓને ઉત્તેજન આપ. જયારે તું તેમને શીખવે ત્યારે તું આ બાબતો કર, અને હમેશા તેઓ વધુ સારું કરે તે માટે ધીરજ રાખ. 3 હું તને આ બાબતો કહું છું, કેમ કે એવો સમય આવશે કે જયારે આપણામાનાં લોકો ઈશ્વરે જે શીખવે છે તેને અનુસરશે નહીં. તેના બદલે, જેઓ તેમને એવું શીખવે કે તેવોને જે કરવાનું ગમે તે સારું છે એવા લોકો ને તેઓ શોધશે. આ રીતે, તેઓ હંમેશા એવું કંઈક શોધે છે કે જે શીખવા માટે નવું અને જુદું હોય. 4 તેઓ સત્યને સાંભળવાનું બંધ કરશે, અને તેઓ મૂર્ખાઈ ભરેલી વાતો પર ધ્યાન આપશે. 5 પણ તું તિમોથી, ગમે તે થાય તો પણ પોતા પર કાબુ રાખ. મુશ્કેલ પરિસ્થિતિઓ સહન કરવા તૈયાર રહે. સુવાર્તાનાં ઉપદેશનું કામ કર. ઈશ્વરની સેવા માટે જે કાર્ય તારે કરવું જોઈએ તે પૂરું કર. 6 હું તને આ બાબતો એ માટે કહું છું, કે હું જલ્દી મરણ પામીશ અને આ દુનિયાને છોડીશ. હું જાણે કે દ્રાક્ષારસનાં પ્યાલા જેવો છું કે જે તેઓ વેદી પર રેડીને ઈશ્વરને બલિદાન આપે છે. 7 હું એક રમતવીર જેવો છું જેણે સ્પર્ધામાં ઉત્તમ દેખાવ કર્યો છે. હું એક દોડવીર જેવો છું જેણે પોતાની દોડ પૂરી કરી છે. ઈશ્વરને આધીન થવા મેં મારું શ્રેષ્ઠ કર્યું છે. 8 હવે મારે માટે ઈનામ રાહ જોવે છે કેમ કે હું ઈશ્વર માટે યોગ્ય જીવન જીવ્યો છું. ઈશ્વર મારો યોગ્ય રીતે ન્યાય કરશે.જયારે તેઓ પાછા આવશે ત્યારે તેઓ મને તે ઈનામ આપશે.અને જેઓ તેમના આવવાની આતુરતા પૂર્વક રાહ જોવે છે તેઓ દરેકને પણ તે આપશે.
અંગત સૂચનો
9 તિમોથી, મારી પાસે જલ્દી આવવાને પ્રયત્ન કર. 10 દેમાસ મને છોડીને થેસ્સાલોનિકા જતો રહ્યો છે, કેમ કે તે આ જગતના જીવનને ઘણો પ્રેમ કરે છે. ક્રેસ્કેન્સ ગલાતિયા ગયો છે, અને તિતસ દલ્માતિયામાં ગયો છે. 11 અત્યારે એકલો લૂક મારી સાથે છે. તું આવે ત્યારે માર્કને સાથે લેતો આવજે. આમ કરજે કેમ કે તે મને વધારે મદદ કરી શકશે. 12 મેં તુખિકસને એફેસસ મોકલ્યો છે. 13 તું આવે ત્યારે, જે ઝભ્ભો મેં ત્રોઆસમાં કાર્પસ પાસે મુક્યો હતો તે લેતો આવજે. વળી પુસ્તકો અને, ખાસ કરીને જે પશુના ચામડામાંથી બનેલા છે તે. 14 આલેકસાંદર કંસારાએ મારા પ્રત્યે ઘણું ખરાબ વર્તન કર્યું છે. તેણે જે કર્યું છે એ માટે ઈશ્વર તેને સજા કરશે. 15 તારે પણ તેનાથી સાવચેત રહેવું જોઈએ કેમ કે તેણે અમારો ઉપદેશ અટકાવવા માટે શક્ય બધું જ કર્યું. 16 પ્રથમ વખત જયારે હું અદાલતમાં હતો અને મેં મારા કાર્યની સમજણ આપી, ત્યારે કોઈ વિશ્વાસીએ મારી પડખે રહીને મને ઉત્તેજન ન આપ્યું. તેઓ બધા દુર રહ્યા. ઈશ્વર આ માટે તેમને જવાબદાર ન ગણે. 17 પણ પ્રભુ મારી સાથે રહ્યા અને મને મદદ કરી. તેમણે મને બળવાન કર્યો, કે જેથી મેં સંપૂર્ણપણે તેમનું વચન જણાવ્યું અને જેથી દરેક વિદેશીઓ તે સાંભળે.આ રીતે ઈશ્વરે મને મૃત્યુથી બચાવ્યો. 18 પ્રભુ મને તેઓએ કરેલી સર્વ દુષ્ટ બાબતોથી બચાવશે. તેઓ મને સ્વર્ગમાં જ્યાં તેઓ રાજ કરે છે ત્યાં સુરક્ષિત લાવશે. લોકો હંમેશા તેમની સ્તુતિ કરો. આમેન.
શુભેચ્છા
19 પ્રિસ્કા અને આકુલાને સલામ કહેજે. ઓનેસિફરસનાં ઘરનાંને સલામ કહેજે. 20 એરાસ્તસ કરિંથ શહેરમાં રહ્યો. વળી ત્રોફિમસને, મેં મિલેતસ શહેરમાં છોડી દીધો કેમ કે તે બીમાર હતો. 21 શિયાળા પહેલા આવવા માટે પ્રયત્ન કર. યુબૂલસ સલામ કહે છે, વળી પુદેન્સ, લિનસ, કલોદિયા અને બધા જ ભાઈઓ તને સલામ કહે છે. 22 પ્રભુ તમારા આત્માની સાથે રહો. પ્રભુ તમારા બધા પર કૃપાળુ રહો.
<- તિમોથીને બીજો પત્ર 3