Link to home pageLanguagesLink to all Bible versions on this site
2
ઈસુ ખ્રિસ્તનો વફાદાર સૈનિક
1 માટે, મારા દીકરા, ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે તેમાં તું સામર્થ્યવાન થા. 2 જે વાતો ઘણા સાક્ષીઓ સમક્ષ તેં મારી પાસેથી સાંભળી છે તે બીજાઓને પણ શીખવી શકે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે. 3 માટે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તું દુઃખ સહન કર. 4 યુદ્ધમાં જનાર કોઈ સૈનિક દુનિયાદારીના કામકાજમાં ગૂંથાતો નથી કે, જેથી તે પોતાના ઉપરી અધિકારીને સંતોષ પમાડે. 5 વળી જો કોઈ રમતવીર હરીફાઈમાં ઊતરે, તો નિયમ પ્રમાણે હરીફાઈ કર્યા વગર તેને ઇનામ મળતું નથી. 6 મહેનત કરનાર ખેડૂતને પ્રથમ ફળ મળવાં જોઈએ. 7 હું જે કહું છું તેનો વિચાર કર; કેમ કે આ સર્વ બાબતો વિષે પ્રભુ તને સમજણ આપશે 8 ઈસુ ખ્રિસ્ત જેમને મારી સુવાર્તા પ્રમાણે મરણમાંથી સજીવન કરવામાં આવ્યા, (અને) જે દાઉદના સંતાનના છે, તેમને યાદ રાખ; 9 જે (સુવાર્તા) ને કારણે હું ગુનેગારની જેમ બંદીખાનાં સુધીનું દુઃખ વેઠું છું; પણ ઈશ્વરની વાત બંધનમાં નથી. 10 હું પસંદ કરેલાઓને સારુ સઘળું સહન કરું છું કે, જેથી ખ્રિસ્ત ઈસુમાં જે ઉદ્ધાર છે તે (ઉદ્ધાર) તેઓ અનંત મહિમાસહિત પામે. 11 આ વચન વિશ્વાસયોગ્ય છે: જો આપણે તેમની સાથે મરણ પામ્યા, તો તેમની સાથે જીવીશું પણ; 12 જો આપણે (અંત સુધી) ટકી રહીએ, તો તેમની સાથે રાજ પણ કરીશું; જો આપણે તેમનો નકાર કરીએ, તો (ઈસુ ખ્રિસ્ત) આપણો પણ નકાર કરશે; 13 જો આપણે અવિશ્વાસી હોઈએ, તો પણ તે વિશ્વાસુ રહે છે; તેઓ પોતાનો ઇનકાર કરી શકતા નથી.
ઈશ્વરને પસંદ એવો સેવક
14 તું તેઓને સ્મરણ કરાવીને પ્રભુની આગળ (તેઓને) એવો હુકમ કર કે, જે ખાલી શબ્દવાદ કોઈપણ રીતે ગુણકારી નથી, પણ તેને બદલે સાંભળનારાંને નુકસાનકારક છે, તે કોઈ ન કરે. 15 જેને શરમાવાનું કશું કારણ ન હોય એવી રીતે કામ કરનાર, સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર, અને ઈશ્વરને પસંદ પડે એવો સેવક થવાને તું પ્રયત્ન કર. 16 પણ અધર્મી બકવાસથી દૂર રહે; કેમ કે એવું કરનાર વધારે ને વધારે ધર્મભ્રષ્ટ થતા જશે, 17 અને તેઓની વાત ધારાની પેઠે ફેલાતી જશે: (એવા માણસોમાંના) હુમનાયસ તથા ફિલેતસ છે. 18 પુનરુત્થાન થઈ ગયું છે એમ કહીને તેઓ સત્ય ચૂકી જઈને કેટલાકનો વિશ્વાસ ઉલટાવી નાખે છે. 19 પણ ઈશ્વરે નાખેલો પાયો સ્થિર રહે છે, તેના પર આ મુદ્રાછાપ મારેલી છે કે, ‘પ્રભુ પોતાના લોકોને ઓળખે છે અને જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેણે પાપથી દૂર થવું.’ 20 મોટા ઘરમાં કેવળ સોનાચાંદીનાં જ નહિ, પણ લાકડાંના તથા માટીનાં પાત્રો પણ હોય છે; તેઓમાંના કેટલાંક ઉત્તમ કાર્યોને માટે ને કેટલાંક હલકાં કાર્યોને માટે હોય છે. 21 એ માટે જો કોઈ તેઓથી (હલકાં કાર્યોથી) પોતાને (દૂર રાખીને) શુદ્ધ કરે, તો તે ઉત્તમ કાર્યને સારુ પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારાં કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે. 22 વળી જુવાનીના આવેગથી નાસી જા, પણ પ્રભુનું નામ શુદ્ધ હૃદયથી લેનારાઓની સાથે ન્યાયીપણું, વિશ્વાસ, પ્રેમ તથા શાંતિ પ્રાપ્ત કરવાને યત્ન કર. 23 મૂર્ખતાથી ભરેલા તથા અજ્ઞાની સવાલોથી વિખવાદ ઉત્પન્ન થાય છે એમ સમજીને તેઓથી દૂર રહે. 24 પ્રભુના સેવકે તકરાર કરવી નહિ, પણ તે સર્વ માણસો પ્રત્યે માયાળુ, શીખવવામાં બાહોશ, સહનશીલ; 25 વિરોધીઓને નમ્રતાથી સમજાવનાર હોવો જોઈએ. કદાચ ઈશ્વર તેઓને પસ્તાવો (કરવાની બુદ્ધિ) આપે, જેથી તેઓને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય. 26 અને જેઓ શેતાનના ફાંદામાં ફસાયા છે તેઓ તેમાંથી છૂટીને પ્રભુની ઇચ્છા પૂરી કરવાને માટે તેમના સેવકને આધીન થાય.

<- તિમોથીને બીજો પત્ર 1તિમોથીને બીજો પત્ર 3 ->