Link to home pageLanguagesLink to all Bible versions on this site
3
અમારે માટે પ્રાર્થના કરો
1 છેવટે ભાઈઓ,, અમારે માટે પ્રાર્થના કરો કે જેવી રીતે તમારે ત્યાં થાય છે તેમ પ્રભુની વાત ઝડપથી પ્રસરે અને તેમનો મહિમા થાય; 2 અમે અયોગ્ય તથા ખરાબ માણસોથી બચીએ તે માટે પ્રાર્થના કરો; કેમ કે બધા જ માણસો વિશ્વાસુ હોતા નથી. 3 પણ પ્રભુ વિશ્વાસુ છે, તે તમને સ્થિર કરશે અને દુષ્ટથી બચાવશે.

4 તમારા વિષે પ્રભુમાં અમને ભરોસો છે કે, જે આજ્ઞા અમે તમને કરીએ છીએ તે તમે પાળો છો તથા પાળશો. 5 પ્રભુ તમારાં હૃદયોને ઈશ્વરના પ્રેમ તથા ખ્રિસ્તની ધીરજ તરફ દોરો.

દરેકે કામ કરવું જોઈએ
6 હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે, જે દરેક ભાઈ આળસથી વર્તે છે, અને અમારાથી પામેલા શિક્ષણ પ્રમાણે વર્તતો નથી, તેનાથી તમે અલગ થાઓ. 7 કેમ કે અમને કઈ રીતે અનુસરવા જોઈએ એ તમે પોતે સમજો છો. અમે તમારી સાથે અયોગ્ય રીતે વર્ત્યા ન હતા. 8 કોઈ માણસનું અન્ન અમે મફત ખાધું નહોતું; પણ તમારામાંના કોઈ પર ભારરૂપ ન થઈએ, માટે રાતદિવસ શ્રમ તથા કષ્ટથી અમે કામ કર્યુ હતું; 9 અમને અધિકાર ન હતો એમ નહિ, પણ તમે અમને અનુસરો માટે અમે તમને આદર્શરૂપ થયા.

10 જયારે અમે તમારી પાસે હતા ત્યારે પણ તમને આજ્ઞા આપી હતી કે, જો કોઈ માણસ કામ કરે નહિ, તો તેને ખવડાવવું પણ નહિ. 11 કેમ કે તમારામાંના કેટલાક સ્વચ્છંદતાથી ચાલે છે. તેઓ કંઈ કામ કરતા નથી પણ બીજાનાં કામમાં માથું મારે છે, એવું અમને સાંભળવા મળે છે. 12 હવે એવાઓને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે આદેશ અને ઉપદેશ કરીએ છે કે તેઓ શાંતિસહિત ઉદ્યોગ કરે અને પોતાની કમાણીનું અન્ન ખાય.

13 પણ, ભાઈઓ, તમે સારાં કામ કરતાં થાકશો નહિ. 14 જો કોઈ આ પત્રમાંની અમારી વાત ન માને, તો તમે તેની સાથે સંબંધ રાખશો નહિ કે જેથી તે શરમાઈ જાય. 15 તોપણ તેને વિરોધી ન ગણો, પણ ભાઈ તરીકે તેને ચેતવો.

અંતિમ શબ્દો
16 હવે શાંતિના પ્રભુ પોતે સર્વદા તથા સર્વ પ્રકારે તમને શાંતિ આપો. પ્રભુ તમો સર્વની સાથે હો. 17 હું પાઉલ મારે પોતાને હાથે સલામ લખું છું; મારા સર્વ પત્રોમાં એ નિશાની છે એ પ્રમાણે હું લખું છું. 18 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વ પર હો.

<- થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 2