Link to home pageLanguagesLink to all Bible versions on this site

થેસ્સાલોનિકીઓને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર
લેખક
થેસ્સાલોનિકીઓને પ્રથમ પત્રની જેમ જ આ પત્ર પાઉલ, સિલાસ અને તિમોથી તરફથી હતો. આ પત્રના લેખકે થેસ્સાલોનિકીઓને પ્રથમ પત્ર તથા પાઉલે લખેલા બીજા પત્રોના જેવી જ શૈલી વાપરી છે. આ દર્શાવે છે કે મુખ્ય લેખક પાઉલ હતો. અભિવાદનમાં સિલાસ તથા તિમોથીનો સમાવેશ કરાયો છે (1:1). ઘણી કલમોમાં “અમે લખીએ છીએ” શબ્દો બતાવે છે કે તેઓ ત્રણેય સંમત હતા. પાઉલે ફક્ત અંતિમ અભિવાદન અને પ્રાર્થના લખ્યાં હતા તે કારણે બાકીનું લખાણ તેના હાથે લખાયું ન હતું (3:17). એવું લાગે છે કે પાઉલે કદાચને તિમોથી કે સિલાસ પાસે પત્ર લખાવ્યો હશે.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.સ. 51 થી 52 વચ્ચેનો છે.
પાઉલે થેસ્સાલોનિકીઓને બીજો પત્ર કરિંથ શહેરથી લખ્યો કે જ્યાંથી તેણે થેસ્સાલોનિકીઓને પ્રથમ પત્ર પણ લખ્યો હતો.
વાંચકવર્ગ
થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 1:1 આ પત્રના ઇચ્છિત વાંચકો તરીકે “થેસ્સલોનિકીઓની મંડળી” નાં સભ્યોને ઓળખાવે છે.
હેતુ
પત્રનો હેતુ પ્રભુના દિવસ વિષેની સૈદ્ધાંતિક ભૂલને સુધારવાનો, વિશ્વાસીઓની પ્રસંશા કરવાનો અને તેમના વિશ્વાસમાં દ્રઢતાથી ધીરજ રાખવા તેમને ઉત્તેજન આપવાનો અને એવા લોકો કે જેઓ ભવિષ્યની ઘટનાઓ વિશે છેતરાયા હોવાથી એવું માનતા હતા કે પ્રભુનો દિવસ પાસે આવ્યો હોવાથી પ્રભુનું પુનરાગમન ઝડપથી થશે અને પોતાના સ્વાર્થ માટે આ સિદ્ધાંતનો દુરુપયોગ કરતાં હતા તેઓને ઠપકો આપવાનો હતો.
મુદ્રાલેખ
આશા સહિતનું જીવન
રૂપરેખા
1. અભિવાદન — 1:1, 2
2. સંકટમાં દિલાસો — 1:3-12
3. પ્રભુના દિવસ સંબંધિત સુધારો — 2:1-12
4. તેમની આખરી મંજિલ યાદ કરાવવી — 2:13-17
5. વ્યાવહારિક બાબતો વિષે બોધ — 3:1-15
6. અંતિમ શુભેચ્છાઓ — 3:16-18

1 ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થેસ્સાલોનીકાની મંડળી વિશ્વાસી સમુદાય ને પાઉલ, સિલ્વાનસ તથા તિમોથી લખે છે. 2 ઈશ્વરપિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ આપો.

ખ્રિસ્તનાં આવવા સમયે ન્યાય
3 ભાઈઓ, તમારે વિષે અમે સર્વદા ઈશ્વરની આભારસ્તુતિ કરીએ તે ઉચિત છે કેમ કે તમારો વિશ્વાસ વધતો જાય છે અને તમે સર્વ એકબીજા ઉપર ઘણો પ્રેમ રાખો છો. 4 માટે સતાવણીઓ તથા વિપત્તિઓ જે તમે સહનશીલતા તથા વિશ્વાસથી સહન કરો છો, તે સંબંધી અમે સ્વયં ઈશ્વરની મંડળીઓમાં તમારી પ્રશંસા કરીએ છીએ. 5 ઈશ્વરના ન્યાયી ચુકાદાની આ નિશાની છે કે ઈશ્વરનું રાજ્ય જેને સારુ તમે દુઃખ સહન કરો છો, તેને માટે તમે યોગ્ય ગણાશો જ.

6 ઈશ્વર માટે તે ઉચિત છે કે તમને દુઃખ દેનારાઓને બદલામાં દુ:ખ આપે. 7 અને જયારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી સ્વર્ગદૂતો સાથે પ્રગટ થાય ત્યારે તમને દુ:ખ સહન કરનારાઓને, અમારી સાથે વિસામો આપે. 8 જેઓએ ઈશ્વરને ઓળખ્યા નથી અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાને આધીન થયા નથી તેઓને તે દઝાડતા અગ્નિથી બદલો વાળશે.

9 પ્રભુની સમક્ષતામાંથી તથા તેમના સામર્થ્યના મહિમાથી દૂર રહેવાની અનંતકાળિક નાશની સજા તેઓ તે દિવસે પામશે 10 જયારે પ્રભુ પોતાના સંતોમાં મહિમા પામવાને અને વિશ્વાસીઓમાં આશ્ચર્યકારક મનાવવાને આવશે, કેમ કે અમારી સાક્ષી પર તમે વિશ્વાસ રાખ્યો.

11 તેથી અમે તમારા માટે નિરંતર પ્રાર્થીએ છીએ કે, આપણા ઈશ્વર તમને આ તેડાને યોગ્ય ગણે, અને ભલાઈ કરવાની તમારી સઘળી ઇચ્છા અને વિશ્વાસના કામને સામર્થ્યથી સંપૂર્ણ કરે; 12 જેથી આપણા ઈશ્વર તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા પ્રમાણે, આપણા પ્રભુ ઈસુનું નામ તમારામાં ગૌરવવાન થાય અને તમે તેઓમાં મહિમાવાન થાવ.

થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 2 ->