Link to home pageLanguagesLink to all Bible versions on this site
3
પ્રભુના આગમન સંબંધીનું વચન
1 પ્રિયો, હવે આ બીજો પત્ર હું તમારા ઉપર લખું છું; અને બન્ને પત્રોથી તમારાં શુદ્ધ મનોને ઉત્તેજીત આપવા કહું છું કે, 2 પવિત્ર પ્રબોધકોથી જે વાતો અગાઉ કહેવાઈ હતી તેનું અને પ્રભુ તથા ઉદ્ધારકર્તાની તમારા પ્રેરિતોની મારફતે અપાયેલી આજ્ઞાનું તમે સ્મરણ કરો.

3 પ્રથમ એમ જાણો કે છેલ્લાં દિવસોમાં મશ્કરીખોરો આવશે, જેઓ પોતાની દુર્વાસના પ્રમાણે ચાલશે. 4 અને કહેશે કે, ‘તેમના ઈસુના આગમનનું આશાવચન ક્યાં છે? કેમ કે પૂર્વજો ઊંધી ગયા ત્યારથી ઉત્પત્તિના આરંભમાં સઘળું જેવું હતું તેવું જ રહ્યું છે.’ ”

5 કેમ કે તેઓ જાણીજોઈને આ ભૂલી જાય છે કે ઈશ્વરની આજ્ઞાથી આકાશો અગાઉથી હતાં અને પૃથ્વી પાણીથી તથા પાણીમાંથી બાંધેલી હતી. 6 તેથી તે સમયની દુનિયા પાણીમાં ડૂબીને નાશ પામી. 7 પણ હમણાંનાં આકાશ તથા પૃથ્વી તે જ શબ્દથી ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલાં છતાં બાળવાને માટે તૈયાર રાખેલાં છે.

8 પણ પ્રિયો, આ એક વાત તમે ભૂલશો નહિ કે પ્રભુની દ્રષ્ટિએ એક દિવસ હજાર વર્ષોના જેવો અને હજાર વર્ષો એક દિવસના જેવા છે. 9 વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના આશાવચન સંબંધી વિલંબ કરતા નથી, પણ કોઈનો નાશ ન થાય પણ બધાં પસ્તાવો કરે, એવું ઇચ્છીને પ્રભુ તમારે વિષે ધીરજ રાખે છે.

10 પણ જેમ ચોર આવે છે, તેમ પ્રભુનો દિવસ આવશે, તે વેળાએ આકાશો ભારે ગર્જનાસહિત જતા રહેશે અને તત્વો અગ્નિથી પીગળી જશે અને પૃથ્વી તથા તે પરનાં કામોને બાળી નાખવામાં આવશે.

11 તો એ સર્વ આ પ્રમાણે નાશ પામનાર છે, માટે પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવાં થવું જોઈએ? 12 ઈશ્વરના જે દિવસે આકાશો સળગીને ભસ્મીભૂત થશે તથા તત્વો બળીને પીગળી જશે તેમના આગમનના એ દિવસની રાહ જોતાં તેમની અપેક્ષા રાખવી. 13 તોપણ આપણે તેમના આશાવચન પ્રમાણે નવાં આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની રાહ જોઈએ છીએ.

14 એ માટે, પ્રિયો, આમ બનવાની આપણે રાહ જોઈ રહ્યા છીએ, તમે તેમની નજરમાં નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહો. 15 અને ધ્યાનમાં રાખો કે આપણા પ્રભુનું ધૈર્ય ઉદ્ધાર છે; આપણા વહાલાં ભાઈ પાઉલે પણ તેને અપાયેલી બુદ્ધિ પ્રમાણે તમને એ વિષે લખ્યું છે. 16 તેમ તેના સર્વ પત્રોમાં પણ આ વાતો વિષે લખ્યું છે. તે પત્રોમાં કેટલીક વાત સમજવામાં અઘરી છે. જેમ બીજા શાસ્ત્રવચનોને તેમ એ વાતોને પણ અજ્ઞાની તથા અસ્થિર માણસો પોતાના નાશને સારુ બગાડે છે અને ઊંધો અર્થ આપે છે.

17 માટે, પ્રિયો, તમે અગાઉથી આ વાતો જાણતા હતા, માટે સાવધ થાઓ કે, અધર્મીઓની આકર્ષાઈને પોતાની સ્થિરતાથી ડગી જાઓ નહિ. 18 પણ આપણા પ્રભુ તથા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્તની કૃપામાં અને જ્ઞાનમાં તમે વૃદ્ધિ પામો; તેમને હમણાં તથા સદાસર્વકાળ મહિમા હો. આમીન.

<- પિતરનો બીજો પત્ર 2