Link to home pageLanguagesLink to all Bible versions on this site
8
શુનેમની સ્ત્રીને મિલકત પાછી મળી
1 જે સ્ત્રીના દીકરાને એલિશાએ સજીવન કર્યો હતો તેને તેણે કહ્યું, “ઊઠ, તું તારા કુટુંબનાં માણસોને લઈને ચાલી જા અને બીજા દેશમાં જ્યાં જઈને તારાથી રહેવાય ત્યાં રહે, કેમ કે, યહોવાહે દુકાળનો હુકમ કર્યો છે. દેશમાં સાત વર્ષ સુધી દુકાળ ચાલુ રહેશે.” 2 તેથી તે સ્ત્રીએ ઊઠીને ઈશ્વરભક્તના કહેવા પ્રમાણે કર્યું. તે તેના કુટુંબનાં માણસોને લઈને ચાલી નીકળી અને જઈને સાત વર્ષ સુધી પલિસ્તીઓના દેશમાં રહી.

3 સાતમા વર્ષને અંતે તે સ્ત્રી પલિસ્તીઓના દેશમાંથી પાછી આવી. અને પોતાના ઘર અને જમીન માટે રાજા પાસે વિનંતી કરવા ગઈ. 4 હવે રાજા ઈશ્વરભક્તના ચાકર ગેહઝી સાથે એવી વાત કરતો હતો, “એલિશાએ જે મોટા કામો કર્યાં છે તે કૃપા કરીને મને કહે.”

5 એલિશાએ મરણ પામેલાં બાળકને કેવી રીતે સજીવન કર્યો હતો, તે વાત ગેહઝી રાજાને કરતો હતો. ત્યારે જે સ્ત્રીના દીકરાને એલિશાએ સજીવન કર્યો હતો તેણે આવીને રાજાને પોતાના ઘર અને જમીન માટે વિનંતી કરી. ગેહઝીએ કહ્યું, “મારા માલિક, રાજા, આ જ તે સ્ત્રી છે અને આ જ તેનો દીકરો છે, તેને એલિશાએ સજીવન કર્યો હતો.” 6 રાજાએ તે સ્ત્રીને તેના દીકરા વિષે પૂછ્યું, તેણે તેને બધી વાત કહી. તેથી રાજાએ તેના માટે એક ખાસ અધિકારીને આજ્ઞા આપીને કહ્યું, “તેનું જે હતું તે બધું અને તેણે દેશ છોડયો તે દિવસથી આજ સુધીની તેના ખેતરની બધી જ ઊપજ તેને પાછી આપ.”

શુનેમની સ્ત્રીને મિલકત પાછી મળી
7 પછી એલિશા દમસ્કસમાં ગયો તે સમયે અરામનો રાજા બેન-હદાદ બીમાર હતો. રાજાને એવી ખબર મળી કે, “ઈશ્વરભક્ત અહીં આવ્યો છે.” 8 રાજાએ હઝાએલને*રાજાનો અધિકારી કહ્યું, “તારા હાથમાં ભેટ લઈને ઈશ્વરભક્તને મળવા જા, તેની મારફતે યહોવાહને પુછાવ કે, ‘શું હું આ બીમારીમાંથી સાજો થઈશ?’ ” 9 માટે હઝાએલ તેની સાથે દમસ્કસની સારી મૂલ્યવાન વસ્તુઓ ચાલીસ ઊંટો પર એ વસ્તુઓ ભેટ તરીકે લઈને તેને મળવા ગયો. હઝાએલે આવીને એલિશા આગળ આવીને કહ્યું, “તારા દીકરા અરામના રાજા બેન-હદાદે મને તારી પાસે એવું પૂછવા મોકલ્યો છે કે, ‘શું હું આ બીમારીમાંથી સાજો થઈશ?’ ”

10 એલિશાએ તેને કહ્યું, “જઈને બેન-હદાદને કહે કે, ‘તું નિશ્ચે સાજો થશે.’ પણ યહોવાહે તો મને એવું બતાવ્યું છે કે તે નિશ્ચે મરણ પામશે.” 11 પછી હઝાએલ શરમાઈ ગયો. એલિશા તેની સામે જોઈ રહ્યો, હઝાએલ એટલો બધો શરમિંદો પડ્યો કે ઈશ્વરભક્ત રડી પડયો. 12 હઝાએલે પૂછ્યું, “મારા માલિક, તું કેમ રડે છે?” તેણે કહ્યું, “કેમ કે, તું ઇઝરાયલી લોકો સાથે જે દુષ્ટતા કરવાનો છે તે હું જાણું છું માટે. તેઓના કિલ્લાઓને તું બાળી મૂકીશ, તેઓના જુવાનોની તું તલવારથી કતલ કરીશ, તેઓના બાળકોને તું જોરથી પછાડીને ટુકડાં કરીશ અને તેઓની ગર્ભવતી સ્ત્રીઓને તું ચીરી નાખીશ.”

13 હઝાએલે કહ્યું, “તારો સેવક એક કૂતરા તુલ્ય છે, તે કોણ છે કે આવાં કામ કરે?” એલિશાએ કહ્યું, “યહોવાહે મને બતાવ્યું છે કે તું અરામનો રાજા થશે.” 14 પછી હઝાએલ એલિશા પાસેથી રવાના થઈને પોતાના માલિક પાસે આવ્યો. તેણે તેને પૂછ્યું, “એલિશાએ તને શું કહ્યું?” તેણે જવાબ આપ્યો, “તેણે મને કહ્યું તું નિશ્ચે સાજો થશે.” 15 પછી બીજે દિવસે હઝાએલે ધાબળો લઈને તેને પાણીમાં પલાળીને રાજાના મોં પર ઓઢાડ્યો તેથી તે મરણ પામ્યો. અને તેની જગ્યાએ હઝાએલ રાજા થયો.

યહૂદિયાનો યહોરામ રાજા
2 કાળ. 21:1-20

16 ઇઝરાયલના રાજા આહાબના દીકરા યોરામના શાસનકાળના પાચમાં વર્ષે યહોરામ રાજ કરવા લાગ્યો. તે યહૂદિયાના રાજા યહોશાફાટનો દીકરો હતો. જ્યારે યહોશાફાટ યહૂદિયાનો રાજા હતો ત્યારે યહોરામ રાજ કરવા લાગ્યો. 17 યહોરામ રાજા બન્યો ત્યારે તે બત્રીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં આઠ વર્ષ રાજ કર્યું.

18 આહાબના કુટુંબે જેમ કર્યું હતું તેમ તે ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો, કેમ કે તેણે આહાબની દીકરી સાથે લગ્ન કર્યું હતું. અને તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું. 19 તો પણ પોતાના સેવક દાઉદને લીધે યહોવાહ યહૂદિયાનો નાશ કરવા ચાહતા નહોતા, કારણ કે તેઓએ તેને કહ્યું હતું, તે હંમેશા તેઓને વારસો આપશે.

20 યહોરામના દિવસોમાં અદોમે યહૂદિયાના હાથ નીચે બળવો કરીને પોતાના માટે એક રાજા ઠરાવ્યો. 21 ત્યારે યોરામ પોતાના બધા રથો અને સેનાપતિઓને લઈને સાઈર ગયો. અને તેણે રાત્રે ઊઠીને પોતાની આસપાસના અદોમીઓ તથા રથાધિપતિઓ પર હુમલો કર્યો. પછી યહોરામના સૈનિકો અને લોકો પોતાના ઘરે નાસી ગયા.

22 આ રીતે અદોમે આજ સુધી યહૂદિયાની સત્તા સામે બળવો કરેલો છે. લિબ્નાહએ પણ તે જ સમયે બળવો કર્યો હતો. 23 યોરામનાં બાકીનાં કાર્યો અને તેણે જે કંઈ કર્યું તે બધું યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું? 24 ત્યાર પછી યોરામ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો, તેને દાઉદનગરમાં તેના પિતૃઓ સાથે દફનાવવામાં આવ્યો. પછી તેનો દીકરો અહાઝયાહ તેની જગ્યાએ રાજા બન્યો.

યહૂદિયાનો રાજા અહાઝયાહ
2 કાળ. 22:1-6

25 ઇઝરાયલના રાજા આહાબના દીકરા યોરામના શાસનકાળના બારમા વર્ષે યહૂદિયાના રાજા યોરામનો દીકરો અહાઝયાહ રાજ કરવા લાગ્યો. 26 અહાઝયાહ રાજા થયો ત્યારે તે બાવીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં એક વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ અથાલ્યા હતું, તે ઇઝરાયલના રાજા ઓમ્રીની દીકરી હતી. 27 અહાઝયાહ આહાબના કુટુંબને માર્ગે ચાલ્યો, જેમ આહાબના કુટુંબે કર્યું તેમ તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું. કેમ કે, તે આહાબના કુટુંબનો જમાઈ હતો.

28 અહાઝયાહ આહાબના દીકરા યોરામ સાથે અરામના રાજા હઝાએલ સામે રામોથ ગિલ્યાદ આગળ યુદ્ધ કરવા ગયો. અરામીઓએ યોરામને ઘાયલ કર્યો. 29 અરામનો રાજા હઝાએલ સામે યુદ્ધ કરતો હતો, ત્યારે અરામીઓએ તેને રામા આગળ જે ઘા કર્યા હતા તે રુઝવવા માટે યોરામ રાજા પાછો યિઝ્રએલ આવ્યો. યહૂદિયાના રાજા યહોરામનો દીકરો અહાઝયાહ યિઝ્રએલમાં આહાબના દીકરા યોરામને જોવા આવ્યો, કેમ કે યોરામ ઘાયલ થયેલો હતો.

<- 2 રાજાઓ 72 રાજાઓ 9 ->