Link to home pageLanguagesLink to all Bible versions on this site
3
ઇઝરાયલ અને મોઆબ વચ્ચે યુદ્ધ
1 યહૂદિયાના રાજા યહોશાફાટના શાસનકાળના અઢારમા વર્ષે આહાબનો દીકરો યહોરામ સમરુનમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે બાર વર્ષ સુધી રાજ કર્યું. 2 તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું, પણ તેના પિતાની કે માતાની જેમ નહિ, કેમ કે તેણે તેના પિતાએ બનાવેલો બઆલનો પવિત્ર સ્તંભ કાઢી નાખ્યો. 3 તેમ છતાં તે નબાટના દીકરા યરોબામનાં પાપ કે જે વડે તેણે ઇઝરાયલ લોકો પાસે પાપ કરાવ્યું તેને વળગી રહ્યો. તેણે તેનો ત્યાગ કર્યો નહિ.

4 હવે મોઆબનો રાજા મેશા ઘેટાં ઉછેરતો હતો. અને તે ઇઝરાયલના રાજાને એક લાખ ઘેટાંનું અને એક લાખ હલવાનનું ઊન ખંડણી તરીકે આપતો હતો. 5 પણ આહાબના મરણ પછી મોઆબના રાજાએ ઇઝરાયલના રાજાની વિરુદ્ધ બળવો કર્યો. 6 તેથી યહોરામ રાજાએ તે જ સમયે સમરુનથી બહાર નીકળીને ઇઝરાયલના સૈનિકોને યુદ્ધને માટે એકત્ર કર્યા.

7 પછી તેણે યહૂદિયાના રાજા યહોશાફાટને સંદેશો મોકલ્યો કે, “મોઆબના રાજાએ મારી વિરુદ્ધ બળવો કર્યો છે. શું મોઆબની સામે યુદ્ધ કરવા તું મારી સાથે આવશે?” યહોશાફાટે કહ્યું, “હું આવીશ. જેવા તમે તેવો હું છું, જેવા તમારા લોક તેવા મારા લોક, જેવા તમારા ઘોડેસવારો તેવા મારા ઘોડેસવારો છે.” 8 પછી તેણે કહ્યું, “આપણે કયા માર્ગેથી હુમલો કરીશું?” યહોરામે કહ્યું, “અદોમના અરણ્યના માર્ગેથી.”

9 તેથી ઇઝરાયલનો રાજા, યહૂદિયાનો રાજા તથા અદોમનો રાજા યુદ્ધ માટે આગળ વધ્યા. તેઓએ ચકરાવો મારીને સાત દિવસની કૂચ કરી, ત્યાં તેઓના સૈન્ય માટે, ઘોડા માટે તથા બીજાં પશુઓ માટે પાણી ન હતું. 10 ત્યારે ઇઝરાયલના રાજાએ કહ્યું, “આ શું છે? યહોવાહે આપણને ત્રણ રાજાઓને ભેગા કરીને બોલાવ્યા છે કે જેથી મોઆબીઓ આપણને હરાવે?”

11 પણ યહોશાફાટે કહ્યું, “શું અહીં યહોવાહનો કોઈ પ્રબોધક નથી કે, જેના દ્વારા આપણે યહોવાહને પૂછી જોઈએ?” ઇઝરાયલના રાજાના ચાકરોમાંના એકે કહ્યું, “શાફાટનો દીકરો એલિશા જે એલિયાના હાથ પર પાણી રેડનારો હતો તે અહીં છે.” 12 યહોશાફાટે કહ્યું, “યહોવાહનું વચન તેની પાસે છે.” તેથી ઇઝરાયલનો રાજા યહોશાફાટ તથા અદોમનો રાજા તેની પાસે ગયા.

13 એલિશાએ ઇઝરાયલના રાજાને કહ્યું કે, “હું તમારી સાથે શું કરું? તમારી માતાના તથા પિતાના પ્રબોધકો પાસે જાઓ.” તેથી ઇઝરાયલના રાજાએ તેને કહ્યું, “ના, કેમ કે યહોવાહે અમને ત્રણ રાજાઓને મોઆબના હાથમાં સોંપી દેવા માટે એકત્ર કર્યાં છે.” 14 એલિશાએ કહ્યું, “સૈન્યોના યહોવાહ, જેમની સમક્ષ હું ઊભો રહું છું તેમના જીવના સમ, જો યહૂદિયાના રાજા યહોશાફાટ પ્રત્યે મને માન ન હોત, તો ખરેખર હું તમારી તરફ દ્રષ્ટિ પણ ન કરત.

15 પણ હવે મારી પાસે કોઈ વાજિંત્ર વગાડનારને લાવો.” પછી વાજિંત્ર વગાડનારે આવીને વાજિંત્ર વગાડ્યું ત્યારે એમ બન્યું કે, યહોવાહનો હાથ એલિશા પર આવ્યો. 16 તેણે કહ્યું, “યહોવાહ એમ કહે છે: આ સૂકી નદીની ખીણમાં બધી જગ્યાએ ખાઈઓ ખોદો.’ 17 કેમ કે યહોવાહ એવું કહે છે, તમે પવન જોશો નહિ, તેમ તમે વરસાદ જોશો નહિ, પણ આ ખીણ પાણીથી ભરાઈ જશે. અને તેમાં તમે, તેમ જ તમારાં જાનવર અને તમારાં પશુઓ પણ પાણી પીશે.

18 આ તો યહોવાહની દ્રષ્ટિમાં નાની બાબત છે. વળી તે મોઆબીઓને પણ તમારા હાથમાં સોંપી દેશે. 19 તમે તેઓના દરેક કિલ્લેબંધીવાળા નગર તથા દરેક સારા નગર પર હુમલો કરશો, દરેક સારા વૃક્ષોને કાપી નાખશો, દરેક પાણીના ઝરા બંધ કરી દેશો, દરેક સારી જમીનને પથ્થરો નાખીને બગાડી નાખશો.”

20 સવારે બલિદાન અર્પણ કરવાના સમયે એમ થયું કે, અદોમ તરફથી પાણી આવ્યું અને દેશ પાણીથી ભરાઈ ગયો હતો.

21 જયારે બધા મોઆબીઓએ સાંભળ્યું કે, રાજાઓ તેઓની સાથે યુદ્ધ કરવા આવ્યા છે, ત્યારે શસ્ત્ર સજી શકે એવા માણસો એકત્ર થઈને સરહદ પર ઊભા રહ્યા. 22 તેઓ વહેલી સવારે ઊઠ્યા અને સૂર્યનો પ્રકાશ પાણી પર પડવા લાગ્યો. ત્યારે મોઆબીઓને પાણી રક્ત જેવું લાલ દેખાયું. 23 તેઓએ કહ્યું, “આ તો રક્ત છે! રાજાઓ નાશ પામ્યા છે, તેઓએ એકબીજાને મારી નાખ્યા છે! માટે હવે, હે મોઆબીઓ, તેઓને લૂંટવા માંડો.”

24 પરંતુ જયારે મોઆબીઓ ઇઝરાયલની છાવણીમાં આવ્યા, ત્યારે ઇઝરાયલીઓએ ઊભા થઈને મોઆબીઓને એવા માર્યા કે તેઓ તેમની આગળથી નાસી ગયા. ઇઝરાયલીઓ મોઆબીઓને મારતાં મારતાં તેઓને દેશમાંથી દૂર લઈ ગયા. 25 ઇઝરાયલે નગરોનો નાશ કર્યો અને દરેક માણસે જમીનના દરેક સારા ભાગમાં પથ્થર નાખીને ખેતરોને ભરી દીધા. બધા ઝરાને તેમણે બંધ કરી દીધાં, બધાં જ સારાં વૃક્ષો કાપી નાખ્યાં. ફક્ત કીર-હરેસેથમાં તેઓએ પથ્થરો રહેવા દીધા. અને સૈનિકોએ ગોફણથી તેના પર હુમલો કર્યો.

26 જયારે મોઆબના રાજાએ જોયું કે, અમે યુદ્ધ હારી રહ્યા છીએ, ત્યારે તેણે અદોમના રાજાનો નાશ કરવાને પોતાની સાથે સાતસો તલવારધારી માણસોને લીધા, પણ તેઓ જઈ શક્યા નહિ. 27 મોઆબના રાજાએ પોતાના જ્યેષ્ઠ દીકરાને દિવાલ ઉપર દહનીયાર્પણ ચઢાવ્યું જેના કારણે ઇઝરાયલીઓ ભયભીત થઈને પોતાનાં દેશમાં ચાલ્યા ગયાં. તેથી ઇઝરાયલ પર ઈશ્વરને ક્રોધ ચઢ્યો*કારણ કે “ક્રોધ ચઢવું” એ અભિવ્યક્તિથી જૂના કરારમાં ઈશ્વર સાથે સંબંધિત છે, ઇઝરાયલીઓએ એવો ડર હતો કે ભગવાન આવા ભયાવહ ખતરાને ઉશ્કેરવા માટે તેમને સજા કરી શકે છે. અથવા તે મોઆબીઓ કે જેઓ તેમના બલિદાનના બાળકને જોતા હતા, તેઓ તેમના ગુસ્સે થઈ ગયા હતા જેથી તેઓ ઈઝરાયલીઓ વિરુદ્ધ દલીલ કરી શક્યા અને આ કારણે ઇઝરાયલીઓએ યુદ્ધ છોડી દેવાનું અને ઘરે જવાનો નિર્ણય કર્યો..

<- 2 રાજાઓ 22 રાજાઓ 4 ->