Link to home pageLanguagesLink to all Bible versions on this site
19
રાજાને પ્રબોધક યશાયાની સલાહ
યશા. 37:1-5

1 હિઝકિયા રાજાએ જ્યારે તે સાંભળ્યું ત્યારે એમ થયું કે, તેણે પોતાના વસ્ત્ર ફાડ્યાં, પોતાના શરીર પર ટાટ પહેરીને તે યહોવાહના ઘરમાં ગયો. 2 તેણે રાજ્યના અધિકારી એલિયાકીમને, નાણાંમંત્રી શેબ્નાને તથા યાજકોના વડીલોને ટાટ પહેરાવીને આમોસના દીકરા યશાયા પ્રબોધક પાસે મોકલ્યા.

3 તેઓએ તેને કહ્યું, હિઝકિયા આ પ્રમાણે કહે છે કે, “આ દિવસ દુ:ખનો, ઠપકાનો તથા બદનામીનો દિવસ છે, કેમ કે બાળકને જનમવાનો સમય આવ્યો છે, પણ તેને જન્મ આપવાની શક્તિ નથી. 4 કદાચ એવું બને કે, રાબશાકેહ જેને તેના માલિક આશ્શૂરના રાજાએ જીવતા ઈશ્વરની નિંદા કરવા મોકલ્યો છે, તેનાં બધાં વચનો તમારા ઈશ્વર યહોવાહ સાંભળે, તમારા ઈશ્વર યહોવાહે જે વચનો સાંભળ્યાં તેને તેઓ વખોડે. તેથી હવે જે હજુ સુધી અહીં બાકી રહેલા છે તેઓને માટે પ્રાર્થના કરો.”

5 હિઝકિયા રાજાના ચાકરો યશાયા પાસે આવ્યા, 6 યશાયાએ તેઓને કહ્યું કે, “તમારા માલિકને કહો કે, ‘યહોવાહ કહે છે કે, “જે વચનો તેં સાંભળ્યાં છે, જેનાથી આશ્શૂરના રાજાના સેવકોએ મારું અપમાન કર્યું છે તેનાથી તમે ગભરાશો નહિ.” 7 જુઓ, હું તેનામાં એક આત્મા મૂકીશ, તે એક અફવા સાંભળીને પોતાના દેશમાં પાછો જશે. પછી હું તેને તેના પોતાના દેશમાં તલવારથી મારી નંખાવીશ.”

રાબશાકેહની બીજી ધમકી
યશા. 37:8-20

8 પછી રાબશાકેહ પાછો ગયો, ત્યારે તેને સમાચાર મળ્યા કે, “આશ્શૂરનો રાજા લિબ્નાહ સામે લડી રહ્યો છે, કેમ કે તેણે સાંભળ્યું હતું કે, રાજા લાખીશ પાસેથી ગયો છે. 9 કૂશના રાજા તિર્હાકા વિષે સાંભળ્યું, જુઓ, તે તારી સામે યુદ્ધ કરવા ચઢી આવ્યો છે, ત્યારે તેણે ફરી યહૂદિયાના રાજા હિઝકિયા પાસે સંદેશાવાહકો મોકલીને કહેવડાવ્યું કે.

10 “તું, યહૂદિયાના રાજા હિઝકિયાને કહેજે કે, ‘તારા ઈશ્વર જેના પર તું ભરોસો રાખે છે તે તને એમ કહીને છેતરે નહિ કે, “યરુશાલેમ આશ્શૂરના રાજાના હાથમાં આપવામાં આવશે નહિ.” 11 જો, તેં સાંભળ્યું છે કે, આશ્શૂરના રાજાએ બધા દેશોનો સંપૂર્ણપણે નાશ કર્યો છે. તો શું તારો બચાવ થશે?

12 જે પ્રજાઓના, એટલે ગોઝાન, હારાન, રેસેફ અને તલાસ્સારમાં રહેતા એદેનના લોકોનો મારા પિતૃઓએ નાશ કર્યો છે તેઓના દેવોએ તેઓને બચાવ્યા છે? 13 હમાથનો રાજા, આર્પાદનો રાજા, સફાર્વાઈમ નગરનો રાજા તથા હેનાનો અને ઇવ્વાનો રાજા ક્યાં છે? હતા ના હતા થઈ ગયા છે.

14 હિઝકિયાએ સંદેશાવાહકો પાસેથી પત્ર લઈને વાંચ્યો. પછી તે યહોવાહના ઘરમાં ગયો અને યહોવાહની આગળ પત્ર ખુલ્લો કરીને વાંચ્યો. 15 પછી હિઝકિયાએ યહોવાહ આગળ પ્રાર્થના કરીને કહ્યું કે, “હે ઇઝરાયલના ઈશ્વર, સૈન્યોના યહોવાહ, તમે જે કરુબો પર બિરાજમાન છો, પૃથ્વીનાં બધાં રાજયોના તમે એકલા જ ઈશ્વર છો. તમે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે.

16 હે યહોવાહ, તમે કાન દઈને સાંભળો. યહોવાહ તમારી આંખો ઉઘાડો અને જુઓ, સાન્હેરીબનાં વચનો જે વડે તેણે જીવતા ઈશ્વરની નિંદા કરવા મોકલ્યા છે તેને તમે સાંભળો. 17 હવે યહોવાહ, ખરેખર આશ્શૂરના રાજાઓએ પ્રજાઓનો તથા તેમના દેશોનો નાશ કર્યો છે. 18 અને તેઓના દેવોને અગ્નિમાં નાખી દીધા છે, કેમ કે તેઓ દેવો નહોતા, તે તો માણસોના હાથે કરેલું કામ હતું, ફક્ત પથ્થર અને લાકડાં હતાં. તેથી જ આશ્શૂરીઓએ તેઓનો નાશ કર્યો હતો.

19 તો હવે, હે અમારા ઈશ્વર યહોવાહ, હું તમને પ્રાર્થના કરું છું કે, અમને તેઓના હાથમાંથી બચાવો કે, પૃથ્વીનાં બધાં રાજ્યો જાણે કે, તમે યહોવાહ, એકલા જ ઈશ્વર છો.”

યશાયાનો રાજાને જવાબ
યશા. 37:21-38

20 પછી આમોસના દીકરા યશાયાએ હિઝકિયાને સંદેશો મોકલીને કહાવ્યું કે, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહ એમ કહે છે કે, “તેઁ આશ્શૂરના રાજા સાન્હેરીબ વિરુદ્ધ મને પ્રાર્થના કરી હતી. તારી એ પ્રાર્થના મેં સાંભળી છે. 21 તેના વિષે યહોવાહ જે વચન બોલ્યા છે તે આ છે:

“સિયોનની કુંવારી દીકરીએ
તને તુચ્છ ગણે છે, તિરસ્કાર સહિત તારી હાંસી ઉડાવે છે.
યરુશાલેમની દીકરીએ તારા તરફ પોતાનું માથું ધુણાવ્યું છે.
22 તેં કોની નિંદા કરી છે તથા કોના વિષે દુર્ભાષણ કર્યા છે?
તેં કોની સામે તારો અવાજ ઉઠાવ્યો છે?
તેં કોની વિરુદ્ધ
ઇઝરાયલના પવિત્રનો વિરુદ્ધ જ તારી ઘમંડભરી આંખો ઊંચી કરી છે?
23 તારા સંદેશાવાહકો દ્વારા
તેં પ્રભુનો તિરસ્કાર કર્યો છે.
તેઁ કહ્યું છે કે,
‘મારા રથોના જૂથ વડે હું પર્વતોનાં શિખર પર,
લબાનોનના ઊંચા સ્થળોએ ચઢયો છું.
તેનાં સૌથી ઊંચા એરેજવૃક્ષોને,
તથા તેનાં ઉત્તમ દેવદારનાં વૃક્ષોને હું કાપી નાખીશ.
હું તેના સૌથી ફળદ્રુપ જંગલના
તથા તેના સૌથી દૂરના પ્રદેશોમાં પ્રવેશ કરીશ.
24 મેં કૂવા ખોદીને
પરદેશીનાં પાણી પીધાં છે.
મારા પગનાં તળિયાંથી
મેં મિસરની બધી નદીઓ સૂકવી નાખી છે.’
25 મેં પુરાતન કાળથી તેની યોજના કરી હતી,
પ્રાચીન કાળથી કામ કર્યું,
એ શું તેં સાંભળ્યું નથી?
મેં કોટવાળા નગરોને વેરાન કરીને,
ખંડેરના ઢગલા કરવા માટે મેં તને ઊભો કર્યો છે.
26 તેથી ત્યાંના રહેવાસીઓ શક્તિહીન થઈ ગયા,
ગભરાઈને શરમિંદા થઈ ગયા:
તેઓ ખેતરના છોડ જેવા,
લીલા ઘાસ જેવા,
ધાબા પર અને ખેતરમાં ઊગી નીકળેલા,
વૃદ્ધિ પામ્યા પહેલાં બળી ગયેલા ઘાસ જેવા બની ગયા હતા.
27 તારું નીચે બેસવું,
તારું બહાર જવું અને અંદર આવવું
તથા મારા પર તારું કોપાયમાન થવું એ બધું હું જાણું છું.
28 મારા પર કોપ કરવાને લીધે,
તારો ઘમંડ મારા કાને પહોંચ્યાને લીધે,
હું તારા નાકમાં કડી પહેરાવવાનો છું
તારા મોંમાં લગામ નાખવાનો છું;
પછી જે રસ્તે તું આવ્યો છે,
તે જ રસ્તે હું તને પાછો ફેરવીશ.”

29 આ તારા માટે ચિહ્નરુપ થશે:

આ વર્ષે તમે જંગલી ઊગી નીકળેલા દાણા ખાશો,
બીજે વર્ષે તે દાણામાંથી પાકેલું અનાજ ખાશો,
ત્રીજે વર્ષે તમે વાવશો અને લણશો,
દ્રાક્ષવાડીઓ રોપશો અને તેનાં ફળ ખાશો.
30 યહૂદિયાના ઘરના બચેલા માણસો,
ફરીથી જડ પકડશે અને ફળ આપશે.
31 કેમ કે, યરુશાલેમમાંથી અને સિયોન પર્વત પરથી બચેલા માણસો બહાર આવશે. સૈન્યોના યહોવાહની આવેશના લીધે આ બધું થશે.

32 “એટલે આશ્શૂરના રાજા વિષે યહોવાહ એવું કહે છે:

“તે આ નગરમાં આવશે નહિ
તેમ તે તીર પણ મારશે નહિ.
ઢાલ લઈને તેની આગળ નહિ આવે
તેમ તેની સામે ઢોળાવવાળી જગ્યા બાંધશે નહિ.
33 જે માર્ગે તે આવ્યો છે
તે માર્ગે તે પાછો જશે;
આ શહેરમાં તે પ્રવેશ કરશે નહિ.
આ યહોવાહનું નિવેદન છે.”
34 મારે પોતાને માટે તેમ જ મારા સેવક દાઉદને માટે
હું આ નગરનું રક્ષણ કરીશ અને તેને બચાવીશ.’ ”

35 તે જ રાત્રે એમ થયું કે, યહોવાહના દૂતે આવીને આશ્શૂરીઓની છાવણીમાં એક લાખ પંચાશી હજાર સૈનિકોને મારી નાખ્યા. વહેલી સવારે માણસોએ ઊઠીને જોયું, તો બધી જગ્યાએ મૃતદેહ પડ્યા હતા. 36 તેથી આશ્શૂરનો રાજા સાન્હેરીબ ઇઝરાયલ છોડીને પોતાના પ્રદેશમાં પાછો નિનવેમાં જતો રહ્યો. 37 તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો, ત્યારે તેના દીકરાઓ આદ્રામ્મેલેખે અને શારએસેરે તેને તલવારથી મારી નાખ્યો. પછી તેઓ અરારાટ દેશમાં નાસી ગયા. તેનો દીકરો એસાર-હાદ્દોન તેના પછી રાજા બન્યો.

<- 2 રાજાઓ 182 રાજાઓ 20 ->