Link to home pageLanguagesLink to all Bible versions on this site

2 રાજાઓ
લેખક
1 રાજા અને 2 રાજા બંને પુસ્તકો મૂળમાં એક પુસ્તક હતું. જો કે યહૂદી પરંપરા 2 રાજાના પુસ્તકના લેખક હોવાનો શ્રેય યર્મિયા પ્રબોધકને આપે છે, તો પણ વર્તમાન બાઈબલના વિદ્વાનો આ લખાણને પુનર્નિયમવાદીઓ કહેવાતા અજ્ઞાત લેખકોના જૂથનું લખાણ ગણાવે છે. 2 રાજાનું પુસ્તક પુનર્નિયમનો મુદ્રાલેખ બરાબર અનુસરે છે એટલે કે ઈશ્વરનું આજ્ઞાપાલન આશીર્વાદો લાવે છે અને અનાજ્ઞાંકિતપણું શાપ લાવે છે.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 590 થી 538 વચ્ચેનો છે.
જ્યારે પ્રથમ ભક્તિસ્થાન હજુ પણ હયાત હતું ત્યારે તે લખાયું હતું (1 રાજા 8:8).
વાંચકવર્ગ
ઇઝરાયલના લોકો તથા બાઇબલના બધા જ વાંચકો.
હેતુ
2 રાજાનું પુસ્તક 1 રાજાના પુસ્તકનું અનુગામી પુસ્તક છે. તે વિભાજિત રાજ્ય (ઇઝરાયલ અને યહૂદા) પરના રાજાઓની વાર્તા ચાલુ રાખે છે. 2 રાજાના પુસ્તકનું સમાપન ઈશ્વર રાજ્યને છેલ્લી વાર ઊથલાવી નાખે છે અને ઇઝરાયલ તથા યહૂદાના લોકો અનુક્રમે આશ્શૂર અને બાબિલમાં દેશનિકાલ પામે છે તે દ્વારા થાય છે.
મુદ્રાલેખ
વિઘટન
રૂપરેખા
1. એલિશાનું સેવાકાર્ય — 1:1-8:29
2. આહાબના રાજવંશનો અંત — 9:1-11:21
3. યહોઆશના રાજ્યકાળથી ઇઝરાયલનો અંત — 12:1-17:41
4. હિઝિકયાના રાજ્યકાળથી યહૂદાનો અંત — 18:1-25:30

1
એલિયા અને અહાઝયાહ રાજા
1 આહાબના મરણ પછી મોઆબે ઇઝરાયલની સામે બળવો કર્યો. 2 અહાઝયાહ સમરુનમાં તેના ઉપરના ઓરડાની બારીમાંથી નીચે પડી જવાથી તે બીમાર પડ્યો હતો. તેથી તેણે સંદેશાવાહકોને મોકલીને કહેવડાવ્યું કે, “જઈને એક્રોનના દેવ બઆલ-ઝબૂબ ને પૂછો કે, શું હું આ બીમારીમાંથી સાજો થઈશ?”

3 પણ ઈશ્વરના દૂતે તિશ્બી એલિયાને કહ્યું, “ઊઠ, સમરુનના રાજાના સંદેશાવાહકોને મળવા સામે જા અને તેમને કહે, ‘શું ઇઝરાયલમાં કોઈ ઈશ્વર નથી કે તમે એક્રોનના દેવ બઆલ-ઝબૂબની સલાહ લેવા જાઓ છો? 4 ઈશ્વર એવું કહે છે કે, “જે પલંગ પર તું સૂતો છે તે પરથી તારાથી ઉઠાશે નહિ; પણ તું નિશ્ચે મરણ પામશે.” પછી એલિયા ચાલ્યો ગયો.

5 જયારે સંદેશાવાહકો અહાઝયાહ પાસે પાછા આવ્યા ત્યારે તેણે તેઓને પૂછ્યું, “શા માટે તમે પાછા આવ્યા?” 6 તેઓએ તેને કહ્યું, “એક માણસ અમને મળવા આવ્યો અને તેણે અમને કહ્યું કે, ‘જે રાજાએ તમને મોકલ્યા છે તેની પાસે પાછા જઈને તેને કહો કે, “યહોવાહ એવું કહે છે કે, ‘શું ઇઝરાયલમાં કોઈ ઈશ્વર નથી કે, તું એક્રોનના દેવ બઆલ-ઝબૂબને સલાહ પૂછવા મોકલે છે? માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તારાથી ઉઠાશે નહિ, પણ તું નિશ્ચે મરણ પામશે.’ ”

7 અહાઝયાહએ તેના સંદેશાવાહકોને પૂછ્યું, “જે માણસ તમને મળવા આવ્યો અને જેણે તમને આ વચનો કહ્યાં તે કેવા પ્રકારનો માણસ હતો?” 8 તેઓએ કહ્યું, “તે માણસનાં શરીરે વાળ હતા અને તેની કમરે ચામડાનો પટ્ટો બાંધેલો હતો.” રાજાએ કહ્યું, “તે તો નિશ્ચે તિશ્બી એલિયા છે.”

9 પછી રાજાએ સરદારને પચાસ સૈનિકો સાથે એલિયા પાસે મોકલ્યો. તે સરદાર ત્યાં પહોંચ્યો ત્યારે તેણે એલિયાને પર્વતના શિખરે બેઠેલો જોયો. સરદારે તેને કહ્યું કે, “હે ઈશ્વરભક્ત, રાજાએ કહ્યું છે કે, તું નીચે ઊતર.’ 10 એલિયાએ કહ્યું, “જો હું ઈશ્વરભક્ત હોઉં, તો આકાશમાંથી અગ્નિ ઊતરીને તને તથા તારા પચાસ સૈનિકોને ભસ્મ કરી નાખો.” તેથી આકાશમાંથી અગ્નિએ ઊતરીને સરદારને તથા તેના પચાસ સૈનિકોને ભસ્મ કરી નાખ્યા.

11 અહાઝયાહએ ફરીથી બીજા સરદારને પચાસ સૈનિકો સાથે એલિયા પાસે મોકલ્યો. આ સરદારે પણ એલિયા પાસે જઈને કહ્યું, “હે ઈશ્વરભક્ત, રાજાએ કહાવ્યું છે કે, ‘જલ્દીથી નીચે ઊતર.’ 12 એલિયાએ તેઓને કહ્યું, “જો હું ઈશ્વરભક્ત હોઉં, તો આકાશમાંથી અગ્નિ ઊતરીને તને તથા તારા પચાસ સૈનિકોને ભસ્મ કરી નાખો.” ફરીથી આકાશમાંથી ઈશ્વરના અગ્નિએ ઊતરીને સરદારને તથા તેના બધા સૈનિકોને ભસ્મ કરી નાખ્યા.

13 ફરીથી રાજાએ ત્રીજા પચાસ સૈનિકોને સરદાર સાથે તેની પાસે મોકલ્યો. ત્રીજા સરદારે ઉપર જઈને એલિયા આગળ ઘૂંટણે પડીને તેને વિનંતી કરીને કહ્યું, “હે ઈશ્વરભક્ત, કૃપા કરીને મારું જીવન તથા આ મારા પચાસ સૈનિકોનાં જીવન તમારી દ્રષ્ટિમાં મૂલ્યવાન ગણાઓ. 14 ખરેખર, આકાશમાંથી અગ્નિએ ઊતરીને પહેલા બે સરદારોને તેઓના સૈનિકો સાથે ભસ્મ કર્યા, પણ હવે મારું જીવન તારી દ્રષ્ટિમાં મૂલ્યવાન ગણાઓ.”

15 તેથી ઈશ્વરના દૂતે એલિયાને કહ્યું, “તેની સાથે નીચે જા. તેનાથી બીશ નહિ.” માટે એલિયા ઊઠીને તેની સાથે રાજા પાસે ગયો. 16 પછી એલિયાએ અહાઝયાહને કહ્યું, “ઈશ્વર એવું કહે છે કે, ‘તેં એક્રોનના દેવ બઆલ-ઝબૂબને પૂછવા સંદેશાવાહકો મોકલ્યા છે શું ઇઝરાયલમાં ઈશ્વર નથી કે જેને તું સલાહ પૂછી શકે છે? તેથી હવે, તું જે પલંગ પર સૂતો છે તે પરથી તારાથી ઉઠાશે નહિ; પણ તું નિશ્ચે મરણ પામશે.’ ”

17 તેથી જેમ એલિયાએ ઈશ્વરના વચન પ્રમાણે કહ્યું હતું તેમ અહાઝયાહ રાજા મરણ પામ્યો. તેની જગ્યાએ યહૂદિયાના રાજા યહોશાફાટના દીકરા યહોરામને બીજે વર્ષે યોરામ રાજ કરવા લાગ્યો, કેમ કે તેને દીકરો ન હતો. 18 અહાઝયાહના બાકીનાં કૃત્યો વિષે ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું?

2 રાજાઓ 2 ->