Link to home pageLanguagesLink to all Bible versions on this site
9
સાથી વિશ્વાસીઓને માટે આર્થિક મદદ
1 હવે સંતોની સેવા કરવા વિષે, મારે તમને લખવાની અગત્ય નથી 2 કેમ કે હું તમારી ઉત્કંઠા જાણું છું; તે વિષે હું મકદોનિયાના લોકોની આગળ તમારે માટે ગર્વ કર્યા કરું છું, કે અખાયાએ એક વર્ષથી તૈયારી કરી છે. તમારી ઉત્કંઠાએ ઘણાંઓને ઉત્સાહિત કર્યા છે.

3 હવે મેં ભાઈઓને એ માટે મોકલ્યા છે કે, તમારે વિષેનો અમારો ગર્વ વ્યર્થ ન જાય; અને જેમ મેં કહ્યું તેમ તમે તૈયાર થાઓ; 4 એમ ન થાય કે, મકદોનિયાના કોઈ માણસો મારી સાથે આવે અને તમને તૈયાર થયેલા જુએ નહિ, તો તમારા વિશેના ગર્વને કારણે અમારે હું નહીં કહું કે તમારે પણ શરમાવું પડે. 5 આથી મને જરૂરી લાગ્યું કે ભાઈઓને વિનંતી કરવી કે તેઓ તમારી પાસે વહેલાં આવે અને જે દાન આપવાનું તમે વચન આપ્યું હતું, તે અગાઉથી ઉઘરાવી રાખે. તે દાન જબરદસ્તીથી નહિ પણ ઉદારતાથી તૈયાર રાખવામાં આવે.

6 એ તો ખરું છે કે, જે કંજૂસાઈથી વાવે છે, તે લણશે પણ કંજૂસાઈમાં; અને જે ઉદારતાથી વાવે છે; તે ઉદારતાથી લણશે. 7 જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી નક્કી કર્યું છે, તે પ્રમાણે તેણે આપવું; પરાણે નહિ, ફરજિયાત પણ નહિ; કેમ કે ખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે.

8 ઈશ્વર તમારા પર સર્વ પ્રકારની પુષ્કળ કૃપા કરવાને સમર્થ છે કે, જેથી હંમેશા તમારી પાસે સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાને લીધે, તમે સર્વ સારાં કામો કરવામાં વધતા જાઓ. 9 જેમ લખેલું છે કે, ‘તેમણે વહેંચ્યું છે, તેમણે ગરીબોને આપ્યું છે, તેમનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે.’ ”

10 જે વાવનારને માટે બીજ તથા ખોરાકને સારુ રોટલી પૂરાં પાડે છે, તેઓ તમારું વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે અને તમારા ન્યાયીપણાના ફળોની વૃદ્ધિ કરશે; 11 એમ તમે સર્વ પ્રકારે ધનવાન થાઓ કે જેથી તમે ઉદાર બની શકો અને તેથી અમારી મારફતે ઈશ્વરની સ્તુતિ થાય.

12 કેમ કે આ સેવાનું કામ ફક્ત સંતોની ગરજ પૂરી પાડે છે, એટલું જ નહિ, પણ ઈશ્વરની પુષ્કળ સ્તુતિમાં પરિણમે છે; 13 એટલે આ સેવાના પુરાવાથી, તેઓ, ખ્રિસ્તની સુવાર્તાની તમારી કબૂલાત પ્રત્યેની આધીનતા માટે તથા તેઓને માટે તથા સર્વને માટે તમારા દાનની પુષ્કળતાને માટે, ઈશ્વરનો મહિમા કરે છે. 14 તમારા પર ઈશ્વરની અધિક કૃપાને માટે તેઓ તમારે માટે પ્રાર્થના કરતાં તમારા માટે ઝંખે છે. 15 ઈશ્વરના અવર્ણનીય દાન ઈસુ ખ્રિસ્તને માટે તેમની આભારસ્તુતિ થાઓ.

<- કરિંથીઓને બીજો પત્ર 8કરિંથીઓને બીજો પત્ર 10 ->