Link to home pageLanguagesLink to all Bible versions on this site
6
1 અમે, તેમની સાથે કામ કરનારા, તમને વિનંતી કરીએ છીએ, કે તમે ઈશ્વરની કૃપાનો સ્વીકાર કર્યો છે તેને વ્યર્થ થવા દેશો નહિ. 2 કેમ કે તે કહે છે કે,
‘મેં માન્યકાળમાં તારું સાંભળ્યું,
અને ઉદ્ધારના દિવસમાં મેં તને સહાય કરી;
જુઓ, અત્યારે જ માન્યકાળ છે, અત્યારે જ ઉદ્ધારનો દિવસ છે. 3 અમારા સેવાકાર્યને દોષ ન લાગે, માટે અમે કશામાં કોઈને અડચણરૂપ થતાં નથી.

4 પણ અમે સર્વમાં પોતાને ઈશ્વરના સેવકોના જેવા દેખાડીએ છીએ; ઘણી ધીરજથી, વિપત્તિથી, તંગીથી, વેદનાથી, 5 ફટકાઓથી, કેદખાનાંઓથી, હંગામાઓથી, કષ્ટોથી, ઉજાગરાથી, ભૂખથી, 6 શુદ્ધપણાથી, જ્ઞાનથી, સહનશીલતાથી, ઉપકારીપણાથી, પવિત્ર આત્માથી, નિષ્કપટ પ્રેમથી, 7 સત્ય વચનથી, ઈશ્વરના પરાક્રમથી, જમણાં તથા ડાબા હાથ પર ન્યાયીપણાનાં હથિયારોથી.

8 માન તથા અપમાનથી, અપકીર્તિ તથા સુકીર્તિથી; જૂઠા ગણાયેલા તોપણ સાચા; 9 અજાણ્યા તોપણ નામાંકિત; મરણ નજીક તોપણ જુઓ જીવંત છીએ; શિક્ષા પામેલાઓના જેવા તોપણ મૃત્યુ પામેલા નહિ; 10 શોકાતુરના જેવા તોપણ સદા આનંદ કરનારા; ગરીબો જેવા તોપણ ઘણાંઓને ધનવાન કરનારા; કંગાલ જેવા તોપણ સઘળાના માલિક છીએ.

11 ઓ કરિંથીઓ, તમારે સારુ અમારું મોં ખૂલ્યું છે, અમારું હૃદય વિશાળ છે. 12 તમે અમારામાં સંકુચિત થયા નથી, પણ પોતાના અંતઃકરણમાં સંકુચિત થયા છો. 13 તો એને બદલે જેમ બાળકોને તેમ તમને કહું છું, તમે પણ હૃદયથી ઉદાર થાઓ.

બિનયહૂદીઓની અસરો વિરુદ્ધ ચેતવણી
14 અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો; કેમ કે ન્યાયીપણાને અન્યાયીપણા સાથે શો સંબંધ હોય? અને અજવાળાંને અંધકારની સાથે શી સંગત હોય? 15 અને ખ્રિસ્ત સાથે શેતાનનો સંબંધ હોઈ શકે? કે વિશ્વાસીને અવિશ્વાસીની સાથે શો ભાગ હોય? 16 અને ઈશ્વરના સભાસ્થાનને મૂર્તિઓની સાથે સંબંધ હોય ખરો? કેમ કે આપણે જીવતા ઈશ્વરનું ભક્તિસ્થાન છીએ, જેમ ઈશ્વરે કહ્યું કે, ‘હું તેઓમાં રહીશ તથા ચાલીશ; તેઓનો ઈશ્વર થઈશ; અને તેઓ મારા લોક થશે.’ ”

17 માટે, ‘તમે તેઓમાંથી નીકળી આવો, અને જુદા થાઓ,’ એમ પ્રભુ કહે છે, ‘અશુદ્ધને સ્પર્શ ન કરો, અને હું તમારો સ્વીકાર કરીશ, 18 અને તમારો પિતા થઈશ, અને તમે મારા દીકરાદીકરીઓ થશો, એમ સર્વસમર્થ પ્રભુ કહે છે.’ ”

<- કરિંથીઓને બીજો પત્ર 5કરિંથીઓને બીજો પત્ર 7 ->