Link to home pageLanguagesLink to all Bible versions on this site

1 કેમ કે અમને ખબર છે કે જો અમારું પૃથ્વી પરનું માંડવારૂપી શરીર નષ્ટ થઈ જાય, તો સ્વર્ગમાં ઈશ્વરે સર્જેલું, હાથોથી બાંધેલું નહિ એવું અનંતકાળનું અમારું ઘર છે. 2 કેમ કે અમારું જે ઘર સ્વર્ગમાં છે તેને પામવાની બહુ અભિલાષા રાખીને અમે આ માંડવારૂપી ઘરમાં નિસાસા નાખીએ છીએ. 3 અને જો સ્વર્ગીય ઘર પામીએ તો અમે નિ:વસ્ત્ર ન દેખાઈએ.

4 કેમ કે અમે આ માંડવારૂપી શરીરના ભારને લીધે નિસાસા નાખીએ છીએ; તેને ઉતારવા કરતાં સ્વર્ગીય ઘરથી વેષ્ટિત થવા ઇચ્છીએ છીએ એ સારુ કે જીવન મરણમાં ગરકાવ થઈ જાય. 5 હવે જેમણે અમને એને અર્થે તૈયાર કર્યા તે ઈશ્વર છે તેમણે અમને આત્માની ખાતરી પણ આપી છે.

6 માટે અમે સદા હિંમતવાન છીએ અને એવું જાણીએ છીએ કે શરીરમાં રહીએ છીએ ત્યાં સુધી અમે પ્રભુથી વિયોગી દૂર રહેતાં પ્રવાસી છીએ. 7 કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દૃષ્ટિથી નહિ. 8 માટે હિંમતવાન છીએ અને શરીરથી અલગ થવું તથા પ્રભુની પાસે વાસો કરવો એ અમને વધારે પસંદ છે.

9 એ માટે કે અમે જો શરીરમાં હોઈએ કે શરીર બહાર હોઈએ તોપણ તેમને પસંદ પડીએ એવી ઉત્કંઠા અમે ધરાવીએ છીએ અને પ્રયાસ કરીએ છીએ. 10 કેમ કે દરેકે શરીરથી જે કર્યું છે, સારુ કે ખરાબ હોય, તે પ્રમાણે તે બદલો પામવા સારુ આપણને સર્વને ખ્રિસ્તનાં ન્યાયાસનની આગળ હાજર થવું પડશે.

ખ્રિસ્ત મારફતે ઈશ્વરની સાથે મૈત્રી
11 માટે પ્રભુનો ડર રાખીને અમે માણસોને સમજાવીએ છીએ; અમે ઈશ્વર આગળ પ્રગટ થયા છીએ તે સાથે મારી આશા છે કે તમારાં અંતઃકરણોમાં પણ પ્રગટ થયા છીએ. 12 અમે ફરીથી તમારી આગળ પોતાને વખાણતા નથી પણ અમારે વિષે તમને ગૌરવ કરવાનો પ્રસંગ આપીએ છીએ, એ માટે કે જેઓ હૃદયથી નહિ, પણ દંભથી અભિમાન કરે છે, તેઓને તમે ઉત્તર આપી શકો.

13 કેમ કે જો અમે ઘેલા હોઈએ તો ઈશ્વરને અર્થે છીએ અથવા જો જાગૃત હોઈએ તો તમારે અર્થે છીએ. 14 કેમ કે ખ્રિસ્તનો પ્રેમ અમને પ્રેરણા આપે છે, કારણ કે અમે એવું સમજીએ છીએ કે, જો એક સર્વને માટે મરણ પામ્યા માટે સર્વ મરણ પામ્યા. 15 અને સર્વને માટે તે મૃત્યુ પામ્યા, એ સારુ કે જેઓ જીવે છે તેઓ હવેથી પોતાને માટે નહિ, પણ જે તેઓને વાસ્તે મૃત્યુ પામ્યા તથા ઊઠ્યાં તેમને માટે જીવે.

16 એ માટે હવેથી અમે માનવીય ધોરણથી કોઈનો ન્યાય કરતા નથી, જો કે ખ્રિસ્તને અમે પહેલા માનવીય ધોરણથી જોયા હતા પણ હવેથી અમે આ રીતે કોઈનો ન્યાય કરતા નથી. 17 માટે, જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવું સર્જન થયો છે; જે જૂનું હતું તે જતું રહ્યું છે; જુઓ, તે નવું થયું છે.

18 આ સર્વ ઈશ્વરથી છે, જેમણે ઈસુ ખ્રિસ્તની મારફતે પોતાની સાથે આપણું સમાધાન કરાવ્યું અને તે સમાધાન કરાવવાનું સેવાકાર્ય અમને આપ્યું છે; 19 એટલે, ઈશ્વર ખ્રિસ્તમાં પોતાની સાથે માનવજગતનું સમાધાન કરાવીને તેઓના અપરાધો માટે તેઓને જવાબદાર ગણતા નથી, અને તેમણે અમને સમાધાનના સંદેશાની સેવા સોંપેલી છે.

20 એ માટે અમે ખ્રિસ્તનાં પ્રતિનિધિ છીએ, જાણે કે ઈશ્વર અમારી મારફતે વિનંતી કરતા હોય, તેમ અમે ખ્રિસ્તને વાસ્તે તમને વિનંતી કરીએ છીએ કે, ઈશ્વર સાથે સમાધાન કરો. 21 જેમણે પાપ જાણ્યું ન હતું, તેમને આપણે માટે તેમણે પાપરૂપ કર્યા, એ સારુ કે આપણે તેમનાંમાં ઈશ્વરના ન્યાયીપણારૂપ થઈએ.

<- કરિંથીઓને બીજો પત્ર 4કરિંથીઓને બીજો પત્ર 6 ->