Link to home pageLanguagesLink to all Bible versions on this site
4
માટીનાં પાત્રોમાં આત્મિક ખજાનો

1 એ માટે અમારા પર દયા થઈ તે પ્રમાણે અમને આ સેવાકાર્ય મળ્યું તેમાં અમે થાકતા નથી; 2 પણ શરમજનક ગુપ્ત વાતોને નકારીને અમે કાવતરાં કરતા નથી, અને ઈશ્વરની વાતમાં કપટ કરતા નથી; પણ સત્ય પ્રગટ કર્યાથી ઈશ્વરની આગળ અમે પોતાના વિશે સર્વ માણસોના અંતઃકરણમાં ખાતરી કરી આપીએ છીએ.

3 પણ જો અમારી સુવાર્તા ગુપ્ત રહેલી હોય તો તે નાશ પામનારાઓને સારુ જ ગુપ્ત રખાયેલી છે; 4 જેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન અંધ કર્યાં છે, એ સારુ કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે, તેમના મહિમાની સુવાર્તાનાં અજવાળાનો ઉદય તેઓ પર ન થાય.

5 અમે ઉપદેશમાં પોતાને પ્રગટ નથી કરતા, પણ ખ્રિસ્ત ઈસુ પ્રભુ છે અને અમે પોતે ઈસુને લીધે તમારા દાસો છીએ, એવું જાહેર કરીએ છીએ. 6 કેમ કે જે ઈશ્વરે જેમણે અંધારામાંથી અજવાળાંને પ્રકાશવા ફરમાવ્યું; તે મુજબ ઈસુ ખ્રિસ્તનાં ચહેરા પરનો ઈશ્વરના મહિમાના જ્ઞાનનો પ્રકાશ આપણા હૃદયોમાં પાડે.

7 પણ અમારો આ ખજાનો માટીનાં પાત્રોમાં છે, એ સારુ કે પરાક્રમની ઉત્તમતા ઈશ્વરથી થાય અને અમારાથી નહિ. 8 સર્વ પ્રકારે અમે વિપત્તિ પામેલા હોવા છતાં દબાયેલા નથી; હેરાન થયા છતાં નિરાશ થયેલા નથી; 9 સતાવાયેલા છીએ પણ ત્યજાયેલા નથી; નીચે પટકાયેલા છીએ પણ નાશ પામેલા નથી; 10 ઈસુનું મરણ અમારા શરીરમાં સદા રાખીએ છીએ, એ સારુ કે ઈસુનું જીવન અમારાં શરીરદ્વારા જાહેર થાય.

11 કેમ કે અમે જીવનારાં ઈસુને માટે, સદા મરણને સોંપાયેલા છીએ, એ માટે કે ઈસુનું જીવન પણ અમારા મૃત્યુપાત્ર મનુષ્યદેહમાં પ્રગટ કરાય. 12 એમ જ અમારામાં મરણ પણ તમારામાં જીવન અસર કરે છે.

13 વિશ્વાસનો તે જ આત્મા અમને છે તેથી મેં વિશ્વાસ કર્યો માટે હું બોલ્યો એ લેખ પ્રમાણે, અમે પણ વિશ્વાસ કરીએ છીએ અને તેથી બોલીએ છીએ. 14 અને એવું જાણીએ છીએ કે, જેમણે પ્રભુ ઈસુને ઉઠાડ્યાં, તે અમને પણ ઈસુની મારફતે ઉઠાડશે અને તમારી સાથે અમને રજૂ કરશે. 15 કેમ કે સઘળાં વાનાં તમારે સારુ છે એ માટે કે જે કૃપા ઘણાંઓની મારફતે પુષ્કળ થઈ તે ઈશ્વરના મહિમાને અર્થે ઉપકારસ્તુતિ કરાવે.

વિશ્વાસદ્વારા જીવવું

16 તેથી અમે થાકતા નથી; પણ જો અમારો ભૌતિક મનુષ્યદેહ નાશ પામે તોપણ અમારું આંતરિક મનુષ્યત્વ પ્રતિદિન નવું થતું જાય છે. 17 કેમ કે અમારી થોડી અને ક્ષણિક વિપત્તિ અમારે માટે ઘણી વધારે તથા અતિશય અનંતકાળિક મહિમા ઉત્પન્ન કરે છે; 18 એટલે જે દૃશ્ય છે તે નહિ, પણ જે અદ્રશ્ય છે તે પર અમે ધ્યાન રાખીએ છીએ; કેમ કે જે દૃશ્ય છે તે ક્ષણિક છે પણ જે અદ્રશ્ય છે તે અનંતકાળિક છે.

<- કરિંથીઓને બીજો પત્ર 3કરિંથીઓને બીજો પત્ર 5 ->