Link to home pageLanguagesLink to all Bible versions on this site
3
નવા કરારના સેવકો
1 શું અમે ફરી પોતાની પ્રશંસા કરીએ છીએ? કે શું જેમ બીજા કેટલાકને તેમ, અમને તમારા ઉપર કે તમારી પાસેથી, ભલામણના પત્રો જોઈએ છે? 2 અમારા હૃદયમાં લખેલો અને સર્વ માણસથી જણાયેલો તથા વંચાયેલો એવો અમારો પત્ર તો તમે છો. 3 તમે ખ્રિસ્તનાં પત્રની જેમ દેખાઓ છો જેની અમે સેવા કરેલી; તે શાહીથી નહિ પણ જીવતા ઈશ્વરના આત્માથી, પથ્થરની પાટીઓ પર નહિ પણ માનવીય હૃદયરૂપી પાટીઓ પર લખેલો છે.

4 એવો ભરોસો ખ્રિસ્તને આશરે અમને ઈશ્વર પર છે. 5 અમે પોતે પોતાનાથી કંઈ વિચારવા સમર્થ છીએ એવું નથી; પણ અમારું સામર્થ્ય ઈશ્વરથી છે; 6 તેમણે પણ અમને નવા કરારના, એટલે અક્ષરના નહિ પણ આત્માનાં, યોગ્ય સેવકો કર્યા, કેમ કે અક્ષર મારી નાખે છે, પણ આત્મા જીવાડે છે.

7 અને મરણની સેવા જેનાં અક્ષરો પથ્થરો પર કોતરેલા હતા; તે જો એટલી ગૌરવવાળી હતી કે ઇઝરાયલી લોકો મૂસાના મુખ પરનું તેજ જે ટળી જનારું હતું તે તેજને લીધે તેના મુખ પર ધારીને જોઈ શક્યાં નહિ. 8 તો તે કરતાં આત્માની સેવા વધતી મહિમાવાન કેમ ન હોય?

9 કેમ કે જો દંડાજ્ઞાની સેવાનો મહિમા હતો, તો ન્યાયીપણાની સેવા મહિમામાં કેટલી બધી અધિક છે! 10 અને ખરેખર, જે મહિમાવંત થયેલું હતું તે કરતાં બીજું અધિક મહિમાવંત થયાના કારણથી જાણે મહિમારહિત થયું. 11 કેમ કે જે ટળી જવાનું હતું તે જો મહિમાવંત હતું, તો જે કાયમ ટકનાર તેનો મહિમા કેટલો વિશેષ છે!

12 એ માટે અમને એવી આશા હોવાથી, અમે બહુ નિર્ભયતાથી બોલીએ છીએ; 13 અને મૂસાની જેમ નહિ, કે જેણે ઇઝરાયલના દીકરાઓ ટળી જનારાં મહિમાનો અંત પણ નિહાળે નહિ માટે પોતાના મુખ પર પડદો નાખ્યો.

14 પણ તેઓના મન કઠણ થયાં; કેમ કે આજ સુધી જૂનો કરાર વાંચતા તે પડદો એમનો એમ જ રહે છે; પણ તે તો ખ્રિસ્તમાં દૂર કરવામાં આવે છે. 15 પણ આજ સુધી જયારે તેઓ મૂસાનાં પુસ્તકો વાંચે છે ત્યારે તેઓના હૃદય પર પડદો રહે છે; 16 પણ જયારે તે પ્રભુની તરફ ફરશે, ત્યારે તે પડદો ખસેડી નાખવામાં આવશે.

17 હવે પ્રભુ તે આત્મા છે; અને જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. 18 પણ આપણે સહુ ઉઘાડે મુખે જેમ આરસીમાં, તેમ પ્રભુના મહિમાને નિહાળીને, પ્રભુના આત્માથી તે જ રૂપમાં અધિકાધિક મહિમા ધારણ કરતાં રૂપાંતર પામીએ છીએ.

<- કરિંથીઓને બીજો પત્ર 2કરિંથીઓને બીજો પત્ર 4 ->