Link to home pageLanguagesLink to all Bible versions on this site

કરિંથીઓને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર
લેખક
પાઉલે કરિંથીઓને બીજો પત્ર પોતાના જીવનના એક સંવેદનશીલ સમયે લખ્યો હતો. તેને જાણ થઈ હતી કે કરિંથની મંડળી સંઘર્ષમય જીવનમાંથી પસાર થઈ રહી હતી અને તેણે તે વિશ્વાસીઓના સ્થાનિક જૂથની એકતા બચાવવા પગલાં ભરવા ચાહ્યું. જ્યારે પાઉલે આ પત્ર લખ્યો ત્યારે, કરિંથમાંના વિશ્વાસીઓ પ્રત્યેના તેના પ્રેમને કારણે તેને કષ્ટ તથા માનસિક વેદના થઈ રહી હતી. કષ્ટમય બાબતો મનુષ્ય માટે તો તેની નબળાઈઓ પ્રગટ કરે છે, પણ ઈશ્વર માટે તો “તારા માટે મારી કૃપા પૂરતી છે, કારણ કે મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે” એમ પર્યાપ્તતા પ્રકટ કરે છે (12:7-10). આ પત્રમાં પાઉલ ઝનૂનપૂર્વક પોતાના સેવાકાર્ય તથા પ્રેરિત તરીકેના અધિકારનો બચાવ કરે છે. તે પત્રની શરૂઆત પોતે ખ્રિસ્તનો પ્રેરિત ઈશ્વરની ઇચ્છાથી થયો છે તે તથ્યનું સમર્થન ફરી એક વાર કરતાં કરે છે (1:1). પાઉલનો આ પત્ર તેના જીવન અને ખ્રિસ્તી વિશ્વાસ વિષે ઘણું પ્રકટ કરે છે.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.સ. 55 થી 56 ની વચ્ચેનો છે.
પાઉલનો કરિંથીઓને બીજો પત્ર મકદોનિયાથી લખાયો હતો.
વાંચકવર્ગ
આ પત્ર કરિંથમાંની ઈશ્વરની મંડળીને તથા અખાયામાંના લોકોને સંબોધિત કરાયો હતો (1:1). અખાયા એક રોમન પ્રાંત હતો કે જેની રાજધાની કરિંથ હતી.
હેતુ
આ પત્ર લખવા પાછળ પાઉલના મનમાં ઘણા હેતુઓ હતા જેમ કે કરિંથીઓએ પાઉલના પીડાકારક પત્ર પ્રતિ સારો પ્રતિભાવ આપ્યો હતો તે કારણે તેણે જે રાહત અને આનંદ અનુભવ્યા હતા તે વ્યક્ત કરવાનો (1:3-4; 7:8-9, 12:13), આસિયા પ્રાંતમાં તેને જે મુશ્કેલીઓ પડી તે તેમને જણાવવાનો (1:8-11), તેમને નારાજ કરનાર પક્ષને માફ કરવા કહેવાનો (2:5-11), તેમને અવિશ્વાસીઓ સાથે અઘટિત સંબંધ ન રાખવા ચેતવણી આપવાનો (6:14; 7:1), તેમને ખ્રિસ્તી સેવાકાર્યની સાચી સમજ તથા તેના ઉચ્ચ તેડાને સમજાવવાનો (2:14-7:4), કરિંથીઓને ઉદારતાથી આપવાની કૃપા શીખવવાનો તથા તેઓ યરુશાલેમના ગરીબ ખ્રિસ્તીઓ માટે ફાળો ઉઘરાવવાનું પૂરું કરે તેની ખાતરી કરવાનો હતો (8-9).
મુદ્રાલેખ
પાઉલનો પોતાના પ્રેરિતપદનો બચાવ.
રૂપરેખા
1. પાઉલનો પોતાના સેવાકાર્ય વિષયક ખુલાસો — 1:1-7:16
2. યરુશાલેમના ગરીબો માટે ફાળો — 8:1-9:15
3. પાઉલનો પોતાના અધિકાર વિષયક બચાવ — 10:1-13:10
4. ત્રિએકપણાના આશીર્વચન સાથે સમાપન — 13:11-14

1
અભિવાદન
1 કરિંથમાંના ઈશ્વરના વિશ્વાસી સમુદાયને તથા તેની સાથે સમગ્ર અખાયામાંના સર્વ સંતોને, પાઉલ જે ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત છે, તે તથા ભાઈ તિમોથી લખે છે 2 ઈશ્વર આપણા પિતા તથા ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ થાઓ.
પાઉલ ઈસુનો આભાર માને છે
3 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર તથા પિતા, જે દયાના તથા સર્વ દિલાસાના ઈશ્વર છે તેમની સ્તુતિ થાઓ. 4 તેઓ અમારી સર્વ વિપત્તિમાં અમને દિલાસો આપે છે, કે જેથી અમે પોતે ઈશ્વરથી જે દિલાસો પામીએ છીએ, તેને લીધે જેઓ ગમે તેવી વિપત્તિમાં હોય તેઓને અમે દિલાસો આપવાને શક્તિમાન થઈએ.

5 કેમ કે જેમ ખ્રિસ્તને કારણે ઘણાં દુઃખ અમારા પર આવે છે, તેમ ખ્રિસ્ત દ્વારા અમને પણ ઘણો દિલાસો મળે છે. 6 પણ જો અમે વિપત્તિ સહીએ તો તે તમારા દિલાસા તથા ઉદ્ધારને માટે છે; અને જો દિલાસો પામીએ છીએ, તો તે તમારા દિલાસાને માટે છે અને તેથી અમે જે રીતે દુઃખો સહીએ છીએ તેવી સહન કરવાની શક્તિ તમારામાં આવે. 7 તમારે વિશે અમારી આશા દૃઢ છે કારણ કે અમને ખબર છે કે જેમ તમે દુઃખોમાં ભાગીદાર, તેમ દિલાસામાં પણ ભાગીદાર થયા છો.

8 કેમ કે ભાઈઓ, અમારી એવી ઇચ્છા નથી કે આસિયામાં જે વિપત્તિ અમને પડી તે વિષે તમે અજાણ્યા રહો, એ વિપત્તિ અમારી સહનશક્તિ બહાર અમને બહુ ભારે લાગી, એટલી હદે કે અમે જીવવાની આશા પણ મૂકી દીધી હતી. 9 વળી અમને લાગ્યું હતું કે અમારું મરણ થશે, જેથી અમે પોતાના પર નહિ, પણ મૃત્યુ પામેલાંને સજીવન કરનાર ઈશ્વર પર વિશ્વાસ રાખીએ. 10 તેમણે આવાં મરણકારક જોખમથી અમારો બચાવ કર્યો અને કરશે; તેમના પર અમે આશા રાખીએ છે કે તેઓ ફરીથી પણ અમને બચાવશે.

11 તમે પ્રાર્થનાથી અમને સહાય કરજો, કે જે કૃપાદાન ઘણાંઓની મારફતે અમને અપાયું, તેને લીધે ઘણાં અમારે માટે આભારસ્તુતિ પણ કરે.

પાઉલની યોજનામાં ફેરફાર
12 કેમ કે એ બાબતે અમને અભિમાન છે અને અમારી પ્રેરકબુદ્ધિ એવી સાક્ષી આપે છે કે ભૌતિક જ્ઞાનથી નહિ પણ ઈશ્વરની કૃપાથી અમે દુનિયામાં અને વિશેષ કરીને તમારા સંબંધમાં ઈશ્વરની દ્રષ્ટિએ પવિત્રતાથી તથા શુદ્ધ મનથી વર્ત્યા. 13 પણ તમે જે વાંચો છો અને માનો છો, તેનાથી વિપરીત અમે તમને બીજી વાતો લખતા નથી; અને આશા રાખું છું, કે તેમ અંત સુધી માનશો. 14 જે રીતે તમે અમને સ્વીકાર્યાં, કે પ્રભુ ઈસુના પુનરાગમના જેમ તમે અમારા માટે, તેમ અમે તમારા માટે અભિમાનનું કારણ છીએ, તેવી આશા હું રાખું છું.

15 અને પહેલાં, એવી આશાથી હું તમારી પાસે આવવાને ઇચ્છતો હતો કે તમને બમણી કૃપા મળે; 16 તમારી પાસે થઈને મકદોનિયા જવાને અને ફરી મકદોનિયાથી તમારી પાસે આવવાને, અને તમારાથી યહૂદિયા તરફ વિદાય થવાને હું ઇચ્છતો હતો.

17 તો શું એવું ઇચ્છવામાં શું હું ઢચુપચુ કરતો હતો? અથવા જે ઇરાદો હું રાખું છું તે શું માનવીય ધોરણો પ્રમાણે રાખું છું, એવું કે મારું બોલવું હા ની ‘હા’ અને ના ની ‘ના’ હોય? 18 પણ જેમ ઈશ્વર વિશ્વાસુ છે તેમ તમારા પ્રત્યે મારી વાતમાં હા કે ના નહોતું.

19 કેમ કે ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્ત જે અમારાથી, એટલે મારાથી તથા સિલ્વાનસ અને તિમોથી ધ્વારા, તમારામાં પ્રગટ કરાયા, તે હા તથા ના ન થયા, પણ તે હા થયા. 20 કેમ કે ઈશ્વરનાં જેટલાં આશાવચનો છે તે બધામાં હા તથા તેમાં આમીન છે, એ માટે કે અમારાથી ઈશ્વરનો મહિમા થાય.

21 અને અમને તમારી સાથે ખ્રિસ્તમાં જે દૃઢ કરે છે તથા જેમણે અમારો અભિષેક કર્યો, તે તો ઈશ્વર છે; 22 તેમણે અમને મુદ્રાંકિત કર્યા અને અમારા હૃદયમાં આત્માની ખાતરી આપી છે.

23 હું ઈશ્વરને સાક્ષી રાખીને કહું છું કે તમારા પર દયા કરીને હું હજી સુધી કરિંથમાં આવ્યો નથી; 24 અમે તમારા વિશ્વાસ પર સત્તા ચલાવીએ છીએ એમ નહિ, પણ તમારા આનંદમાં સહાય કરનારા છીએ; કેમ કે તમે વિશ્વાસથી દૃઢ રહો છો.

કરિંથીઓને બીજો પત્ર 2 ->